કેરા, તા. 20 : સ્વામિનારાયણ મંદિર-ભુજ સંચાલિત
સ્વામિનારાયણ ગુરુકુળ-રાપરના રજત જયંતી મહોત્સવ (તા. 22થી 26 ડિસેમ્બર-2026)ના ઉપલક્ષ્યે
યોજાઈ રહેલાં 25 સેવાકીય આયોજનો પૈકી રાપર તાલુકાનાં
25 ગામમાં નિ:શુલ્ક આઇ કેમ્પનું
આયોજન કરવામાં આવ્યું છે. તેના પ્રથમ રાઉન્ડમાં તા. 3થી 18 ઓક્ટોબર-2026 દરમિયાન બાલાસર, શિવગઢ, નવા ત્રંબૌ,
ચિત્રોડ, ખીરઈ, સેલારી,
નૂતન સણવા, આડેસર, ભીમાસર
અને મોટી રવ એમ 10 ગામમાં કેમ્પ
યોજાયા. તા. 3 ઓક્ટોબરે બાલાસર કુમાર શાળાના પ્રાંગણમાં
ધૂન બાદ સંતો અને અગ્રણીઓના હસ્તે દીપ પ્રાગટય કરી કેમ્પનો આરંભ કરાયો. આ પ્રસંગે મહોત્સવની
આમંત્રણપત્રિકા અર્પણ કરી અગ્રણીઓ, ગામના વડીલો તથા શિક્ષકોનું સન્માન કરાયું હતું. ગુરુકુળ દ્વારા યોજાયેલા આ
કેમ્પમાં અંધજન મંડળ કે.સી.આર.સી. આંખની હોસ્પિટલ-ભુજની તબીબી ટીમના સહયોગથી દરેક ગામમાં
પહેલાં શાળાનાં બાળકોની અને પછી ગામના વડીલો તથા ગ્રામજનોની આંખના નંબર, મોતિયા, ઝામર, છારી તથા વેલની તપાસ
કરવામાં આવી હતી. 10 દિવસના આ
પ્રથમ રાઉન્ડમાં કુલ 3017 લોકોની આંખની
તપાસ થઈ, જેમાં 800થી વધુ બાળકનો સમાવેશ થાય છે.
કેમ્પ સ્થળે જ 1437 લાભાર્થીને વિનામૂલ્યે ચશ્મા
અપાયા-896 નજીકના અને 541 દૂરના. મોતિયાના 210 અને વેલ (ટેરિજિયમ)ના 96 - એમ કુલ 306 દર્દીને ઓપરેશન માટે પસંદ કરાયા, જેનાં ઓપરેશન ગુરુકુળ દ્વારા વિનામૂલ્યે થઈ
રહ્યા છે. ઉપરાંત 85 દર્દીને સારવાર
તથા 166 દર્દીને રેટિના, કોર્નિયા, ઝામર અને ત્રાંસી
આંખની વિશેષ સારવાર માટે રિફર કરાયા છે-આ તમામ સારવાર પણ વિનામૂલ્યે અપાશે. આ નેત્રયજ્ઞમાં
ચશ્મા અને ઓપરેશનની વ્યવસ્થા ગુરુકુળ દ્વારા કરાઈ છે, જેમાં કે.સી.આર.સી.
આંખની હોસ્પિટલ-ભુજનો ખાસ સહયોગ મળી રહ્યો છે. આ સેવાયજ્ઞ સ્વામિનારાયણ ગુરુકુળ-રાપર
દ્વારા ભુજ મંદિરના મહંત પુરાણી સ્વામી ધર્મનંદનદાસજીના આશીર્વાદ, `આપણું વાગડ સૌથી આગળ' સૂત્ર આપનાર પુરાણી સ્વામી બાલકૃષ્ણદાસજીની
પ્રેરણા તથા ગુરુકુળના પ્રમુખ શાસ્ત્રી સ્વામી વિજ્ઞાનસ્વરૂપદાસજીના માર્ગદર્શન હેઠળ
યોજાયો. વ્યવસ્થા સંચાલક ડો. શાસ્ત્રી સ્વામી અક્ષરમુનિદાસજી, શાસ્ત્રી સ્વામી સર્વમંગલદાસજી આદિ સંતમંડળે સંભાળી હતી, જ્યારે રત્નાભાઈ ચૌધરી, ભીમજીભાઈ ગોહિલ, મહાદેવભાઈ કાગ સહિત હરિભક્તો અને શિક્ષકોએ સ્વયંસેવક તરીકે સેવા આપી હતી. તાલુકાનાં
બાકીનાં ગામોમાં કેમ્પનો બીજો રાઉન્ડ નવેમ્બર અને ડિસેમ્બર માસમાં યોજાશે.