ભુજ, તા. 3 : ભુજના હૃદયસમા હમીરસર કાંઠે
સાતમ-આઠમના મેળામાં ગામઠીપણા સાથે આધુનિકતાનો સંગમ જોવા મળ્યો હતો. બદલાતા સમયમાં પણ
પરંપરાગત મેળાની રોનક સચવાયેલી છે તેવી પ્રતીતિ કરાવતો માહોલ જોવા મળ્યો હતો. ભુજ શહેર
તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી હજારોની સંખ્યામાં લોકો મેળાની રંગત માણવા ઊમટયા
હતા. 300થી વધુ સ્ટોલે આકર્ષણ જમાવ્યું
હતું. રાજેન્દ્રબાગ પાસેથી સાતમ -આઠમના મેળાનો ઉદ્ઘાટન કરી પ્રારંભ કરાવતા સાંસદ વિનોદભાઈ
ચાવડાએ જણાવ્યું હતું કે, ભુજ હમીરસર
કાંઠે યોજાતો મેળો વર્ષોથી ચાલી આવતી પરંપરા છે. આ ત્રણ દિવસીય મેળામાં આનંદભેર લોકો
જોડાશે. તેમણે તહેવારની શુભેચ્છા પાઠવી કચ્છવાસીઓને મેળામાં આનંદ માણવા અપીલ કરી હતી
તેમજ સાવચેતીના ભાગરૂપે કાળજી રાખવા પણ જણાવ્યું હતું. ધારાસભ્ય કેશુભાઈ પટેલે આપણી પરંપરાને ઉજાગર કરતા
આ સાતમ-આઠમના મેળાઓ નવી પેઢીને સંસ્કૃતિ સાથે જોડવાનું માધ્યમ હોવાનું જણાવ્યું હતું. ભુજ નગરપાલિકા પ્રમુખ શીતલભાઈ શાહે મેળો એટલે લોકોને
સાથે લાવતો ઉત્સવ છે તેમ જણાવતાં ભુજ નગરપાલિકા હંમેશાં નાગરિકોની સુખાકારી,
સ્વચ્છતા, સુવિધા, સુરક્ષાને
પ્રાથમિકતા આપે છે તેમ ઉમેર્યું હતું. કારોબારી ચેરમેન કમલભાઈ ગઢવીએ મેળામાં કોઈ અસુવિધા
ન થાય તે સુનિશ્ચિત કરી કોઈ પણ જરૂરિયાતમાં સંબંધિત અધિકારીઓ અને વ્યવસ્થાપન ટીમનો
સહયોગ લેવા અનુરોધ કર્યો હતો. હમીરસર કાંઠો
ઉત્સવની જીવંત તસવીર બની ગયો હતો. મેળાની રંગત માણવા પરિવારજનો બાળકો સાથે મોટી સંખ્યામાં
ઊમટયા હતા. મેળામાં પરંપરાગત અને આધુનિકતાનો સંગમ જોવા મળ્યો હતો. હસ્તકલા,
માટીકામની વસ્તુઓ, હસ્ત કાર્વિંગ કરેલી વૂડન ચીજવસ્તુઓ,
બાળકોને પ્રિય અવનવા રમકડાંઓ, મહિલાઓને આકર્ષતી
જ્વેલરી, કપડાં, ટેટૂ બનાવવાના સ્ટોલ્સે
લોકોને આકર્ષ્યા હતા. બનાવટી ફૂલો તેમજ તોરણિયા સહિતની ઘર-સજાવટની વસ્તુઓની ખરીદીમાં
ભીડ જામી હતી. રોશનીથી ઝળહળતા ચકડોળ, બાળકો માટે ટ્રેનની સવારી
તેમજ હોર્સ રાઇડિંગ, જમ્પિંગ સહિતની રાઇડ્સનો બાળકો ભરપૂર આનંદ
માણતાં જોવાં મળ્યાં હતાં. કૃષ્ણાજી પુલ બાજુનો રસ્તો બંધ હોવાને કારણે આ વિસ્તારમાં
ભીડને કારણે લોકોને અવર-જવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો, પરંતુ પોલીસ બંદોબસ્ત દ્વારા વ્યવસ્થા સંભાળવામાં આવતાં સુવ્યવસ્થા જળવાઇ રહી
હતી. ગુજરાત સરકારના
ગૃહ વિભાગના નશાબંધી અને આબકારી વિભાગ તથા પ. કચ્છ હોમગાર્ડ ભુજના ઉપક્રમે વ્યસનમુક્તિ
અભિયાન હેઠળ લોકોને વ્યસનમુક્તિ માટે અપીલ કરાઇ હતી. કમાન્ડન્ટ મનીષભાઇ બારોટ, નશાબંધી વિભાગના ઇન્સ્પેક્ટર શૈલેશભાઇ મારૂ
ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં કચ્છ જિલ્લા ભાજપના ઉપપ્રમુખ પ્રફુલસિંહ જાડેજા,
અશોકભાઇ હાથી, આશિકાબેન ભટ્ટ, ભુજ નગરપાલિકાના ચીફ ઓફિસર ટ્વિંકલબેન પટેલ, ભુજ શહેર
ભાજપના પ્રમુખ મીતભાઇ ઠક્કર, ભુજ નગરપાલિકાના ઉપપ્રમુખ બિંદિયાબેન
ઠક્કર, ભુજ નગરપાલિકાના દંડક રૂપલબેન ચાવડા, ભુજ શહેર ભાજપના ઉપપ્રમુખ જયંતભાઇ ઠક્કર, કમલભાઇ ગઢવી,
ભુજ નગરપાલિકાના નગરસેવકો, શહેર સંગઠનના હોદ્દેદારો,
મોરચાના હોદ્દેદારો, ભુજ નગરપાલિકાની વિવિધ શાખાના
બ્રાચ હેડ અને કર્મચારીગણ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.