નવી દિલ્હી, તા. પ : ભારતીય સનાતન સંસ્કૃતિ અને વૈશ્વિક આધ્યાત્મિક સાહિત્યના ઇતિહાસમાં
વધુ એક સુવર્ણ પૃષ્ઠ ઉમેરાયું છે. બી.એ.પી.એસ. (BAPS) સ્વામિનારાયણ સંસ્થાના પાંચમા
આધ્યાત્મિક ગુરુ બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજના દિવ્ય જીવન પર આધારિત 13 ગ્રંથના બૃહદ જીવનચરિત્રને
ગિનીસ વર્લ્ડ રેકોર્ડસ દ્વારા એક જ લેખક દ્વારા રચિત વિશ્વના સૌથી વિસ્તૃત જીવનચરિત્ર
તરીકે માન્યતા આપવામાં આવી છે. લંડનના પ્રખ્યાત ઘટઘ અરીના વેમ્બલી ખાતે વર્તમાન ગુરુહરિ
મહંત સ્વામી મહારાજની 93મી જન્મજયંતીની
ઉજવણી યોજાઈ હતી. આ પ્રસંગે ગિનીસ વર્લ્ડ રેકોર્ડસના વરિષ્ઠ નિર્ણાયક કાર્લ સેવિલ દ્વારા
મહંત સ્વામી મહારાજને આ ઐતિહાસિક સિદ્ધિનું પ્રમાણપત્ર અર્પણ કરવામાં આવ્યું હતું.
અરીનામાં ઉપસ્થિત 11,000થી વધુ ભાવિક
તથા વિશ્વભરમાંથી લાઇવ વેબકાસ્ટ દ્વારા જોડાયેલા લાખો ભક્ત આ ગૌરવશાળી ક્ષણના સાક્ષી
બન્યા હતા. લેખક સંસ્કૃતના પ્રકાંડ વિદ્વાન અને પીએચડી આદર્શજીવનદાસ સ્વામી છે. અત્યાર
સુધીમાં વિવિધ ગ્રંથોની 3.10 લાખથી વધુ
નકલનું વિતરણ થઈ રહ્યું છે. આ ગ્રંથ શ્રેણીમાં પ્રમુખસ્વામી મહારાજના 1921માં થયેલા પ્રાગટયથી લઈને 2016માં થયેલા અક્ષરધામગમન સુધીની
સમગ્ર 94 વર્ષની અસાધારણ જીવનયાત્રા, તેમનું નમ્ર આધ્યાત્મિક નેતૃત્વ, નિ:સ્વાર્થ સેવા અને વિશ્વવ્યાપી સમાજસેવાનાં કાર્યોનું ઐતિહાસિક દસ્તાવેજીકરણ
કરવામાં આવ્યું છે. પ્રમાણપત્ર અર્પણ કરતી વખતે નિર્ણાયક કાર્લ સેવિલે જણાવ્યું હતું
કે, `િગનીસ વર્લ્ડ રેકોર્ડસનો હેતુ પૃથ્વી પર
અગાઉ ક્યારેય ન બની હોય તેવી અદ્ભુત સિદ્ધિઓ જગત સમક્ષ લાવવાનો છે. સમગ્ર જીવનનું આટલું
વિશાળ અને ગહન દસ્તાવેજીકરણ કરતી આ સિદ્ધિ સાથે જોડાવું ખરેખર ગૌરવની બાબત છે.' આ ગૌરવપૂર્ણ સિદ્ધિ અંગે લેખક આદર્શજીવનદાસ
સ્વામીએ જણાવ્યું કે, `આ ગ્રંથના
લેખક કરતાં જેમનું જીવન આલેખાયું છે તેવા પ્રમુખસ્વામી મહારાજનું મહત્ત્વ અનંતગણું
વધારે છે. તેમનું જીવન ગહન આધ્યાત્મિકતા, અપાર નમ્રતા અને વૈશ્વિક સંવાદિતા માટે સમર્પિત હતું. તેમના ચિરંજીવ પ્રદાનનું
આલેખન કરવું એ મારા માટે અહોભાગ્ય છે.'