• મંગળવાર, 06 ઑક્ટોબર, 2026

ભચાઉથી ભુજ તરફના માર્ગે પદયાત્રિકોનો પ્રવાહ

ભચાઉ, તા. 5 : દેશદેવી આઈ આશાપુરા માતાના મઢ ખાતે પદયાત્રીઓનો પ્રવાહ સૂરજબારી બ્રિજથી આડેસર રણ પાર કરી  સામખિયાળી, ભચાઉ, દુધઈ તરફથી આગળ વધી રહ્યો છે. પદયાત્રીઓની સેવા માટેના કેમ્પ ધમધમતા થયા છે. પદયાત્રીઓ માટે ભોજન સહિતની વ્યવસ્થાઓ પણ ઊભી કરવામાં આવી છે. પદયાત્રીઓની સુરક્ષા માટે પોલીસ પણ સક્રિય થઈ છે. પોલીસ દ્વારા પદયાત્રીઓની પીઠ પાછળ રેડિયમ પટ્ટી લગાડવામાં આવી રહી છે. સેવા કેમ્પો પર પદયાત્રીઓ આરતી, ગરબા અને રાસ રમી અને પોતાના ભાવ રજૂ કરી રહ્યા છે. કેટલાક કેમ્પ  છેલ્લા 40 વર્ષથી અવિરત ચાલી રહ્યા છે, તો કેટલાક કેમ્પ બે પાંચ વર્ષથી અહીં સેવા કરે છે, જેનાથી પદયાત્રીઓને સેવા મળતી રહે છે. સેવા કેમ્પો પર વિવિધ પ્રકારની વાનગીઓ પીરસાય છે અને કચ્છ ઉપરાંત સૌરાષ્ટ્ર કાઠિયાવાડથી પણ અહીં આવીને સેવા કરી રહ્યા છે. ભચાઉ અને ગુરુકૃપા હોટેલ નજીક છેલ્લાં 16 વર્ષથી ચાલતા જડેશ્વર રોડવેઝ ગ્રુપ દ્વારા ભોજન, નાસ્તો અને વિરામની સુવિધા સાથેનો કેમ્પ અહીં ચાલી રહ્યો છે. રતિભાઈ સોરઠિયા વગેરે પરિવારજનો અને સહયોગીઓ અહીં સેવા આપી રહ્યા છે. દરરોજ 400થી 500 જેટલા પદયાત્રી લાભ લઈ રહ્યા છે. - દિવસ-રાત યાત્રીઓ માટે સેવા : ભચાઉના રામદેવપીર મંદિર નજીક  ધોરીમાર્ગ પર જહુમા મિત્ર મંડળ દ્વારા 32 વર્ષથી ચાલતા કેમ્પમાં અનેક ભાવિકોને ભોજન, વિરામ અને નાસ્તાની સુવિધા અપાઈ રહી છે. આ કેમ્પમાં દશરથાસિંહ જાડેજા, ભરત પંડયા, માવજી પટેલ, ગોસ્વામી મહાદેવભાઇ, જશવંતસિંહ, પ્રભાતસિંહ જાડેજા, નાનજી પટેલ, નવીન સુથાર, શામજીભાઈ ચાવડા રાત-દિવસ સેવા કરી રહ્યા છે. છેલ્લા 29 વર્ષથી માતાના મઢ ખાતે પદયાત્રા સાથે ગરબા રાખી અને ઠેઠ ખાખરાવેલા, પડધરી જિલ્લો રાજકોટથી વનરાજાસિંહ મેરૂભા જાડેજા માતાના મઢ ખાતે પગપાળા યાત્રા કરી અને મા નવદુર્ગાના ગરબા સાથે દરેક સેવા કેમ્પો પર રાસ રમી  ભક્તિભાવ રજૂ કરતા હોય છે. આવી જ રીતે સૌરાષ્ટ્રથી છેલ્લા પાંચ વર્ષથી વોંધ ગામ નજીક સમસ્ત ગઢદા મૂળી તાલુકાના આ ગામ દ્વારા ફંડ એકઠું કરી અને પદયાત્રીઓની સેવા ચલાવવામાં આવે છે. અહીં