રાપર, તા. 14 : શહેરના સેલારી નાકે આવેલી જૂની મહાવીર હોસ્પિટલની અતિ જર્જરિત
ઈમારત હાલ આસપાસના રહેવાસીઓ અને દુકાનદારો માટે જોખમી બની રહી છે. સોમવારે વહેલી સવારે
આ બિલ્ડિંગ પરથી મોટાં પથ્થર પડતાં આસપાસનાં વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. આશરે
30 વર્ષ જૂની આ ચાર માળની ઈમારત
ભૂકંપ દરમિયાન ક્ષતિગ્રસ્ત થઈ હતી. સમય જતાં બિલ્ડિંગ વધુ જર્જરિત બનતી ગઈ છે. જાહેર
ધમધમતાં માર્ગ પર આવેલી આ બિલ્ડિંગ પરથી પોપડા અને પથ્થર પડયા ત્યારે સદ્નસીબે નીચે
કોઇ ન હોવાથી હોનારત સર્જાતા રહી ગઈ હતી. આ ઈમારતને જોખમી જાહેર કરી તોડી પાડવા માટે
રાપર નગરપાલિકા દ્વારા આશરે પાંચ મહિના અગાઉ બિલ્ડિંગની દિવાલ પર નોટિસ ચોંટાડવામાં
આવી હતી. જોકે, નોટિસ બાદ પણ અત્યાર સુધી
ઈમારતને તોડી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી નથી. તાજેતરમાં જ રાપરમાં આવી એક જર્જરીત
ઈમારતનો આગળનો ભાગ તૂટી પડ્યો હતો. આ ઘટનાને પગલે શહેરમાં આવેલી અન્ય જોખમી ઈમારતો
સામે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ ઊઠી હતી. સેલારી નાકાની આ જર્જરિત ઈમારત કોઈ
મોટી દુર્ઘટનાનું કારણ બને તે પહેલાં તાત્કાલિક તોડી પાડવામાં આવે તેવી માંગ આસપાસના
રહેવાસીઓ અને દુકાનદારોએ રાપર નગરપાલિકા, જિલ્લા કલેકટર તેમજ
શહેરી વિકાસ મંત્રી સમક્ષ કરી છે. કોઈ દુર્ઘટના ઘટે એ પહેલાં તંત્ર જાગે તેમ લોકો ઈચ્છી
રહ્યાં છે.