અંજાર, તા. 29 : અંજારથી કુકમા સુધી વર્ષ 2018-19માં નાખવામાં આવેલી જીડબલ્યુઆઈએલની
પાઇપલાઇનમાં ખેડૂતોને ચૂકવાયેલાં વળતર પરત કરવા માટે અપાયેલી નોટિસો રદ કરવાની માંગ
સાથેનું આવેદન પાઠવવામાં આવ્યું છે. આ મામલે કિસાન સંઘ દ્વારા આંદોલનાત્મક કાર્યક્રમ
યોજવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. જીડબલ્યુઆઈએલના સિનિયર અધિકારીને પાઠવેલા પત્રમાં
જ અંજાર તાલુકા કિસાન સંઘના પ્રમુખ રામજી શામજી
ગઢે જણાવ્યું હતું કે, પાઇપલાઇન નાખતી
વખતે તત્કાલીન પ્રાંત અધિકારી, ડીવાયએસપી,પી.આઈ. અને જીડબલ્યુઆઈએલના અધિકારીઓ સાથે બેઠક યોજીને વળતર નક્કી કરવામાં આવ્યું
હતું. આઠ વર્ષ પછી કોન્ટ્રાક્ટર દ્વારા જમીન લેવલ કરવી, તાર ફેન્સિંગ,
રસ્તા અને ખેડૂતોની તૂટેલી પાઇપલાઇન રિપેર કરવા જેવાં કામો અધૂરાં છોડી
દેવામાં આવ્યાં હતાં.ખેડૂતોને વળતર પરત કરવાની નોટિસો આપવી એ ખેડૂતોની મજાક સમાન છે.
આવેદનમાં જણાવાયા મુજબ, નોટિસોમાં ફક્ત રકમ જ લખેલી છે,
કોઈ પાક કે ઝાડનો ઉલ્લેખ નથી. કોઈ ખેડૂતને એક રૂપિયો તો કોઈને 65 પૈસા પરત કરવાની નોટિસ આપવામાં
આવી છે, જે અધિકારીઓની અજ્ઞાનતા દર્શાવે છે. જો આ ખોટી
નોટિસો રદ કરવામાં નહીં આવે, તો ભારતીય કિસાન સંઘ દ્વારા ઉગ્ર
આંદોલનાત્મક કાર્યક્રમ આપવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.