• મંગળવાર, 06 ઑક્ટોબર, 2026

`ગુજરાત ભાડા વિધેયક' સામે કચ્છભરમાં વકીલોની સજ્જડ હડતાલ

ભુજ, તા. 5 : માતૃસંસ્થા બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના આદેશ અને માર્ગદર્શન મુજબ, `નવા ગુજરાત ભાડા વિધેયક 2026'માં ભાડા સંબંધિત કેસોની સત્તા ન્યાયિક અદાલતો (કોર્ટ) પાસેથી આંચકીને વહીવટી અધિકારીઓ એડિશનલ કલેક્ટર/ડેપ્યુટી કલેક્ટરને સોંપવાની જોગવાઈના સખત વિરોધમાં સોમવારે ભુજ બાર એસોસીએશન દ્વારા કોર્ટ કામકાજથી સંપૂર્ણપણે અળગા રહી સઘન વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. બારના હોદ્દેદારો દ્વારા કલેક્ટર કચેરીએ પણ રૂબરૂ જઈને આ ખરડો મંજૂર ન થાય તે અંગે રજૂઆત કરવામાં આવી હતી. આ વિરોધ પ્રદર્શનમાં ભુજ બાર એસોસીએશનના બહોળી સંખ્યામાં સિનિયર તેમજ જુનિયર વકીલમિત્રો હાજર રહ્યા હતા. બારના પ્રમુખ સચિન ગોર અને મંત્રી મલ્હાર બૂચની આગેવાની હેઠળ ઉપપ્રમુખ કાનજીભાઈ ધુવા, ઉપપ્રમુખ (મહિલા) કાંતાબેન વેકરિયા, સહમંત્રી મેહુલભાઈ ગોસ્વામી, ખજાનચી નસીમબેન ખત્રી તેમજ લેડી રિપ્રેઝેન્ટેટિવ ભક્તિબેન ગોર, લાયબ્રેરી સેક્રેટરી ઘનશ્યામસિંહ સોઢા ઉપરાંત કારોબારીના તમામ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. ભુજ બારના પૂર્વ પ્રમુખો અમીરઅલીભાઈ લોઢિયા, હેમાસિંહ ચૌધરી, વિમલ મહેતા, અનિલ જોશી તેમજ સિનિયર-જુનિયર એડવોકેટ્સે પણ બહોળી સંખ્યામાં હાજર રહી આંદોલનને સંપૂર્ણ સાથ-સહકાર આપ્યો હતો. પક્ષકારોનાં હિતને ધ્યાનમાં રાખીને જ્યાં સુધી વકીલો કોર્ટ કામકાજથી અળગા છે, ત્યાં સુધી અસીલોને કોર્ટમાં ખોટી હાલાકી કે ધક્કા ન પડે તે હેતુથી વકીલો સ્વેચ્છાએ પોતાના અસીલોને કોર્ટમાં ન બોલાવે તેવું સૂચન પણ કરવામાં આવ્યું હતું. આવતીકાલે તા. છઠ્ઠી ઓક્ટોબરે સવારે 10-30 કલાકે ફરીથી તમામ વકીલમિત્રોને કોર્ટ પ્રાંગણમાં એકઠા થવા અને આ હડતાળને સજ્જડ રીતે ચાલુ રાખવા આહ્વાન કરવામાં આવ્યું છે.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd