ભુજ/કોટડા (ચકાર), તા. 3 : શિક્ષકદિન
એટલે ગુરુ-શિષ્યના ઋણને યાદ કરવાનો સુવર્ણ અવસર. આજે શાળા કોલેજો છે, પરંતુ પરંપરા એ જ છે, ત્યારે ભુજની અદાણી મેડિકલ કોલેજે આ ગુરુ-શિષ્યના સંબંધને વધુ ચરિતાર્થ કરવા `ઘરાના'
પદ્ધતિનો નવતર પ્રારંભ કર્યો છે. ગેઇમ્સના ડાયરેક્ટર ડો. નરેન્દ્ર હીરાણી
અને ડીન ડો. અજિતકુમાર ખીલનાનીએ જણાવ્યું હતું કે, મોટાભાગના
વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરે છે, ત્યારે તેમને ઘર
જેવી જ લાગણી અને વડીલ જેવું માર્ગદર્શન મળી રહે તે માટે અહીં પ્રોફેસર માત્ર શિક્ષક
નથી, પણ મેન્ટર (માર્ગદર્શક) અને વાલીની ભૂમિકામાં છે. કોલેજમાં 10 ઘરાના બનાવાયા છે. દરેક ઘરાનામાં
75 વિદ્યાર્થીઓ અને 5 મેન્ટર છે. પ્રત્યેક
10 ઘરાનાનું નામકારણ તક્ષશિલા,
નાલંદા, વલ્લભી, વિક્રમશીલા,
શારદા, જગદલા, મિથિલા,
પુષ્પગિરિ, નાગાર્જુના, મોરેનાં
નામે કરાયું છે. કોટડા (ચકાર)ના દિવ્યાંગ શિક્ષક હરિલાલ ભાનુશાલીની શિક્ષણથી લઈને સમાજસેવા
અનોખી રહી છે. ખાસ કરીને ગરીબ અને શ્રમજીવી પરિવારોના બાળકોને શિક્ષણ અને જીવનની મુખ્યધારામાં
જોડવાનું તેમનું કાર્ય માનવતાનું ઉત્તમ ઉદાહરણ બની રહ્યું છે. શિક્ષણ ક્ષેત્રની કામગીરી
સાથે તેમણે છેલ્લા 7 વર્ષથી હરિઓમ
મિશન દ્વારા પર્યાવરણ અને જીવદયાની વિવિધ પ્રવૃત્તિઓમાં પણ સક્રિય છે. 50 હજારથી વધુ ચકલીઘર, પાણીના કુંડા, બર્ડ ફીડરનું
વિતરણ કર્યું છે. દર મહિને 300 કિલોથી વધુ ચણ વિવિધ વિસ્તારોમાં પહોંચાડે છે.