• મંગળવાર, 15 સપ્ટેમ્બર, 2026

ગોપાલપુર રેલવે સ્ટેશન પાસેના માર્ગની મરંમત શરૂ

ગાંધીધામ, તા. 14 : ગાંધીધામના ગોપાલપુર રેલવે સ્ટેશનને કાર્યરત કરવાનું છે, પણ સ્ટેશનનો રોડ એટલી હદે ખરાબ છે કે, ત્યાં મુસાફરોને પહોંચવું એટલે અનેક કોઠા વિંધવા પડે તેવી સ્થિતિ છે. આ મહાનગરપાલિકા માટે પણ શરમજનક સ્થિતિ હતી, એટલે જ વહીવટી તંત્રે અહીં માર્ગની મરંમત શરૂ કરી છે, તો બીજી તરફ ટાગોર રોડથી સુંદરપુરી પાણીના ટાંકા અને ત્યાંથી ભારતનગર વોર્ડ ઓફિસ થઈને ગોપાલપુર રેલવે સ્ટેશન તરફ પહોંચતા માર્ગની પણ મરંમત કરવામાં આવી રહી છે. મેયર દિવ્યાબેન નાથાણીના માર્ગદર્શન હેઠળ આ કામગીરી થઈ રહી છે. ડેપ્યુટી મેયર નવીનભાઈ જરૂ તથા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તેજસભાઈ શેઠ, સત્તાપક્ષના નેતા ભરતભાઈ મીરાણી અને દંડક સુરેશભાઈ ધુઆ, ઉપરાંત સિટી ઈજનેર મયંક શાહ, પ્રવીણાસિંહ ઝાલા અને અન્ય ઇજનેરોએ સ્થળ ઉપર પહોંચીને નિરીક્ષણ કર્યું હતું.  ગોપાલપુર રેલવે સ્ટેશન પાસે જે કોન્ટ્રાક્ટરને 135 કરોડના ખર્ચે રિંગરોડ બનાવવાનું કામ અપાયું છે તેમના દ્વારા જ માર્ગની મરંમત કરવામાં આવી રહી છે. આ ઉપરાંત ટાગોર રોડથી સુંદરપુરી પાણીના ટાંકા અને ત્યાંથી ભારતનગર વોર્ડ ઓફિસ થઈને ગોપાલપુર રેલવે સ્ટેશન તરફ પહોંચતા માર્ગની પણ મરંમત કરવામાં આવી રહી છે. બંને જગ્યા ઉપર સત્તાધિશોએ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું અને જરૂરી સૂચનાઓ પણ આપવામાં આવી હતી. ગોપાલપુર રેલવે સ્ટેશન કાર્યરત થવાનું છે, તેવી આજથી લગભગ બેથી ત્રણ મહિના પહેલાં જાહેરાત થઈ ગઈ હતી અને 135 કરોડના ખર્ચે રિંગરોડ બનાવવાનું પણ લાંબા સમયથી આયોજન હતું જ, આ ત્રણ મહિના દરમિયાન મહાનગરપાલિકાના ઇજનેરોએ માર્ગની મરંમત કરવાની તસ્દી લીધી નથી. આ ઉપરાંત મલબાનો કોન્ટ્રાક્ટ જે એજન્સીને અપાયો છે, તેની જગ્યાએ બીજી એજન્સી મલબો નાખી રહી હોવાના આક્ષેપો છે. મલબો કેટલા ટન આવ્યો, ક્યાં-ક્યાં નાખ્યો તે સહિતના સવાલો છે, તેમાં મલબાની ગાડીઓ વધુ નોંધાઇ હોવાના આક્ષેપો છે, આ તપાસનો વિષય છે, પણ તપાસ કરશે કોણ તે એક મોટો પ્રશ્ન છે, પણ હાલના સમયે મુસાફરોને ગોપાલપુર રેલવે સ્ટેશનને પહોંચવા માટે કોઈ મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે તેના માટે સત્તાધિશોએ બે માર્ગોની મરંમત હાથ ધરી છે. વરસાદી વાતાવરણ છે અને વરસાદ પણ પડયો છે અને આગાહી છે તે વચ્ચે માર્ગની મરંમત કરવી મજબૂરી અને જરૂરિયાત પણ છે અને એટલે જ ત્રણ મહિના સુધી આરામ કર્યા પછી વરસાદમાં આ માર્ગોની મરંમત કરવી પડે તેવી સ્થિતિ ઊભી થઈ છે.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd