નવી દિલ્હી, તા. પ : ફ્લાયદુબઈનાં વિમાનમાં બનેલી કથિત આતંકવાદી હરકત હજી તાજી જ છે ત્યાં
આજે લંડનથી અમેરિકામાં શિકાગો જતાં બ્રિટિશ એરવેઝની એક ટ્રાંસએટલાંટિક ફ્લાઈટમાં હડકંપ
મચી ગયો હતો. વિમાન આયર્લેન્ડ ઉપરથી ઉડતું હતું ત્યારે જ ઓચિંતા વિમાન નીચે સરકવા લાગ્યું
હતું અને આશરે 28 હજાર ફૂટ
જેટલી ઉંચાઈ જોતજોતામાં ગુમાવી દીધી હતી. આ સાથે જ વિમાનમાંથી 7700-ઈમરજન્સી કોડ પણ જારી કરવામાં
આવ્યો હતો. જેને પગલે વિમાનને તાકીદનું ઉતરાણ કરાવવા માટે ભાગદોડ મચી ગઈ હતી. બ્રિટિશ
એરવેઝની લંડનથી શિકાગો જઈ રહેલી ફ્લાઇટ બીએ-295એ આયર્લેન્ડ ઉપરથી ઉડાન દરમિયાન અચાનક ઝડપથી નીચે ઉતરવાનું શરૂ
કર્યું હતું. વિમાન માત્ર થોડી જ મિનિટોમાં
37 હજાર ફૂટની ઊંચાઈથી લગભગ 9 હજાર ફૂટની ઊંચાઈએ આવી ગયું હતું. ત્યારબાદ
તરત જ ક્રૂએ 7700 ઇમરજન્સી કોડ જાહેર કર્યો.
વિમાનમાં સામાન્ય કટોકટીની સ્થિતિ માટે આ કોડનો ઉપયોગ કરવામાં આવે છે. બ્રિટિશ એરવેઝની
ફ્લાઇટ બીએ-295 લંડનના હીથ્રો એરપોર્ટના ટર્મિનલ-5 પરથી સવારે 11:50 વાગ્યે શિકાગોના ઓ'હેર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ માટે રવાના થઈ હતી.
આ લગભગ 8 કલાક અને 40 મિનિટની ફ્લાઇટ હતી. વિમાન
બોઇંગ 777-200ઈઆર હતું અને તેની ઉંમર લગભગ
30 વર્ષ હોવાનું જણાવવામાં આવ્યું
છે. ઉડાન ભર્યાના લગભગ એક કલાક બાદ વિમાન 37 હજાર ફૂટની ઊંચાઈએ પહોંચ્યું હતું. ત્યારબાદ અચાનક વિમાન ઝડપથી
નીચે ઉતરવા લાગ્યું હતું અને યાત્રીઓનાં શ્વાસ અદ્ધર થઈ ગયા હતાં. એરલાઇન મીડિયા અનુસાર, વિમાનમાં અચાનક એક ઓપરેશનલ સમસ્યા સર્જાઈ હતી.
ત્યારબાદ પાયલટોએ વિમાનની ઊંચાઈ ઝડપથી ઘટાડીને એર ટ્રાફિક કંટ્રોલ સાથે સંપર્ક કર્યો
હતો. તે સમયે વિમાન આયર્લેન્ડના મધ્ય ભાગ ઉપર હવામાં હતું અને સીધી દિશામાં આગળ વધી
રહ્યું હતું. પાયલટો પરિસ્થિતિનું મૂલ્યાંકન કરી રહ્યા હતાં અને વિમાન ત્યાં સુધી તેમનાં
નિયંત્રણમાં હતું. કટોકટીની સ્થિતિમાં તેમની સામે વિમાનને શેનન અથવા ડબલિન એરપોર્ટ
તરફ વાળવાનો વિકલ્પ હતો. આ ઉપરાંત લંડનના હીથ્રો એરપોર્ટ પર પરત ફરવાનો વિકલ્પ પણ વિચારવામાં
આવી રહ્યો હતો. કોઈ મુસાફરને ઈજા થઈ હોવાની કે વિમાનને કોઈ નુકસાન થયું હોવાની માહિતી
નથી. જોકે, તે સમયે એ પણ સ્પષ્ટ નહોતું કે આખરે વિમાનને કયા એરપોર્ટ
પર ઉતારવાનો નિર્ણય લેવામાં આવ્યો.