• રવિવાર, 09 ઑગસ્ટ, 2026

કચ્છમાં બેટી બચાવો બેટી પઢાવો થીમ હેઠળ કિશોરીઓ માટે જાગૃતિ કાર્યક્રમો યોજાયા

ભુજ, તા. 8 : નારીવંદન સપ્તાહ અંતર્ગત કચ્છમાં બેટી બચાવો બેટી પઢાવો થીમ અંતર્ગત વિવિધ તાલુકામાં કિશોરીઓના આરોગ્ય અને સશક્તીકરણને કેન્દ્રસ્થાન રાખી માસિક સ્વચ્છતા જાગૃતિ અને પોષણયુક્ત આહાર અંગે માર્ગદર્શન અપાયું હતું. જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયા તથા જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ, સીડીએચઓ ડો. મિતેશ ભંડેરી તથા આરસીએચઓ ડો. દિનેશ પટેલના માર્ગદર્શન હેઠળ ભુજ, ઢોરી, અંજાર, ભચાઉ, નખત્રાણા સહિત જિલ્લાના વિવિધ તાલુકાઓની શાળાઓ તથા આયુષ્માન આરોગ્ય મંદિરો ખાતે કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં કિશોરીઓએ ભાગ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન કિશોરીઓને વ્યક્તિગત સ્વચ્છતા, શારીરિક અને માનસિક પરિવર્તનો, યોગ્ય સેનિટરી પેડનો ઉપયોગ, સમયસર પેડ બદલવાની પદ્ધતિ, સુરક્ષિત નિકાલ, માસિક ધર્મ સાથે જોડાયેલી ગેરમાન્યતાઓ દૂર કરવા તેમજ પોષણયુક્ત આહાર અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું સાથે જ એનેમિયા નિવારણ માટે (ફોલિક એસિડ)  ટેબલેટના નિયમિત સેવન અંગે સમજણ અપાઈ હતી. કાર્યક્રમ દરમિયાન મેનસ્ટુઅલ હાઈજીન સ્કીમ અંતર્ગત એમએચએસ કોર્નર મારફતે જાગૃતિ પ્રવૃત્તિઓ યોજાઈ, સેનિટરી પેડનું વિતરણ કરવામાં આવ્યું તેમજ કેટલાક સ્થળોએ કિશોરીઓનું હિમોગ્લોબીન પરીક્ષણ, વજન અને ઊંચાઈનું માપન પણ કરવામાં આવ્યું હતું. ભચાઉ ખાતે પોસ્ટર સ્પર્ધા અને વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરી વિજેતા વિદ્યાર્થીઓને ઈનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા. ઉપરાંત વિવિધ સ્થળોએ ટીબીમુક્ત ભારત અભિયાન, વાહકજન્ય રોગો, એન્ટિ લાર્વલ પ્રવૃત્તિ, દૂષિત પાણી અને ખોરાકથી થતા રોગોની અટકાયત તેમજ આયુષ્માન ભારત પી.એમ.જે.એ.વાય. યોજના અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

Panchang

dd