• મંગળવાર, 06 ઑક્ટોબર, 2026

જિલ્લાનો પશુપાલન વિભાગ ઊંટોની વહારે

નિરોણા (પાવરપટ્ટી), તા. 5 : પાવરપટ્ટી વિસ્તારમાં અજાણી બીમારીથી અનેક ઊંટો મોતને ભેટયા અંગેના અહેવાલ આ અખબારમાં વહેતા થયા પછી આજે જિલ્લાનો પશુપાલન વિભાગ સફાળો જાગી  પહાડી પ્રદેશમાં પહોંચ્યો હતો. જ્યાં રોગગ્રસ્ત ઊંટોના લોહીના નમૂના લઈ જરૂરી સારવાર કરવામાં આવી હતી. પશુપાલન વિભાગના મતે બીમારી ભેદી નથી. મોસમી હોઈ શકે છે. પાછોતરા વરસાદ પછી ખાસ કરીને ડુંગરાળ વિસ્તારમાં ચરિયાણનો માહોલ જામ્યા પછી પાવરપટ્ટીના દક્ષિણ ડુંગરોની હારમાળમાં મોટી સંખ્યામાં પશુઓ વિચરે છે, જેમાં 600થી 700 જેટલા ઊંટોનો પણ સમાવેશ થાય છે. ઊંટોમાં છેલ્લા એકાદ માસથી કોઈ બીમારી લાગુ પડતાં  એ ડુંગરાળ વિસ્તારમાં અનેક ઊંટોનાં મોત થયાં હતાં, જેનો વિસ્તૃત અહેવાલ કચ્છમિત્રમાં પ્રસિદ્ધ થયા પછી આજે સવારથી જિલ્લાના પશુપાલન વિભાગના પશુચિકિત્સકોની ટીમે ભૂખી ડેમ નજીકના ડુંગરોમાં ધસી અનેક ઊંટોની સારવાર હાથ ધરી હતી. પશુપાલન વિભાગના પશુચિકિત્સક ડો. દીપ્તેષ આગ્જાની ટીમ આજે ઊંટોના ટોળાં વચ્ચે પહોંચી હતી. આ પશુચિકિત્સકના જણાવ્યા મુજબ ઊંટોમાં દેખાયેલી બીમારી ભેદી નથી, પરંતુ શિયાળની શરૂઆતમાં શરદી જેવી લાગતી બીમારી મોસમી છે. આજે આ બીમારીગ્રસ્ત કેટલાક ઊંટોના લોહીના નમૂના લઈ યોગ્ય સારવાર કરવામાં આવી હતી. હાલ આ બીમારી કાબૂ હેઠળ હોવાનું જણાવી આ પશુચિકિત્સકે વધુમાં કહ્યું હતું કે, આ વિસ્તારમાં વિચરતા પશુઓમાં મોસમી કે અન્ય કોઈ પણ બીમારીના લક્ષણો દેખાય તો માલધારીઓ ઘરગથ્થુ ઈલાજ કરવાને બદલે વહેલી તકે નજીકના પશુ આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો. સારવાર માટે પહોંચેલી ટીમમાં ડો. દીપ્તેષ આગ્જા ઉપરાંત ડો. પરમાર, ડો. પલકબેન, નારાણભાઈ આહીર, અકીલભાઈ, સી.એસ. ઠાકોર,  રાજવીરસિંહ રાઠોડ, પુષ્પરાજ, દીક્ષિત પટેલ અને સહજીવન સંસ્થાના મહેશભાઈ સામેલ રહ્યા હતા.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd