• બુધવાર, 26 ઑગસ્ટ, 2026

અમેરિકા-કચ્છ વચ્ચે વેપાર વિનિમય અંગે થયું મંથન

ગાંધીધામ, તા. 25 : અમેરિકાના ન્યૂયોર્કથી ગાંધીધામ સુધી વૈશ્વિક વેપાર, રોકાણ અને ઉદ્યોગોનો વ્યાપ વધારવા માટે ગાંધીધામ ચેમ્બર ખાતે ન્યૂયોર્કના ઉદ્યોગ, રોકાણ અને  ઈનોવેશનના પૂર્વ ડેપ્યૂટી કમિશનર અને નાસાઉ કાઉન્ટીના પૂર્વ ડેપ્યૂટી કંટ્રોલર સાથે ઉદ્યોગ વ્યાપાર ગોષ્ઠી અને સંવાદસત્રનું આયોજન કરાયું હતું. આ દરમ્યાન ઉદ્યોગકારોને એઆઈમાં રોકાણ કરવા અંગે ખાસ સૂચન કરાયું હતું. વેપાર, રોકાણ, બિઝનેસ નેટવર્કિંગ, સ્ટાર્ટઅપ્સ, શિક્ષણ, ટેક્નોલોજી તથા વૈશ્વિક સહયોગના તમામ ક્ષેત્રોમાં  ન્યૂયોર્કના પૂર્વ અધિકારીએ કચ્છના ઉદ્યોગકારોને સહયોગ આપવાની ખાતરી આપી હતી. ગાંધીધામ ચેમ્બર પ્રમુખ તેજાભાઈ કાનગડે જણાવ્યું હતું કે, દિલીપ ચૌહાણ માત્ર સફળ પ્રશાસક નથી, પરંતુ ભારત-અમેરિકા વચ્ચે વેપાર, રોકાણ, સંસ્કૃતિ અને સમાજને જોડતા  જીવંત સેતુ છે. તેમણે ન્યૂયોર્ક સિટીમાં રોકાણ ઈનોવેશન વિભાગના ડેપ્યૂટી કમિશનર તરીકે વેશ્વિક રોકાણકાર, ઉદ્યોગો અને સરકાર વચ્ચે મજબૂત સંબંધો વિકસાવવા ભૂમિકા ભજવી હોવાનું જણાવ્યું હતું. તેમના પ્રયાસથી એસેમ્બલીમાં ગુજરાત ડેને સત્તાવાર માન્યતા મળી હોવાનું અને તે ગુજરાતીઓ માટે ગૌરવપ્રદ હોવાની લાગણી વ્યક્ત કરી હતી. ચેમ્બરના માનદમંત્રી મહેશ તીર્થાણીએ કચ્છ અને ગાંધીધામના વેપાર-ઔદ્યોગિક પરિદૃશ્ય અંગે પ્રેઝેન્ટેશન રજૂ કર્યું હતું. કચ્છની વ્યૂહાત્મક, ભૌગોલિક સ્થિતિ, બંદરોની નજીકતા અને ઉદ્યોગોને અનુકુળ વાતાવણરના કારણે અમેરિકા સહિતના વૈશ્વિક બજારો સાથે નવા વ્યાવસાયિક સબંધો સ્થાપિત કરવાની અપાર તકો ઉપલબ્ધ હોવાનું જણાવ્યું હતું. ઉદ્યોગકારોને સંબોધન કરતા દિલીપ ચૌહાણે ગુજરાતનું રાજકીય પાટનગર ગાંધીનગર છે, પરંતુ અહીંના વિકાસ, ઉદ્યોગો, બંદરો અને વ્યાપારિક ગતિશિલતાને જોતાં ગુજરાતનું આર્થિક પાટનગર કચ્છ હોવાનું જણાવ્યું હતું. ગાંધીધામ અને કચ્છનો વિકાસ  આધુનિક માળખાંકીય સુવિધાઓ, વૈશ્વિક સ્તરની વ્યાપારિક સંભાવનાઓથી પ્રભાવિત થયા હોવાનું જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે, ન્યૂયોર્ક વિશ્વની નવમી સૌથી મોટી અર્થવ્યવસ્થા સમાન શક્તિ ધરાવતું વૈશ્વિક આર્થિક કેન્દ્ર છે. વિશ્વના અગ્રણીઓ, રોકાણકારો, વેપાર સંગઠનો અને સંયુક્ત રાષ્ટ્રસંઘની ઉપસ્થિતિને કારણે ન્યૂયોર્કનું વૈશ્વિક મહત્ત્વ અનોખું છે. વિદેશી રોકાણ, સ્ટાર્ટઅપ્સ, ઉદ્યોગસાહસિકતા અને નવીનતાને પ્રોત્સાહન આપવા માટે ન્યૂયોર્ક સરકાર વિવિધ સહાયકારી યોજનાઓ, લોન પ્રોગ્રામ, એડોપ્શન મોડેલ, બિઝનેસ સપોર્ટ સિસ્ટમ અને રોકાણકાર મૈત્રીપૂર્ણ નીતિઓ દ્વારા સતત કાર્યરત છે. ગાંધીધામ ચેમ્બરની કામગીરી અને સભ્યો વચ્ચેનો સહયોગ જોઈને તેમને ન્યૂયોર્કના સૂત્ર `એક બીજાના ટેકા વિના વિકાસ નથી કરી શકતા' તે સિદ્ધાંતનું જીવંત પ્રતાબિંબ જોવા મળ્યું હોવાનું ઉમેર્યું હતું. આ વેળાએ ખજાનચી કૈલેસ ગોર, પૂર્વ પ્રમુખ મહેશ પુજ, કારોબારી સભ્યો હરિશ માહેશ્વરી, રાકેશકુમાર જૈન, વુમન્સ વિંગનાં કન્વીનર ડો. સુરભિ આહીર તેમજ વિવિધ ઉદ્યોગગૃહના પ્રતિનિધિઓ જોડાયા હતા. હોટેલ રેડિશનના એમ.ડી. મુકેશ આચાર્યના પ્રયાસથી આ કાર્યક્રમ યોજાયો હતો.

એઆઈ, ટેક્નોલોજીમાં 15 ટકા રોકાણ કરવા અનુરોધ

ગાંધીધામ, તા. 25 : ટેક્નોલોજી અને નવીનતા અંગે માર્ગદર્શન આપતા શ્રી ચૌહાણે ખાસ ભારપૂર્વક જણાવ્યું હતું કે, આગામી દાયકામાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ  અર્થવ્યવસ્થાનું  મુખ્ય ચાલકબળ બનશે. તેમણે ઉદ્યોગકારોને ઓછામાં ઓછું 15 ટકા જેટલું રોકાણ એઆઈ અને ટેક્નોલોજી આધારિત ક્ષેત્રોમાં કરવા સૂચન કરતાં જણાવ્યું હતું કે, ભવિષ્ય ટેક્નોલોજી, ડેટા અને ઇનોવેશનનું છે, જે પ્રદેશ અને ઉદ્યોગો આ પરિવર્તનને વહેલા સ્વીકારશે, તેઓ વૈશ્વિક સ્પર્ધામાં આગળ વધશે. તેમણે  ગાંધીધામ ચેમ્બરના પ્રતિનિધિમંડળને ન્યૂયોર્ક મુલાકાતે આવવા આમંત્રણ પાઠવ્યું હતું.

Panchang

dd