• મંગળવાર, 06 ઑક્ટોબર, 2026

`મુંબઈનો સૌથી મોટો વ્યાપાર ઉત્સવ યાદગાર'

અર્પિત ગંગર તરફથી: મુંબઈ, તા. 5 : જૈન યૂથ ફોરમ (જેવાયએફ) અને કચ્છમિત્ર દ્વારા મુંબઈના નેહરુ સેન્ટરમાં આયોજિત વ્યાપાર ઉત્સવનો જેવો જાજરમાન આરંભ થયો હતો તેવું જ શાનદાર સમાપન થયું હતું. સમાપને સાંસદ ગોપાલ શેટ્ટી, ધારાસભ્ય સંજય ઉપાધ્યાય અને મલાડના કોર્પોરેટર યોગેશ વર્મા હાજર રહ્યા હતા. બીજીથી ચોથી ઓકટોબર મુંબઇના કચ્છી અને ગુજરાતી પરિવારોમાં નેહરુ સેન્ટર `ઓન્લી ડેસ્ટિનેશન' બની રહ્યું હોય એવો તાલ જોવા મળ્યો હતો. ગ્રાહકોથી લઇને વેપારીઓ સૌ કોઇ ખુશ થયા હતા. બિઝનેસ સાથે સેન્ટરનો રોલ ત્રણે દિવસ મનોરંજક તથા જ્ઞાનવર્ધક કાર્યક્રમોથી ધમધમતો રહ્યો હતો. છૂટા પડતી વખતે સૌનો સવાલ હતો આવું આગામી આયોજન કયારે કરશો ?

દર વખતે નફો જ બધું નથી હોતું

વેપારીઓએ એવો અભિપ્રાય દર્શાવ્યો હતો કે, ક્યારેક વાત માત્ર નફાની નથી હોતી, પરંતુ પોતાના કામને લોકો સુધી પહોંચાડવાની અને પોતાની ઓળખ બનાવવાની પણ હોય છે. વ્યાપાર ઉત્સવ આ જ બાબતને મહત્ત્વ આપતો હતો અને અનેક સ્ટોલધારકોનો પણ આ જ અભિગમ હતો. અનેક સ્ટોલધારકો પાસેથી જાણવા મળ્યું કે, આ વ્યાપાર ઉત્સવે તેમને બજારમાં મોટું કામ કરવાની અને આગળ વધવાની દિશામાં આત્મવિશ્વાસ આપ્યો છે.

પોતાની બ્રાન્ડ બનાવી

કેટલાક સ્ટોલધારકોએ પોતાની જાત પર વિશ્વાસ રાખીને અન્ય કોઈની બ્રાન્ડના ઉત્પાદનો વેચવાને બદલે પોતાની બ્રાન્ડ બનાવી. વ્યાપાર ઉત્સવે તેમને પોતાની બ્રાન્ડને મોટા પાયે લોકો સુધી પહોંચાડવાની અને તેનું માર્કાટિંગ કરવાની તક આપી.

કચ્છીના લોહીમાં જ વ્યાપાર

સીવીઓસીએ દ્વારા દિવસની શરૂઆત `તમારા પૈસા, તમારું ભવિષ્ય અને તમારો પરિવાર' વિષય પરના સત્રથી કરવામાં આવી. સંગઠનના પ્રમુખ સીએ ગૌતમ મોટાએ કહ્યું હતું કે, `કચ્છી માણસના લોહીમાં જ વેપાર હોય છે અને જેવાયએફ તથા જન્મભૂમિ ગ્રુપે વ્યાપાર ઉત્સવનું આયોજન કરીને નોકરી અને સર્વિસ કરતા કચ્છી લોકોના મનમાં ફરીથી વ્યાપાર કરવાનો જુસ્સો જગાવ્યો છે.' નેચર્સ પેલેટના અમિષા પિનેશ શાહે કહ્યું, `અમે અહીં વ્યાપાર કરવા માટે નથી આવ્યા, પરંતુ લોકો સુધી અમે શું કરીએ છીએ તેની માહિતી પહોંચાડવા આવ્યા છીએ. અમે વાઇલ્ડલાઇફ સફારીના ક્ષેત્રમાં છીએ અને બાળકો તથા વયસ્કોને વન્યજીવન અને કુદરતની સુંદરતાનો અનુભવ કરાવવા માગીએ છીએ.'

વ્યાપાર ઉત્સવ દ્વારા વાંચનને પ્રોત્સાહનની તક મળી

રોક્સી બુક લાયબ્રેરીના ભરત છેડાએ કહ્યું, `મુલુંડમાં છેલ્લાં 60 વર્ષથી અમારી બુક અને ટોય લાઇબ્રેરી છે. આજે લોકોનું વાંચન ઓછું થઈ રહ્યું છે અને વ્યાપાર ઉત્સવમાં મળેલી મોટી સંખ્યામાં લોકોની હાજરીથી અમને વાંચનને પ્રોત્સાહન આપવાની તક મળી.'

લોકો રાજી તો અમે રાજી

પોતાનું એક્યુપ્રેશર ક્લિનિક ચલાવતાં પ્રીતિ સાવલાએ કહ્યું, `અમે અહીં મફત કેમ્પ રાખ્યો છે. લોકોને તેનો ઘણો ફાયદો થયો છે. લોકો રડતાં-રડતાં આવે છે અને હસતાં-હસતાં જાય છે.'

