નવી દિલ્હી, તા. 14 : ભારત પરમાણુ
સંમિશ્રિત ઊર્જા એટલે કે, ન્યુક્લિયર
ફ્યુઝન એનર્જીના ક્ષેત્રમાં સતત પ્રગતિ કરી રહ્યું છે. ગુજરાત સ્થિત ઈન્સ્ટીટયુટ ફોર
પ્લાઝ્મા રીસર્ચ (આઈપીઆર-પ્લાઝ્મા સંશોધન સંસ્થા)ના એસએસટી-1 ટોકામેક પર એક નવું શક્તિશાળી જાયરોટ્રોન
કાર્યરત કરવામાં આવ્યું છે. આ ઉપકરણ 82.6 ગીગાહર્ટ્ઝ ફ્રિક્વન્સી અને 400 કિલોવોટ ક્ષમતા ધરાવે છે. એસએસટી-1 ભારતનું સુપરકન્ડક્ટિંગ ફ્યુઝન રિએક્ટર
છે, જે સૂર્યમાં થતી પ્રક્રિયાને પુનરાવર્તિત કરવા
માટે બનાવવામાં આવ્યું છે. તેમાં ચુંબકીય ક્ષેત્રોની મદદથી અત્યંત ગરમ પ્લાઝ્માને નિયંત્રિત
કરવામાં આવે છે. ભારતીય પ્રયોગોમાં પ્લાઝ્માનું તાપમાન 20 કરોડ ડિગ્રી સેલ્સિયસથી પણ
વધુ પહોંચી ચૂક્યું છે, જે સૂર્યના
કેન્દ્રના તાપમાન કરતાં અનેક ગણું વધારે છે. નવું જાયરોટ્રોન આ પ્લાઝ્માને વધુ અસરકારક
રીતે ગરમ કરવામાં અને તેને લાંબા સમય સુધી સ્થિર રાખવામાં મદદ કરશે. જાયરોટ્રોન એક
ખાસ પ્રકારનું ઉપકરણ છે, જે હાઈ-ફ્રિક્વન્સી માઇક્રોવેવ ઊર્જા
ઉત્પન્ન કરે છે. આ ઊર્જાને ટોકામેકની અંદરના પ્લાઝ્મામાં દાખલ કરવામાં આવે છે,
જેના કારણે પ્લાઝ્મા વધુ ગરમ થાય છે. અગાઉ એસએસટી-1 પર 42 ગીગાહર્ટ્ઝનું સિસ્ટમ કાર્યરત હતું. નવું 82.6 ગીગાહર્ટ્ઝનું જાયરોટ્રોન તેના
કરતાં ઘણી વધુ સારી હાટિંગ ક્ષમતા પ્રદાન કરે છે. ફ્યુઝન પ્રક્રિયામાં માત્ર જરૂરી
તાપમાન સુધી પહોંચવું પૂરતું નથી. વાસ્તવિક પડકાર પ્લાઝ્માને લાંબા સમય સુધી નિયંત્રિત
અને સ્થિર રાખવાનો છે, જેથી ઊર્જા
ઉત્પન્ન કરી શકાય. નવું ઉપકરણ વૈજ્ઞાનિકોને આ દિશામાં વધુ સારા પ્રયોગો કરવાની તક આપશે.
તેનાથી પ્લાઝ્માની સ્થિરતા વધશે અને સંશોધકો લાંબા સમય સુધી ઊંચા તાપમાનવાળા પ્લાઝ્માનો
અભ્યાસ કરી શકશે. ફ્યુઝન ઊર્જાને ભવિષ્યના સૌથી સ્વચ્છ અને ટકાઉ ઊર્જા સ્ત્રોતોમાંથી
એક માનવામાં આવે છે. તેમાં ઈંધણ તરીકે હાઇડ્રોજનના આઇસોટોપનો ઉપયોગ થાય છે,
જે દરિયાના પાણીમાંથી સરળતાથી મેળવી શકાય છે. પરંપરાગત પરમાણુ ઊર્જા
એટલે કે ફિશનની સરખામણીમાં ફ્યુઝન પ્રક્રિયામાં લાંબા સમય સુધી રહેતો કિરણોત્સર્ગી
કચરો ઘણો ઓછો પેદા થાય છે. વ્યાવસાયિક સ્તરે ફ્યુઝન પાવર પ્લાન્ટ બનાવવો હજુ પણ એક
મોટો એન્જિનિયારિંગ પડકાર છે. એસએસટી-1 હાલમાં વીજળી ઉત્પન્ન કરી રહ્યું નથી. તે એક સંશોધન રિએક્ટર
છે, જેની મદદથી વૈજ્ઞાનિકો ફ્યુઝન ટેક્નોલોજીને
સમજવા અને તેને નિયંત્રિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. નવું જાયરોટ્રોન ભારતની ક્ષમતાને
વધુ મજબૂત બનાવશે અને દેશને આંતરરાષ્ટ્રીય ફ્યુઝન સંશોધન ક્ષેત્રે આગળ વધવામાં મદદ
કરશે. આ ઉપલબ્ધિ દર્શાવે છે કે ભારત ધીમે-ધીમે પરંતુ સતત ફ્યુઝન ટેક્નોલોજીમાં નિપુણતા
હાંસલ કરી રહ્યું છે. એસએસટી-1 જેવા પ્રયોગોમાંથી મળેલો અનુભવ ભવિષ્યમાં મોટા રિએક્ટર બનાવવામાં
ઉપયોગી સાબિત થશે. વૈજ્ઞાનિકોએ પ્લાઝ્માને વધુ લાંબા સમય સુધી સ્થિર રાખવા અને ઊર્જા
ઉત્પાદનની નજીક પહોંચવા માટે હજુ અનેક ટેક્નિકલ પડકારો પાર કરવાના છે. તેમ છતાં, નવું જાયરોટ્રોન એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન છે.
આ સિદ્ધિથી ભારતના કૃત્રિમ સૂર્ય પ્રોજેક્ટને નવી શક્તિ મળી છે. દેશ સ્વચ્છ અને લગભગ
અખૂટ ઊર્જાના સપના તરફ વધુ એક પગલું આગળ વધ્યો છે. સંશોધકો હવે વધુ જટિલ પ્રયોગો કરી
શકશે, જે ભવિષ્યમાં વ્યાવસાયિક ફ્યુઝન ઊર્જાના સપનાને હકીકતમાં
પરિવર્તિત કરવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે.