ગાંધીધામ, તા. 13 : સામાન્ય રીતે સરકારના ચોપડા ઉપર 15 જૂનથી
વિધિવત ચોમાસાંનો પ્રારંભ થઈ જાય છે અને ત્યારથી જ રાજ્યભરમાં ડામરના માર્ગો
બનાવવાની મનાઈ ફરમાવવામાં આવે છે, પરંતુ ગાંધીધામ તેમાં
અપવાદ છે. અહીં જે ડામરનાં કામો ભરઉનાળાની ગરમીમાં થયા નથી તે કામો હવે
કોન્ટ્રાક્ટરો ચોમાસાંમાં કરી રહ્યા છે અને ડામર પાથરી રહ્યા છે, જો વરસાદ પડશે અને રોડ તૂટશે અથવા તો રોડમાં ક્ષતિ સર્જાશે તો જવાબદાર કોણ
તે સહિતના સવાલો જાગૃત નાગરિકો ઉઠાવી રહ્યા છે. શહેરના જૂની કોર્ટથી લઈને અપનાનગર
ચાર રસ્તા સુધીનો ડામરનો માર્ગ બનાવવાનો છે. લાંબા સમયથી કાચબાની ચાલે કામ થઈ
રહ્યું છે. કોન્ટ્રાક્ટર પાસેથી સિટી ઇજનેર સહિતના એન્જિનીયરો કામ લેવામાં નિષ્ફળ
છે. હવે ચોમાસું શરૂ થયું છે. વરસાદની આગાહી છે. ગાંધીધામમાં અડધો ઇંચ વરસાદ પણ
પડી ગયો છે ને હજુ પણ ગમે ત્યારે વરસાદ પડે તેમ છે તેવી સ્થિતિમાં ક્રોમા શો-રૂમ
જૂની કોર્ટથી લઈને અપનાનગર ચાર રસ્તા સુધીના રોડ ઉપર કોન્ટ્રાક્ટર દ્વારા ડામર
પાથરવામાં આવી રહ્યો છે. આખો ઉનાળો નીકળી ગયો એ દરમિયાન કોન્ટ્રાક્ટર રોડનું કામ
પૂરું કરી શક્યા નહીં, હવે ચોમાસાંમાં ડામર પાથરવાની કામગીરી
શરૂ કરી છે. સુંદરપુરી રોડ ઉપર પણ કોન્ટ્રાક્ટરે ડામર પાથર્યો છે, તેમ છતાં મહાનગરપાલિકાના જવાબદારો દ્વારા કોઈ પગલાં ભરાતાં નથી. અલબત્ત
તેની મંજૂરીથી જ કોન્ટ્રાક્ટરો રોડ ઉપર ડામર પાથરતા હોય તેવો તાલ સર્જાયો છે સુંદરપુરી માર્ગ ઉપર ડામર પથરાતો હતો તે સમયે
સિટી ઇજનેર મયંક શાહનો સંપર્ક કરીને ચોમાસાંમાં ડામરનાં કામો થઈ શકે તે બાબતે
પૂછવામાં આવ્યું, ત્યારે તેમણે સામાન્ય રીતે કોઈ મનાઈ હોતી
નથી અને મંજૂરી લઈને ડામરનું કામ થઈ શકે છે તેમ જણાવ્યું હતું. હવે ક્રોમા
સેન્ટરથી લઈને અપનાનગર ચાર રસ્તા સુધી કોન્ટ્રાક્ટર ડામર પાથરી રહ્યા છે, તેમાં હાનગરપાલિકા દ્વારા ઉચ્ચ કક્ષાએથી મંજૂરી લેવાઇ
હશે,
તેવું માની શકાય, પણ વરસાદ પડે અને આ રોડને
કોઈ નુકસાન થાય તો જવાબદારી કોની તે સહિતના સવાલો જાગૃત નાગરિકો ઉઠાવી રહ્યા છે.
ભરેલી
ગાડીમાં ડામરનું તાપમાન જળવાતું હશે ?
સામાન્ય
રીતે નિયમ મુજબ જ્યારે પ્લાન્ટથી ડામર ભરેલી ગાડી નીકળે ત્યારે તેનું તાપમાન 150 ડિગ્રીની
આસપાસ હોવું જોઈએ અને ડામરની ગાડી ભરાઈને નીકળ્યા પછી જ્યારે જે રોડ ઉપર ડામર
પાથરવાનો હોય ત્યારે તે જગ્યાએ ડામરનું તાપમાન 120 ડિગ્રીની
આસપાસ હોવું જોઈએ, તો તે કામ સંભવત: ગુણવત્તાવાળું
થઈ શકે છે, પરંતુ હાલના સમયે જે જૂની કોર્ટ રોડ ઉપર ડામર
પાથરવામાં આવી રહ્યો છે. ત્યાં લાંબા સમયથી ડામર ભરેલી ગાડીઓ યથાસ્થિતિમાં ઊભી હતી,
તો શું જરૂરિયાત મુજબનું ડામરનું તાપમાન હશે તેમજ ગુણવત્તાયુક્ત
ડામર હશે તે સહિતના સવાલો જાગૃત નાગરિકો પૂછી રહ્યા છે. આ બાબતે મ્યુનિસિપલ કમિશનર
તેમજ સિટી ઇજનેર અને એન્જિનીયારિંગ વિભાગ દ્વારા તપાસ કરવામાં આવે તેવી માંગ ઊઠી
છે.