ગાંધીધામ, તા. 25 : અંજાર તાલુકાના મેઘપર બોરીચી, આદિપુર અને ગાંધીધામને જોડતા લીલાશાહ ફાટક પાસે
અન્ડરબ્રિજ નિર્માણ કામ અનેક ઉતાર ચડાવ બાદ શરૂ થયું છે. માતબર રકમના ખર્ચે નિર્માણ
પામતા આ બ્રિજનું કામ હાલ 75 ટકા પૂર્ણ થયું છે. હાલના સંજોગોને જોતાં અન્ય કોઈ વિધ્ન ન નડે, તો આગામી દિવાળી સુધી લોકોને નવા અંડરબ્રિજની
ભેટ મળશે તેવુ જાણકારોએ જણાવ્યું હતું. આદિપુર ટીમ્સ કોલેજ પાસે આવેલા રેલવે ફાટક અવારનવાર
બંધ થવાના કારણે દરરોજ આ વિસ્તારના લોકોને ભારે હાલાકી સહન કરવાનો વારો આવ્યો છે,
જેને લઈને અહીં અંડરબ્રિજ બાંધવામાં આવી તેવી માંગ ઊઠી હતી, જે તે સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કચ્છ મુલાકાત દરમ્યાન આ અંડરબ્રિજ નિર્માણનું
ખાતમુહૂર્ત કરાયુ હતું. અબલત્ત આ કાર્યક્રમના લાંબા સમય બાદ સ્થાનિકે કોઈ પણ પ્રકારની
કામગીરી શરૂ થઈ ન હતી, જેને લઈને સ્થાનિકોમમાં ભારે નારાજગી ઊભી
થઈ હતી. આ પ્રકલ્પ ઝડપભેર પૂર્ણ થાય તેવી માંગ સાથે વખતોવખત સ્થાનિકોએ આંદોલન સહિતના
કાર્યક્રમો આપવાની ફરજ પડી હતી. આ અંડરબ્રિજ નિર્માણનું બેથી વધુ વખત ખાતમુહૂર્ત પણ
કરાયાં હતાં, પરંતુ બ્રિજનું
કામ શરૂ ન થતાં સ્થાનિકોમાં ભારે રોષ સાથે નારાજગી પ્રર્વતી હતી. લાંબા વિલંબ અને અનેક
પ્રકારના ઉતાર ચડાવ બાદ આ પ્રકલ્પનો આરંભ થયો છે, જેને કારણે
શરૂઆતના તબક્કામાં લોકોને અવરજવર કરવા માટે મુશ્કેલી સહન કરવાનો વારો આવ્યો હતો. આ
અંગે જી.યુ.ડી.સી.ના જાણકારોએ સત્તાવાર રીતે વિગતો આપતાં જણાવ્યું હતું કે,
હાલમાં આ પ્રકલ્પનું 75 ટકા જેટલુ કામ પૂર્ણ થયુ છે તેમજ અંડરબ્રિજમાં પાણી નિકાલ માટે
બે પમ્પિંગ સ્ટેશન પણ બનાવવામાં આવશે. રેલવે ટેક નીચેથી નાળું પસાર કરવા માટે રેલવે
પ્રશાસન સમક્ષ મંજૂરી માગવામાં આવી છે, જે સંભવત આગામી 15 સપ્ટેમ્બર
સુધી આવી જશે. મંજૂરી આવ્યા બાદ આ કામ પણ આગળ વધશે. અન્ય કોઈ સમસ્યા ઊભી ન થાય, તો આગામી દિવાળી સુધી કામ પૂર્ણ થઈ જશે. નવા
વર્ષથી લોકોને આ સુવિધાની ભેટ મળવાનો આશાવાદ સંબંધિતોએ વ્યક્ત કર્યો હતો.