• મંગળવાર, 06 ઑક્ટોબર, 2026

માંડવીની રૂકમાવતીના પટ્ટમાં ત્રાસદાયક ઝાડી

દેવેન્દ્ર વ્યાસ દ્વારા : માંડવી, તા. 5 : ભૂકંપ પહેલાં આ બંદરીય શહેરમાં પ્રવેશતાં સાગર-સરિતાના સોહામણા સંગમથી આંખ ઠરે, ટાઢક વળે તેવા અતિતને એરુ આભડી ગયો હોય તેવી દુર્દશા રૂકમાવતી નદી પટમાં ત્રાસદાયક ઝાડીઓનાં સામ્રાજ્યે સર્જી હોવાથી ભૂંડની ઓથ સમી અને જીવાતોના ઝુંડના આશ્રયસ્થાન મનાતી ગાંડા બાવળોની ઝાડી કટિંગની પ્રબળ માંગ જાગૃતોએ કરી છે. આઠ-દસ ફૂટ ઊંચા બાવળોનો પથારો, ચેરિયાવન ઉપરાંત નવા વહાણોનાં બાંધકામ-સમારકામ કાજે ખડા કરાતા ટેકરાં સરખાં પ્લેટફોર્મ કામ પત્યા પછી પણ સમતળ નહીં કરાતાં અમંગળ ભાવના એંધાણી તરીકે આંગળીએ ચીંધાયા છે. સવાર-સાંજ-રાતે હવા ખાવા બેસનારાઓ વ્યાપક જીવાતો મચ્છરોના ત્રાસજનક ઉપદ્રવ, ઝેરી જંતુઓના ડંખ વગેરે સંબંધી બળાપો કાઢતાં રોષ પ્રદર્શિત કરી જણાવે છે કે, જૂના પુલ ઉપરથી ઠેઠ બસ સ્ટેશન સુધી દોઢેક કિલોમીટર નદી કાંઠાની પાળ પાસે બાંકડાઓ, બેઠકોનું પાથરણ, પરંતુ જીવાત ઝંપવા નાદે તો હવા ખાવા બેસવું કેમ? એક સમયે શહેરમાં પ્રવેશતાં મજબૂત-આકર્ષક લોખંડની ગ્રીલ શોભતી. ભૂકંપ આસપાસ એ કયાં પગ કરી ગઈ તે રામ જાણે !- ત્રણ દાયકા અગાઉ બે કાંઠે હોડી ચાલતી: ત્રણેક દાયકાઓ અગાઉ જૂની મામલતદાર કચેરી પાસેની નદી પર ઉપરના નાકાથી સામેપાર સલાયા  જવા હોડકાં ચાલતાં બે કાંઠે આવ-જાનું એ સાધન હતું. રેતીના ભરાવા થકી એ અતિતનું પાનું બની રહ્યું. નવો પુલ બન્યો. 143 વર્ષ જૂનો અને જે તે સમયે દેશમાં પથ્થરની કમાનોવાળો લાંબામાં લાંબો ખડતલપુલ વાહનોની આવજા માટે આડસો મુકી બંધ કરી દેવાયો, સલામતીના સંદર્ભમાં તે પછી સદરહુ પુલ ઉપર બાંકડા મુકાયા... એ પહેલાં પણ ટહેલવા માટે પથ્થરની અર્ધચંદ્રાકારની બેઠકો હતી. સાંજે અને મોડી રાતે નગરજનો ત્યાં શીતળ હવા માણવા લલચાતાં સ્થાનિક તંત્રે મૂકેલા બાંકડા નકારાત્મક અને હીન તત્ત્વોએ તોડવાનું `અભિયાન' ચલાવ્યું હોય તેવો બળાપો સંભળાયો, હવે એ જૂનો પુલ અડ્ડા તરીકે વગોવાઈ રહ્યો છે. રૂકમાવતી પુલ પ્રવેશદ્વારથી ઠેઠ બસ સ્ટેશન લગી પાળને પીઠ બનાવી બેસવા પાકા બાંકડા તો મુકાયા, પરંતુ હૈયું ઠરે તેવું પર્યાવરણ નથી.- ગાંડા બાવળની ઝાડી ત્રાસજનક : શહેરના જાગૃત વર્ગમાંથી પ્રતીક શાહ, દીપકભાઈ સંઘવી વગેરેએ દૃશ્ય તરફ આંગળી ચીંધતાં કહ્યું હતું કે, બાવળિયા આઠ-દસ-બાર ફૂટ ઊંચા થઈ પથારો બન્યાં છે. ચેરિયાંની ઝાડીનું આકર્ષણ છે. 50-100 મીટર ઉપર રહેઠાણો, ધંધા સ્થળો છે. એ વિસ્તારમાં હોસ્પિટલો છે, ધમધમતો રાજ માર્ગ છે. ઝાડીના આક્રમણ થકી સામે પાર દેખાતું પણ નથી. છેલ્લે મેહુલ શાહ નગરપતિ હતા તે વેળાએ ઝાડી કટિંગ કરાઈ તે પછી સાત-આઠ વર્ષોથી કોઈ જવાબદારી લેવા તૈયાર નથી. - વહાણ કામે ખડા કરાતાં પ્લેટફોર્મ જોખમ સર્જી દેશે : સૈકાઓથી દેશી વહાણ બાંધણી માટે જગ વિખ્યાત આ બંદરીય શહેર, પંથક અપૂર્ણ મંદી વચ્ચે નવા વહાણ બાંધવા કે સમારકામ અર્થે પટ પ્રદેશ ઉપર રેતીના ઊંચા ટેકરા જેવા પ્લેટફોર્મ બનાવાય, કામ પૂરું થાય પછી પણ એને સમતળ ન કરાય તેથી પ્રાકૃતિક વહેણ માટે ખતરનાક આડસ બની રહે છે. કુદરત વિફરે, તો ભારે વરસાદી વહેણ ઝાડી અને વહાણો માટેના પ્લેટફોર્મના કારણે રુંધાતા શહેર ઉપર આફત નોંતરી શકે છે. દરિયાના મુખ પાસે બંધાતાં કે મરંમત પામતાં વહાણ હવે જૂના પુલ લગોલગ પહોંચતા સંબંધિત તંત્રે સુસ્તી ઉડાવવી એ સમયની માંગ છે. વહેણની મોકળાશ હોય, તો કુદરતી રીતે રેતી તણાતા નદી પરની ઊંડાઈ ભારે વરસાદમાં સલામતી બક્ષે. વધારે હોડીઓએ દરિયો ખુંદેલો એ દૃશ્ય જોવા અગાસીએ ચડવું પડેલું એટલી હદે ઝાડી વિસ્તરી છે. રમણીય રૂકમાવતીને નવા વાઘા પહેરાવી એ પટ પ્રદર્શને સુંવાળો, સોહામણો બનાવવાની માંગ ઊઠી છે.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd