ગાંધીધામ, તા. 25 : ગુજરાતના દરિયાઇ માર્ગે અસામાજિક
કે શંકાસ્પદ પ્રવૃત્તિઓ પર જુદી-જુદી એજન્સીઓ દ્વારા કડક નજર રાખવામાં આવી રહી છે, ત્યારે મુંદરા બંદરથી મોટા સમાચાર સામે આવ્યા
છે. અહીં સુરક્ષા તંત્ર દ્વારા કાર્યવાહી કરીને 16 જેટલાં કન્ટેનરને સ્થગિત કરી
દેવામાં આવ્યાં છે. પ્રાપ્ત પ્રાથમિક માહિતી અનુસાર આ કન્ટેનરોમાં શંકાસ્પદ ચાઇનીઝ
(ચીની) માલસામાન હોવાની પ્રબળ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ગેરકાયદે અથવા નિયમોનું
ઉલ્લંઘન કરીને લાવવામાં આવેલા માલસામાન અંગે સુરાગ મળતાં આ કાર્યવાહી હાથ ધરવામાં આવી
છે. બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને સુરક્ષા એજન્સીએ 16 કન્ટેનરની સઘન તપાસ હાથ ધરી
છે. કન્ટેનરોમાં ખરેખર શું સામગ્રી છે ? તે ક્યાંથી મોકલવામાં આવી હતી અને તેનું આખરી સ્થાન ક્યાં છે ? તે તમામ મુદ્દાઓ પર ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે. હાલ તમામ કન્ટેનરો સ્થગિત
કરીને સુરક્ષિત રાખવામાં આવ્યાં છે. તપાસ પૂર્ણ થયા બાદ જ આ અંગેનો સત્તાવાર ખુલાસો
કરવામાં આવશે. આ કન્ટેનરો ચાઇનાથી અહીં આવ્યાં હોવાનું અંતરંગ સૂત્રોએ જણાવ્યું હતું
અને એકાદ અઠવાડિયા સુધી તપાસ ચાલુ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી. દિલ્હીથી
સૂચના આવ્યા બાદ સુરક્ષા એજન્સી ડીઆરઆઇએ બંદરો ઉપર કડક વલણ અપનાવ્યું છે.