ચન્દ્રશી મહેશ્વરી દ્વારા : ભુજ,
તા. 1 : આજે બીજી
ઓક્ટોબર એટલે કે, ગાંધીજયંતી.
રાષ્ટ્રપિતા ગાંધીજીએ વિદેશી કાપડનો બહિષ્કાર કરી સ્વદેશી ખાદીનાં કાપડનો ઉપયોગ કરવા
જણાવ્યું હતું, ત્યારે કચ્છની વાત કરીએ, તો બ્રાન્ડેડ જીન્સ અને ટી-શર્ટ, ફેશનના લટકામાં ફેન્સી
કપડાનો ક્રેઝ વધુ છે તે વચ્ચે યુવાવર્ગમાં ખાદીનાં કપડાંનો ટ્રેન્ડ અડીખમ છે અને વાર્ષિક
40 લાખથી વધુનાં કાપડનું વેચાણ
થાય છે. કચ્છ ખાદી ગ્રામોદ્યોગ સંઘના ભુજના જૂના રેલવે સ્ટેશન નજીક કાર્યરત કેન્દ્રના
મંત્રી જયસુખભાઈ ટાંકે જણાવ્યું હતું કે, સરકારના ધારાધોરણો મુજબ ભુજમાં બે સ્થળે જૂના રેલવે સ્ટેશન અને વાણિયાવાડ નજીક
તેમજ માધાપરમાં નવાવાસ પંચાયત પાસે અને અંજાર ખાતેનાં કેન્દ્ર પરથી ખાદીનાં કાપડ સહિતની
ચીજવસ્તુનું વેચાણ કરાય છે. વર્તમાન સમયે યુવાવર્ગમાં ખાદીનાં કપડાંને લઈને કેવો ટ્રેન્ડ
છે તેના જવાબમાં શ્રી ટાંકે જણાવ્યું હતું કે, ન માત્ર વયસ્કો
પરંતુ યુવાવર્ગમાં પણ ખાદીનાં કપડાંનો ટ્રેન્ડ વિશેષ છે. અહીં ખાદીનાં કપડાં ઉપરાંત
રૂમાલ, તકિયા કવર, ટુવાલ, શેતરંજી, સફેદ ટોપી વગેરેનું ઉત્પાદન કમ વેચાણ કરાય છે.
ખાસ કરીને સુતરાઉ ખાદી અને મિક્સ વત્ર(પોલી વત્ર)ની વડીલો અને યુવાવર્ગમાં ખૂબ માંગ
છે. વર્ષ દરમિયાન રાષ્ટ્રીય તહેવારો પ્રજાસત્તાક દિન, સ્વાતંત્ર
દિવસ ઉપરાંત આદ્યશક્તિની આરાધનાના તહેવાર નવલાં નોરતાં અને દીપોત્સવી તહેવારોએ શિક્ષકો,
રાજકીય અગ્રણીઓ, વયસ્ક લોકો અને યુવાવર્ગમાં ખાદીનાં
કપડાંની વિશેષ માંગ રહે છે. ભુજના બે, માધાપર, અંજાર મળી ચાર કેન્દ્ર પરથી વર્ષ દરમિયાન 40 લાખથી વધુનાં ખાદીનાં કપડાંનો
ઉપાડ થાય છે. ન માત્ર સ્થાનિક કચ્છીઓ, પરંતુ વિદેશ વસ્તા કચ્છીમાડુઓમાં પણ ખાદીનાં કપડાંની વિશેષ માંગ છે. - શાલ બનાવડાવશે : કચ્છની હસ્તકલાએ વૈશ્વિક ફલક પર અનોખી છાપ ઊભી કરી છે, ત્યારે બદલાતા સમયની સાથે તાલ મિલાવવા આગામી
સમયમાં કચ્છના વણકરો પાસેથી ખાદીનાં કાપડમાંથી શાલ પણ બનાવડાવાશે. - આજે ગાંધીજયંતીએ ખાસ ડિસ્કાઉન્ટ : બીજી ઓક્ટોબરથી
31 ડિસેમ્બર સુધી ખાદીનાં કપડાં
પર ડિસ્કાઉન્ડ અપાશે, જેમાં ગુજરાતનાં
ખાદીનાં વત્રો ઉપર 30 ટકા અને રાજ્ય
બહારની ખાદીનાં વત્રો ઉપર 15 ટકા ડિસ્કાઉન્ટ
અપાશે. વત્ર ઉપરાંત સાબુ, મસાલા ખાદીનાં વત્રો ઉપરાંત કેન્દ્રો પરથી મસાલા,
સાબુ અને ટેબલ, ખુરશી, બેન્ચિસ
સહિતનાં ફર્નિચરની બનાવટ સાથે તેનું વેચાણ કરાતું હોવાનું જયસુખભાઈ ટાંકે જણાવ્યું
હતું.