સમાજ સુધી પહોંચવાનો હેતુ

ડેકોરેટિવના પાર્થેશ દિવેશ સાવલાએ કહ્યું, `અમારી પોતાની બ્રાન્ડ છે અને અમે પરવડે તેવી કિંમતે ઉચ્ચ ગુણવત્તાવાળું ફર્નિચર બનાવીએ છીએ. આ ઉત્સવમાં ભાગ લેવાનો અમારો મુખ્ય હેતુ આપણા સમાજના લોકો સુધી પહોંચવાનો હતો.' શિવમ ત્રિવેદી અને અભિષેક સિંઘનું લાઇવ મ્યુઝિકલ પરફોર્મન્સ, ભારતી દીદીનું ચમકતી ત્વચા અને સુંદર વાળની જાળવણી અંગેનું સેશન તેમજ સુનીલ સોની અને ગૌરાંગ સોનીના ડાયરાએ કાર્યક્રમમાં મનોરંજનનો ઉમેરો કર્યો હતો.

પ્રતિસાદ અફલાતૂન...

વેલ્વેટ ગિફ્ટ પેકેજિંગ

વેલ્વેટ ગિફ્ટ પેકેજિંગના (હાલાર-મોટી ખાવડી)ના કિંજલ લોડાયાએ જણાવ્યું કે, ડ્રાયફ્રૂટ બોક્સ, મીઠાઈ-ચોકલેટના બોક્સ, બાસ્કેટ ટ્રે, હેમ્પર બોક્સની અમારી પ્રોડક્ટ છે, અમે કસ્ટમાઈઝ કરી આપીએ છીએ. અહીં અમને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે.

નવા લોકો સુધી પહોંચ્યા

સિદ્ધિ શાહ (નાની તુંબડી)એ ક્યુમીટ બ્રાન્ડથી પ્રીમિયમ ચોકલેટ, જુવાર ક્રેકર્સ બિસ્કિટ, કૂકીઝ વગેરેનું ઉત્પાદન કરે છે. 20 વર્ષ પહેલાં ઘરમાં શરૂઆત કરી હતી. પાંચ વર્ષથી ફેકટરી છે. એમણે કહ્યું કે, વેપાર ઉત્સવમાં અમારી આઈટમ્સ નવા લોકો સુધી પહોંચી છે.

ચા-કોફીની ક્રાંતિ

સિટી ટી એન્ડ કોફી કંપનીના ગૌતમ વોરા (નવીનાળ)એ ચા-કોફીના બજારમાં ક્રાંતિ કરી છે. તેમણે નવી આઈટમ રજૂ કરીને અલગ છાપ ઊભી કરી છે. બ્લ્યૂબેરી આઈસ ટી અને કોફીમાં વેરાયટી શોધી છે. મુંબઈની હોટેલોમાં એમની પ્રોડક્ટ જાય છે. કોફીના બી પીસવા માટે ખાસ જર્મનીની ચક્કી વસાવી છે. કચ્છી જૈન સમાજમાં તેઓ એકમાત્ર વેપારી છે, જેમણે ચા-કોફીના ફિલ્ડમાં નામના મેળવી છે.

મહિલાઓનું સાહસ

કલ્પના અતુલ ધરોડ (ગુંદાલા) કલ્પ મુખવાસની 90થી વધુ વેરાયટીનું ઉત્પાદન કરે છે. 25 વર્ષથી ફિલ્ડમાં છે. મોટી વાત એ છે કે, આ મહિલાઓનું સાહસ છે. એમને પણ વેપાર ઉત્સવમાં ખૂબ સારો રિસ્પોન્સ મળ્યો છે.

કોરમ કેન્વાસ પર આર્ટ

ધ કલર્સ સ્ટ્રોક્સના અવની નાગડા કોટન કેન્વાસમાંથી ટોટ બેગ, હેન્ડ બેગ, કોઈન પાઉચ, એન્વેલપ વગેરે બનાવે છે. પોતે આર્ટિસ્ટ અને ડિઝાઈનર છે. એમના ઉત્પાદન હેન્ડ પેઈન્ટેડ છે, એમણે કહ્યું કે, અમારી વસ્તુઓ આર્ટ લવરને ગમે તેવી છે, છતાં ઘણા લોકોએ અમારી વસ્તુઓ ખરીદી છે.

રોકાણ અને વીમાના સલાહકાર

વાઈસ વેલ્થના હેમંત સાવલા (ગુંદાલા)એ જણાવ્યું કે, અમે રોકાણ અને બધી જાતના વીમાના સલાહકાર છીએ. 20 વર્ષથી પ્રેક્ટિસ કરીએ છીએ. હેમંતભાઈ રોકાણનું સંપૂર્ણ માર્ગદર્શન અને મેનેજમેન્ટ કરે છે. લોકોએ ખાસ સમય ફાળવીને એમની પાસે માર્ગદર્શન લીધું હતું.

હાથ બનાવટના ખાખરા

એમ્બ્રોસિયા રેસીપીના ખુશ્બૂ ઉમંગ વોરા (કારાઘોઘા)એ પોતાની બ્રાન્ડની પ્રીમિયમ શરબત સહિત 28 ફ્લેવર્સ સ્ટોલમાં મૂકી હતી. એ સાથે હાથ બનાવટના ખાખરા પણ રજૂ કર્યા હતા.

- કનૈયાલાલ જોશી

Ram Katha

Vyapar Utsav

Panchang

dd