નાસ્તા અને ભોજન આપવામાં આવે છે. - ધારાસભ્ય સહિતના સહભાગી થયા : સામખિયાળી આરટીઓ ચેકપોસ્ટ નજીક કચ્છ જિલ્લા પંચાયતના સભ્ય અને આધોઈના વિજયાસિંહ જાડેજા દ્વારા સેવા કેમ્પ ખુલ્લો મુકવામાં આવ્યો હતો. રાપર ધારાસભ્ય વીરેન્દ્રાસિંહ જાડેજા સહિત અગ્રણીઓએ આ કેમ્પના પ્રારંભે હાજર રહીને પદયાત્રીઓની સેવાને બિરદાવી હતી. આ ઉપરાંત ભચાઉ નજીક મામાધામ મિત્ર મંડળ દ્વારા પણ ભવ્ય ગાર્ડન અને વિશાળ પ્રાંગણમાં પદયાત્રીઓ માટે ભોજન, વિરામ અને બાળકો માટે રમતગમત માટે પણ ઉત્તમ સ્થાનની સગવડ અપાઈ રહી છે, આવી જ રીતે મોરગર નજીક પાર્ક પોલીમર અને ગુણાતીતપુરના પાટીદાર પરિવાર દ્વારા સેવા કેમ્પ ચલાવાઇ રહ્યો છે, જેમાં મહિલા વર્ગ સેવાઓ આપી રહી છે. ભચાઉ પંથકમાં ઠેર ઠેર સેવા કેમ્પોના ધબકાર અને માર્ગો પર માતાજીના નારા સાથેની વાતાવરણ નવરાત્રિ જેવો માહોલ ઊભો કરે છે તેમજ માર્ગ પર ગોલા, આઈક્રીમ, ઠંડા પીણા, લીંબુ શરબત, નાળિયેર પાણી, અવનવી ચોકલેટ સહિત યાત્રીઓને આપવામાં આવી રહ્યા છે. - અંતરિયાળ ગામોમાં સેવાની ભેખ : અંતરિયાળ ગામો વાડિયા, શિકારપુર, જંગી, છાડવાડા, લલિયાણા, કરમરિયા, લાખાવટ, આધોઈ, ઘરાણા, રામેશ્વર નગર, લુણવા, ચોપડવા, આંબરડી, રાપરના રામવાવ, સુવઈ, ખારોઈ, મેઘપર, કકરવા, નેર, કડોલ સહિતનાં ગામો પર પણ નાના પાયે સેવા કેમ્પો ચલાવવામાં આવે છે. નેર પાબુદાદા મંદિરે ભુવા દેવશીભાઈ રબારી, કરોલ દોરીધામ, ભુવા  પચાણભાઈ રબારી, રણ માર્ગે માતાના મઢ તરફ જતા યાત્રિકોની સેવા ઉપરાંત આ સ્થાનકથી પસાર થતા મોમાઈમોરા, રવેચી સહિતના પદયાત્રીઓ માટે રાત્રિ રોકાણ અને ભોજન સહિતની સુવિધા ઊભી કરવામાં આવે છે. ભચાઉથી પસાર થતા યાત્રિકો ભચાઉનાં પ્રાચીન આશાપુરા મંદિર અને જૂની મોટી ચીરઈના આશાપુરા મંદિરે પણ દર્શન કરવા નીકળે છે. સાથે કટરિયાના માનસ હનુમાનધામ ખાતે પણ પદયાત્રીઓ દર્શન કરીને વિરામ, ભોજન મેળવતા હોય છે.  કબરાઉ મોગલધામ મધ્યે પણ ભાવિકો દર્શન કરી અને માતાના મઢની સાથે મા મોગલધામમાં શિશ  ઝુકાવતા હોય છે, પદયાત્રી સેવા કેમ્પો ભચાઉ વિસ્તારમાં તા. 9/10 સુધી ચાલુ રહે તેવી સંભાવના છે.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd