ભુજ, તા. 8 : ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેન્કે તેના નવમા સ્થાપના દિવસના અવસરે દેશમાં ડિજિટલ બાંકિંગ, ડોરસ્ટેપ બાંકિંગ અને નાણાકીય સમાવેશની તેની નોંધપાત્ર સફરને ઉજાગર કરી હતી. આ પ્રસંગે અમદાવાદ ખાતે આયોજિત કાર્યક્રમમાં ઉત્તર ગુજરાત ક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણકુમાર યાદવે કાર્યક્રમનો આરંભ કરાવ્યો હતો. વર્ષ 2018-19માં ભારતમાં અંદાજે 56 લાખ ગ્રાહકો સાથે પોતાની સફર શરૂ કરનાર ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક આજે 13.25 કરોડ ગ્રાહકો સાથે જોડાઈ ચૂકી છે. શ્રી યાદવે જણાવ્યું કે, વિશ્વના સૌથી મોટા ડોરસ્ટેપ બાંકિંગ નેટવર્ક તરીકે આઈપીપીબીએ ટપાલ વિભાગના વિશાળ નેટવર્ક અને ડિજિટલ ટેકનોલોજીની શક્તિને જોડીને દેશના કરોડો નાગરિકોને, ખાસ કરીને ગ્રામીણ અને દૂરદૂરના વિસ્તારોમાં વસતા લોકોને બાંકિંગ અને નાણાકીય સેવાઓની મુખ્યધારા સાથે જોડવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. ગુજરાત સર્કલના આઇપીપીબીના આસિસ્ટન્ટ જનરલ મેનેજર સંદીપકુમારે જણાવ્યું હતું કે, ગુજરાત સર્કલમાં 45.50 લાખ આપીપીબી ખાતાઓ કાર્યરત છે, જેમાંથી 26 લાખ ખાતાંઓમાં આધાર સીડિંગ કરવામાં આવી છે. આઇપીપીબીના ચીફ મેનેજર અભિજિત જીભકાટે જણાવ્યું કે, ઉત્તર ગુજરાત પરિક્ષેત્રમાં હાલમાં 9.62 લાખથી વધુ આઇપીપીબી ખાતાઓનું સંચાલન કરવામાં આવી રહ્યું છે.