• શુક્રવાર, 04 સપ્ટેમ્બર, 2026

અંજાર સુધરાઈમાં ભ્રષ્ટાચારના આક્ષેપ સાથેના પત્રથી ચકચાર

અંજાર, તા. 3 : અહીંની નગરપાલિકામાં જુદાં-જુદાં કામોમાં કથિત ભ્રષ્ટાચાર  અને આંતરિક જૂથવાદના સમયાંતરે આરોપ થતા રહ્યા છે તેવામાં સુધરાઈમાં ખુદ સત્તાપક્ષના સંગઠન પ્રમુખ દ્વારા ભ્રષ્ટાચાર, કર્મચારીને પજવણી સહિતના ગંભીર આક્ષેપો સાથે લેખિત રજૂઆત ઉચ્ચકક્ષાએ કરવામાં આવી છે. સત્તાપક્ષના કથિત આંતરિક  મતભેદને જારી કરતો પત્ર આજે સવારથી જુદા-જુદા સોશિયલ મીડિયાનાં માધ્યમો ઉપર વાયરલ થયો હતો, જેને પગલે શહેરમાં આ મુદ્દો ટોક ઓફ ધી ટાઉન બન્યો હતો. નગરપાલિકામાં ભૂતકાળમાં શૌચાલય નિર્માણ સહિતના જુદાં-જુદાં કામોમાં કથિત ગેરરીતિના બનાવોનો મામલો  લાંચ રૂશ્વત બ્યૂરો  સુધી પહોંચી ચૂકયો છે. એસીબીમાં રજૂઆત બાદ તપાસ પણ  હાથ ધરાઈ છે. તાજેતરમાં શહેર ભાજપ પ્રમુખ હિતેનભાઈ  વ્યાસ, મહામંત્રી અશ્વિનભાઈ સોરઠિયા, ક્રિપાલસિંહ રાણાની સહી સાથેના પત્ર મારફતે જિલ્લા ભાજપ પ્રમુખ સમક્ષ રજૂઆત કરાઈ  હતી. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા પત્રમાં સુધરાઈના પ્રમુખ પતિ (પ્રતિનિધી) સામે ગંભીર  આક્ષેપો કરવામાં આવ્યા છેજેમાં જણાવવામાં આવ્યું છે કેપ્રદેશ કક્ષાએ પાર્ટીનાં નામે કોઈ પણ પ્રકારનું ફંડ ઉઘરાવવાની સખત મનાઈ હોવા છતાં આ નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યંy છે. એટલું જ નહીં પાલિકાના ઠેકેદારોનાં કામ પૂર્ણ થયા બાદ  ચુકવણા અટકાવીને  બિનઅધિકૃત રીતે નાણાં માગવામાં આવે છે. - પ્રમુખના પ્રતિનિધિએ આક્ષેપ નકાર્યા : આ ગંભીર આક્ષેપો મામલે  સુધરાઈ પ્રમુખના પતિ શામજીભાઈ ખાંડેકાનો સંપર્ક કરતાં તેમણે કહ્યંy હતું કેસંગઠનના પદાધિકારીઓ અને પાલિકાના હોદ્દેદારો દ્વારા અમારા ઉપર કરવામાં આવેલા ભ્રષ્ટાચારના આક્ષેપો પાયાવિહોણા છે, આવા પત્ર અંગે તેઓ અજાણ હોવાનું ઉમેર્યું હતું. નગરપાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ પાછલી ચૂંટણીનાં પરિણામની સરખામણીએ ઓછી બેઠકો મળી છે. નવી બોડીમાં પદાધિકારીઓ વચ્ચે સંકલન ન હોવાના આક્ષેપો છેલ્લા કેટલાક સમયથી ચર્ચાય છે. અલબત્ત છાંનેછુપી ચાલતો વિખવાદ  વાયરલ થયેલા પત્રમાં  સ્પષ્ટપણે જોવા મળી રહ્યો છે. - મોવડી મંડળે ખખડાવ્યા? : જિલ્લા મોવડી મંડળ દ્વારા  પક્ષની પ્રતિષ્ઠા  કાળી ટીલી સમાન આ મુદ્દે તમામ પદાધિકારીઓને બોલાવીને રીતસરની ઝાંટકણી  કાઢી હોવાનું માહિતગારોએ જણાવ્યું હતું. કોના કહેવાથી આ પ્રકારનો પત્ર લખાયો હોવાના ખુલાસા પણ લેવાયા હોવાનું માહિતગારોએ ઉમેર્યું હતું. અત્યંત સંવેદનશીલ મનાતી આ પ્રકાર બાબત બહાર કેવી રીતે આવી સહિતના શિસ્તભંગ બદલ  આગામી દિવસોમાં પાર્ટી દ્વારા કેવા પ્રકારનાં પગલાં લેવામાં આવશે તેની ગણતરી  માંડતો ગણગણાટ રાજકીય વર્ગમાં શરૂ થયો છે. દરમ્યાન આ પત્ર જેના નામે લખાયેલ તેવા શહેર ભાજપ પ્રમુખ હિતેનભાઈ વ્યાસનો સંપર્ક કરતા તેમણે કહ્યું કે, પત્ર મારા સુધી આવ્યો નથી. આવતીકાલે આ અંગે વધુ વિગતો આપી શકાશે. શહેર ભાજપના મહામંત્રી અશ્વિનભાઈ સોરઠીયા અને ક્રિપાલાસિંહ રાણાનો સંપર્ક થઈ શકયો ન હતો. 

Panchang

dd