નલિયા, તા. 8 : અબડાસા તાલુકાના કૈરવાંઢ ગામે
છેલ્લા આઠ દિવસથી પાણી પુરવઠાની પાઈપલાઈન વાટે અપાતું પાણી બંધ થઈ જતાં ગ્રામજનો અને
પશુધન માટે જળસંકટ સર્જાયું છે. સંપ પરથી પાણી ન છોડાતાં ગામના અવાડા ખાલીખમ ભાસી રહ્યા
છે. અગ્રણી હાસમ લાણા કૈર અને રજાક કૈરે જણાવ્યું
હતું કે, વરસાદ ખેંચાતાં તળાવો સુકાઈ ગયાં છે,
જેના કારણે ગામનો સંપૂર્ણ આધાર પાઈપલાઈન પર છે. અગાઉ દર ત્રણ-ચાર દિવસે
પાણી મળી રહેતું હતું, પરંતુ છેલ્લા આઠ દિવસથી પુરવઠો ઠપ થતાં
માનવ વસ્તી સહિત અબોલ પશુઓ પાણી માટે વલખાં મારી રહ્યા છે. જળસંકટ ઘેરું બને તે પૂર્વે
તંત્ર દ્વારા તાત્કાલિક પાણી વિતરણ શરૂ કરવામાં આવે તેવી માંગ ઊઠી છે.