• બુધવાર, 26 ઑગસ્ટ, 2026

સૂરજબારી ફોરેસ્ટ ચેકપોસ્ટ પર એ.સી.બી. ત્રાટકી

ગાંધીધામ, તા. 25 : જિલ્લાના પ્રવેશદ્વાર સમાન સૂરજબારી વન વિભાગની ચેકપોસ્ટ પર લાકડાં ભરેલાં વાહનોના ચાલકો પાસેથી ગેરકાયદે ઉઘરાણા અંગે એ.સી.બી. ગાંધીધામે સફળ કાર્યવાહી કરીને ભ્રષ્ટાચારનો પર્દાફાશ કર્યો છે. વાહતુક પાસ પર સિક્કા મારી નોંધ કરી આપવાના બદલામાં રૂા. 100ની લાંચ લેતા વનરક્ષક તથા ખાનગી વ્યક્તિને ઝડપી લેવાયા હતા. જિલ્લામાંથી લાકડાં ભરીને જતાં વાહનો જ્યારે હાઇવે પર આવેલી સૂરજબારી ફોરેસ્ટ ચેકપોસ્ટ પરથી પસાર થાય ત્યારે ત્યાં ફરજ બજાવતા અધિકારીઓ, કર્મચારીઓ તથા તેમના મળતિયાઓ દ્વારા વાહનચાલકો પાસેથી વાહતુક પાસ (ટ્રાન્સપોર્ટ પરમિટ)માં સિક્કા મારવા તથા રજિસ્ટરમાં નોંધ કરવાના બહાને રૂા. 100થી 1000 સુધીની લાંચ માગવામાં આવતી હોવાની વ્યાપક ફરિયાદો અને ગુપ્ત હકીકતો એ.સી.બી. ગાંધીધામને મળી હતી, જેના આધારે લાંચ રૂશ્વત વિરોધી દળે છટકું ગોઠવ્યું હતું. એ.સી.બી. પી.આઇ. એચ.વી. ચૌધરી અને તેમની ટીમે એક જાગૃત નાગરિકનો સહકાર લઇને તા. 24/8ના સૂરજબારી ફોરેસ્ટ ચેકપોસ્ટ ખાતે ડમી વાહન મોકલીને ડિકોય છટકું ગોઠવ્યું હતું. આ ઓપરેશન દરમ્યાન ભચાઉ નોર્મલ રેન્જના વનરક્ષક હરેશ હેમરાજ ચૌધરીના કહેવાથી ચેકપોસ્ટ પર હાજર ખાનગી વ્યક્તિ જામનશા ઓસમાણ સૈયદ (રહે. બુઢારમોરા, તા. અંજાર)એ ડિકોયર પાસેથી વાહતુક પાસમાં નોંધ કરી સિક્કો મારી આપવાના બદલામાં રૂા. 100ની લાંચની માગણી કરી હતી. જેવી આ ખાનગી વ્યક્તિ જામનશાએ લાંચની રકમ સ્વીકારી કે તુરંત જ નજીકમાં વોચમાં ગોઠવાયેલી એ.સી.બી.ની ટીમે દરોડો પાડીને તેને લાંચની રકમ સાથે સ્થળ પર જ પકડી પાડયો હતો. આ ટીમે સ્થળ પર જ લાંચની રકમ રિકવર કરી હતી. પકડાયેલા આ બંને સામે ભ્રષ્ટાચાર નિવારણ કાયદા હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી એ.સી.બી.એ હાથ ધરી છે. ફોરેસ્ટ ચેકપોસ્ટ પર એ.સી.બી.ના આ સફળ દરોડાથી લાંચિયા કર્મચારીઓ અને તેમના એજન્ટોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

Panchang

dd