• બુધવાર, 26 ઑગસ્ટ, 2026

1800 દૂધદાત્રી માતા નવજાત માટે દેવદૂત

ભુજ, તા. 25 : માતાનું દૂધ બાળક માટેનું પ્રથમ અને સૌથી શ્રેષ્ઠ ભોજન છે, પરંતુ બાળકના જન્મ પછી માતા હોસ્પિટલમાં દાખલ હોય અને નવજાત એનઆઇસીયુમાં હોય ત્યારે માતાનું દૂધ બાળકને કેમ આપવું આ પ્રશ્નોનો ઉકેલ લાવવા માટે ભુજની અદાણી સંચાલિત ગેઇમ્સ જી.કે. જનરલ હોસ્પિટલ દ્વારા શરૂ કરાયેલી કચ્છ જિલ્લાની પ્રથમ મિલ્ક બેન્કની વાત્સલ્ય સમી સફરને એક વર્ષ પૂર્ણ થયું છે. મિલ્ક બેન્કના હેડ સંદીપ ટીલવાણીએ તેની શરૂઆત અને જરૂરિયાત કેટલી સંતોષાઇ અને સિદ્ધિ અંગે કહ્યું કે, અગાઉ એવું થતું કે માતા વોર્ડમાં હોય અને બાળક એનઆઇસીયુમાં હોય ત્યારે મજબૂરીમાં ફોર્મ્યુલા એટલે કે, પાઉડરનું દૂધ આપવું પડતું, જેના કારણે નાનાં બાળકોમાં ચેપ, અપચા સહિત અનેક જટિલતાઓની ફરિયાદો સામે આવતી હતી. મિલ્ક બેન્ક શરૂ થયા પછી હવે ચિત્ર સંપૂર્ણ બદલાઇ ગયું છે. પંપથી દાતા માતાઓનું દૂધ લેવામાં આવે છે. તેને પાશ્વુરાઇઝ કરી (વૈજ્ઞાનિક પદ્ધતિથી પ્રોસેસ) અત્રેની માઇક્રો લેબમા તેની સંપૂર્ણ તપાસ થાય છે અને ત્યારબાદ મૂળ માતાની મંજૂરી બાદ જ બાળકને દુગ્ધાપાન કરાવવામાં આવે છે. પરિણામે નવજાત પણ ક્રમશ: સ્વસ્થ થવા લાગે એમ બાળરોગ નિષ્ણાત ડો. યશ્વી દતાણી અને ડો. તરલ કેશરાણીએ જણાવ્યું હતું. હોસ્પિટલના નિયોનોટોજિસ્ટના જણાવ્યા પ્રમાણે એક વર્ષમાં મિલ્ક બેન્ક સ્ટાફના અવિરત પ્રયત્નોથી 1800થી વધુ દૂધદાત્રી માતાઓ નવજાત માટે દેવદૂત બની આગળ આવી, જેમાંથી 650 જેટલી માતાઓ તો એવી હતી જેમને એકસ્ટ્રા ધાવણ પણ આવતું હતું. આ દૂધ દાનને કારણે 532 પ્રિ-મેચ્ચોર અને ઓછા વજનવાળાં બાળકોને અત્રે નવું જીવન મળ્યું છે.

મિલ્ક બેન્કથી ફાયદા

તબીબોના જણાવ્યા પ્રમાણે સૌથી મોટો ફાયદો એ થયો કે ઓછા વજને રહેલાં બાળકોનું વજન વધ્યું, અલ્પ વેઇટવાળા બાળકોનો હાસ્પિટલમાં રહેવાનો સમય ઘટયો. માતાના દૂધનો મહિમા અવારનવાર સમજાવવાને કારણે જન્મદાત્રીઓને પણ લાગ્યું કે, માતાનું દૂધ જ સર્વોપરી અને પ્રથમ ભોજન છે. માટે ઘરે ગયા પછી પણ માતાઓ હવે ફોર્મ્યુલાને બદલે પોતાનું ધાવણ જ આપવાનું પસંદ કરતી થઇ.

Panchang

dd