• મંગળવાર, 15 સપ્ટેમ્બર, 2026

કચ્છમાં વર્ષભર પર્યટકો આવે એ દિશામાં સંયુક્ત પ્રયાસો

કપિલ જોશી દ્વારા : નલિયા, તા. 14 :  અબડાસા તાલુકામાં વન્યજીવ સંરક્ષણ અને પર્યાવરણ સંવર્ધન ક્ષેત્રે હાથ ધરાયેલા વિવિધ પ્રોજેક્ટોનું સ્થળ નિરીક્ષણ કરવા અર્થે કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવ આવી પહોંચ્યા હતા. તેમણે નલિયા પાસે આવેલ ઘોરાડ અભયારણ્ય, સાંયરા સ્થિત વન કવચ, જખૌ ખાતે મેન્ગ્રૂવ નર્સરી અને સીવીડ પ્લાન્ટેશન કામગીરીની સમીક્ષા કર્યા બાદ ઘોરાડ સંરક્ષણ અને સોફ્ટ રિલીઝ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું હતું. પ્રથમ તબક્કામાં કેન્દ્રીય મંત્રીએ નલિયા ગ્રાસલેન્ડ અને ઘોરાડના કુદરતી રહેઠાણ વિસ્તારોની મુલાકાત લીધી હતી. સ્થાનિક અધિકારીઓ દ્વારા તેમને વિસ્તારમાં ઊગતી ઘાસની વિવિધ પ્રજાતિઓ અને પક્ષીનાં સંરક્ષણની કામગીરી અંગે માહિતગાર કરાયા હતા. મંત્રીએ નલિયા ખાતે `સોફ્ટ રિલીઝ  સેન્ટર'નું  વિધિવત ઉદ્ઘાટન કર્યું હતું, જ્યાં અધિકારીઓએ પક્ષીઓના સોફ્ટ રિલીઝ, મોનિટારિંગ અને રહેઠાણ સંવર્ધન અંગે વિગતવાર માહિતી આપી હતી. ત્યારબાદ તેમણે સ્થાનિક ગ્રામ પંચાયતના પ્રતિનિધિઓ, વન વિભાગનો સ્ટાફ, (વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટયૂટ ઓફ ઇન્ડિયા) તથા અન્ય સ્ટેકહોલ્ડર્સ સાથે બેઠક યોજી હતી. કેન્દ્રીયમંત્રી ભૂપેન્દ્ર યાદવે જણાવ્યું હતું કે, લુપ્ત થવાના આરે પહોંચેલા ઘોરાડ પક્ષીની પ્રજાતિને બચાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા ખાસ આયોજન કરાયું છે. મધ્યપ્રદેશમાં ચિત્તા સેન્ટર અને કચ્છમાં ઇકોટૂરિઝમનો વિકાસ કરી પર્યાવરણ ક્ષેત્રે અનેક પ્રોત્સાહક પગલાં લેવામાં આવી રહ્યાં છે. રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, આગામી પાંચ વર્ષમાં કચ્છના વન્યજીવ અને પર્યાવરણ ક્ષેત્રે સકારાત્મક પરિણામો જોવા મળશે. ચાર મહિના યોજાતા રણ ઉત્સવની સાથેસાથે કચ્છમાં બારેમાસ પ્રવાસન જળવાઈ રહે તે માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર સંયુક્ત પ્રયાસો કરી રહી છે. આ ઉપરાંત સાંસદ વિનોદભાઈ ચાવડા, રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગા, ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે અને પ્રદ્યુમનાસિંહ જાડેજાએ પ્રાસંગિક વક્તવ્ય આપ્યા હતા.

33 વાહન અર્પણ

વન અને વન્યપ્રાણી સંરક્ષણની કામગીરીને વધુ સુદૃઢ બનાવવા કેન્દ્રીયમંત્રીના હસ્તે વન વિભાગનાં નવાં વાહનોને લીલી ઝંડી દર્શાવી રવાના કરાયાં હતાં, જેમાં 22 ટુ-વ્હીલર, 08 ફોર-વ્હીલર, બે ઓલ-ટેરેન વ્હીકલ  અને એક રેસ્ક્યૂ વાન/એમ્બ્યુલન્સ મળીને એકંદર 33 વાહન સુપરત કરાયાં હતાં. ત્યારબાદ કેન્દ્રીયમંત્રી શ્રી યાદવે સાંયરા ખાતે એક હેક્ટરમાં પથરાયેલા `વનકવચ'નું લોકાર્પણ કર્યું હતું, જેમાં 49 પ્રજાતિના 10,073 રોપાનું વાવેતર કરાયું છે. `એક પેડ મા કે નામ' અભિયાન હેઠળ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. વનકવચ ખાતે મધમાખી ઉછેર માટે વિશેષ માળા મૂકવામાં આવ્યા છે. કચ્છના અન્ય 25 વનકવચ સહિત લક્કી, કોરીક્રીક, ગુનેરી અને છારીઢંઢ ખાતે પણ મધમાખી ઉછેરની કામગીરી પ્રગતિ હેઠળ હોવાનું જણાવાયું હતું.

 પ્લાન્ટેશનની સમીક્ષા

મુલાકાતના અંતિમ તબક્કામાં મંત્રીએ જખૌ ખાતે મેન્ગ્રૂવ (ચેરિયાં) નર્સરીની મુલાકાત લઈ દરિયાઈ જૈવવિવિધતા અને રક્ષણાત્મક વનસ્પતિનાં સંવર્ધનની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ સીવીડ સીડ બેંક અને પ્રાયોગિક ખેતીની મુલાકાત લઈ સ્થાનિક માછીમારો અને દરિયાકાંઠાના સમુદાયો માટે વૈકલ્પિક આજીવિકા ઊભી કરવાની શક્યતાઓ ચકાસી હતી. મેન્ગ્રૂવ વાવેતર સ્થળે પહોંચી મંત્રીએ પુન:સ્થાપન અને વાવેતર પદ્ધતિઓની માહિતી મેળવી પ્રશંસા કરી હતી. તેમણે સ્વહસ્તે મેન્ગ્રૂવનું વાવેતર પણ કર્યું હતું, જેમાં વન વિભાગના અધિકારીઓ, ગ્રામજનો અને બી.એસ.એફ.ના  જવાનો  જોડાયા હતા.

સ્થાનિક અગ્રણીઓની હાજરી

વન અને પર્યાવરણ મંત્રી  સાથે ડી.જી. સુશીલકુમાર અવસ્થી, એડિશનલ ડી.જી. રમેશકુમાર પાંડે, રાજ્ય વન વિભાગના વડા ડો. જયપાલ સિંહ, વનસંરક્ષક ડો. ધીરજ મિત્તલ, ડી.એફ.ઓ. હર્ષ ઠક્કર, એ.સી.એફ. હસમુખ ચૌધરી, સહિત ઉચ્ચ અધિકારીઓ, વૈજ્ઞાનિકો તેમજ સ્થાનિક અગ્રણીઓ હિતેશભાઈ ખંડોર, તાલુકા ભાજપ પ્રમુખ જયદીપાસિંહ જાડેજાવાડીલાલ પટેલ  અને વિનય રાવલ સહિત બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd