અંજાર, તા. 19 : સમસ્ત ભારતભરમાં રમણીય અને
ઉત્તમ પર્યટન સ્થળ તરીકે ખ્યાતિ પામેલા અંજારના ગોવર્ધન પર્વતની ગુજરાત પવિત્ર યાત્રાધામ
વિકાસ બોર્ડના ચેરમેને મુલાકાત લીધી હતી અને વિવિધ વિકાસ કાર્યો અંગે ચર્ચાઓ કરી હતી.
ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના ચેરમેન રમેશભાઈ મેરજાએ મહંત ત્રિકમદાસજી મહારાજના
માર્ગદર્શન હેઠળ સચ્ચિદાનંદ સંપ્રદાય દ્વારા સંચાલિત ગોવર્ધન પર્વત ખાતે પ્રાકૃતિક
સૌંદર્ય, અનુકૂળ હવામાન અને ભક્તિમય વાતાવરણનો અનુભવ
કર્યો હતો. ચેરમેને આ સ્થળની મુલાકાતને અદભૂત યાત્રાનો અનુભવ ગણાવ્યો હતો. આ ઉપરાંત,
પ્રવાસન વિભાગ દ્વારા ગોવર્ધન પર્વત ખાતે ફાળવવામાં આવેલાં વિવિધ વિકાસકાર્યો
અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. ત્યારબાદ તેમણે ગોવર્ધન પર્વત ખાતે આવેલી નંદીશાળાની
મુલાકાત લીધી હતી. આ પ્રસંગે તેમની સાથે ડેનીભાઈ
શાહ, અંજારના નાયબ મામલતદાર તથા ગોપાલભાઈ માતા, કાનજીભાઈ કારા અને ભાણેવારાના ધનજીભાઈ રાઘા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.ગોવર્ધન
પર્વતના પ્રાકૃતિક સૌંદર્ય, ધાર્મિક મહત્ત્વ અને પર્યટન ક્ષેત્રે
રહેલી સંભાવનાઓને ઉજાગર કરતી આ મુલાકાત નોંધપાત્ર બની રહી હતી.