ગાંધીધામ, તા. 5 : ભચાઉ તાલુકાના સામખિયાળીમાં
હવે ઢોસાનાં નામે રૂા. 2,10,000 ઓનલાઇન
ટ્રાન્સફર થકી છેતરપિંડીનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. સામખિયાળીમાં મોબાઇલ તથા મની ટ્રાન્સફરનું
કામ કરતા સાજીદ અબ્દુલ માંજોઠીએ બનાવ અંગે ફરિયાદ કરી હતી. તેમને અજાણ્યા નંબરથી ઠગબાજે
ફોન કરી હું કૃષ્ણ સુદામા હોટેલથી હિતેશ બોલું છું,
મારે બે-અઢી લાખ ટ્રાન્સફર કરવાનું કહ્યું હતું. બાદમાં ફરિયાદી બપોરે
જમવા જતાં દુકાને તેનો માણસ સમીર હાજર હતો, ત્યારે શિવા ફાસ્ટફૂડ
ઇડલીવાળા બાલા મુરગન દુકાને આવ્યા હતા અને ફોન ચાલુ હતો ત્યારે સામા છેડે શખ્સે મારો
માણસ પૈસા લઇને આવ્યો છે, શેઠ સાથે વાત થઇ છે તેમ કહી સમીરને
ખાતા નંબર મોકલાવતો હતો અને સમીરે તેના પર રૂા. 2,10,000 ટ્રાન્સફર કરી દીધા હતા. બાલા
મુરગન પાસે અંતે પૈસા મગાતાં જન્મદિવસની પાર્ટી માટે મને 100 ઢોસાનો ઓર્ડર આપી તમારી પાસેથી
પૈસા લેવાનું આ શખ્સે કહ્યું હતું તેવું બહાર આવ્યું હતું. ફરિયાદીએ ઓનલાઇન ફરિયાદ
કર્યા બાદ તેમના રૂા. 55,498 હોલ્ડ
થયા હતા. બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.