ભુજ, તા. 25 : કચ્છના ઉદ્યોગકારો અને એમએસએમઇ
ક્ષેત્રને બીઆઇએસ ક્વોલિટી સ્ટાન્ડર્ડ, ક્વોલિટી કન્ટ્રોલ ઓર્ડર અંગે વિસ્તૃત
માહિતી મળી રહે તે હેતુથી બ્યૂરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડસ, ગાંધીધામ
બ્રાન્ચ તથા ભુજ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ફેડરેશનના સંયુક્ત ઉપક્રમે સેમિનારનું
આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના પ્રારંભે બીઆઇએસ અધિકારીઓ ડેપ્યૂટી ડાયરેક્ટર
અભિષેક સિંઘ, કે. વી. જાડેજા, ઉમંગ પરમાર
અને નવીનકુમાર તથા ભુજ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ફેડરેશનના પ્રમુખ અનિલભાઇ
ગોર, ભુજ જીઆઇડીસીના પ્રમુખ અરવિંદભાઇ ઠક્કર, નાગોર જીઆઇડીસીના પ્રમુખ લક્ષ્મીકાંતભાઇ કારાણી, બુલિયન
એસોસીએશનના પ્રમુખ ભદ્રેશ દોશી દ્વારા દીપ પ્રાગટય કરવામાં આવ્યું હતું. ભુજ ચેમ્બરના
પ્રમુખ અનિલ ગોરે સ્વાગત પ્રવચનમાં જણાવ્યું કે, કચ્છના ઉદ્યોગકારોને
સરકારી વિભાગો, નિયમનકારી સંસ્થાઓ અને વિવિધ સરકારી પહેલો સાથે
જોડીને જરૂરી માહિતી અને માર્ગદર્શન ઉપલબ્ધ કરાવવું એ ચેમ્બરનો મુખ્ય ઉદ્દેશ છે. બીઆઇએસના
પ્રતિનિધિઓ દ્વારા Quality Control Orders અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. ક્યા પ્રકારનાં ઉત્પાદનો
માટે ફરજિયાત ગુણવત્તા ધોરણો અને બીઆઇએસ સર્ટિફિકેશન લાગુ પડે છે તેમજ ઉદ્યોગોએ તેની
પ્રક્રિયા કેવી રીતે કરવી તે અંગે સમજ આપવામાં આવી હતી તેમજ આઇએસઆઇ માર્ક મેળવવાની
સમગ્ર પ્રક્રિયા - જરૂરી પરીક્ષણ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત એમએસએમઇ
ક્વોલિટી કમ્પ્લિયન્સનું મહત્ત્વ તથા બીઆઇએસ સ્ટાન્ડર્ડસ દ્વારા ઉત્પાદનની ગુણવત્તા
અને વિશ્વસનીયતા વધારવાની રીતો અંગે પણ માહિતી અપાઇ હતી. કાર્યક્રમ દરમિયાન યોજાયેલા
તકનીકી સત્રમાં ઉદ્યોગકારોએ પોતાનાં ઉત્પાદન અને વ્યવસાયને લગતા પ્રશ્નો પૂછી વ્યવહારુ
નિરાકરણ મેળવ્યું હતું. બીઆઇએસના પ્રતિનિધિઓએ કચ્છના ઉદ્યોગકારોને ગુણવત્તા ધોરણો અપનાવી
પોતાનાં ઉત્પાદનોની ગુણવત્તા, વિશ્વસનીયતા
અને બજાર ક્ષમતા વધારવા કહ્યું હતું. કાર્યક્રમમાં કચ્છના વિવિધ ક્ષેત્રના ઉદ્યોગકારો,
એમએસએમઇ પ્રતિનિધિઓ, વ્યાવસાયિકો અને ટેકનિકલ પ્રતિનિધિઓ
ઉપસ્થિત રહ્યા હતા. એડવોકેટ સંદીપ શાહ દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી. ચેમ્બર દ્વારા
બીઆઇએસના અધિકારીઓ તથા તમામ સહયોગી સંસ્થાઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. સચિનભાઇ
નાકર, હરિભાઇ ગોર, જગદીશ ઠક્કર,
રામદેવસિંહ જાડેજા સહિતના આગેવાનો અને ઉદ્યોગ પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા
હતા.