• મંગળવાર, 14 જુલાઈ, 2026

રાપર તાલુકાનાં આરોગ્ય કેન્દ્રો-શાળામાં અલીગઢી તાળાં

રાપર, તા. 13 : તાલુકામાં સરકારી કચેરીઓમાં જવાબદારી તથા પારદર્શિતા વધારવાના હેતુથી શરૂ કરવામાં આવેલી અચાનક નિરીક્ષણ મુહિમ અંતર્ગત આજે તાલુકાના વિવિધ ગામોમાં સરકારી કચેરીઓની ઓચિંતી મુલાકાતમાં અનેક આરોગ્ય કેન્દ્રમાં તાળાં હોવાનું માલૂમ પડયું હતું. તાલુકા પંચાયત પ્રમુખ રાજેશ આહીર દ્વારા લેવાયેલી મુલાકાત દરમિયાન અનેક સ્થળોએ કર્મચારીઓ ગેરહાજર તેમજ સરકારી કચેરીઓ તાળાંબંધ હાલતમાં જોવા મળી હતી. બાદરગઢ સ્થિત આયુષ્માન આરોગ્ય મંદિરમાં ફરજ પરના સીએચઓ તેમજ એફએચડબલ્યુ ગેરહાજર જોવા મળ્યા હતા. સબસેન્ટર અલીગઢી તાળાંથી બંધ હાલતમાં જોવા મળ્યું હતું. સરકારી સમય દરમિયાન આરોગ્ય કેન્દ્ર બંધ હોવાને કારણે ગામલોકોને મળવાપાત્ર આરોગ્ય સેવાઓ પ્રભાવિત થતી હોવાની ગંભીર બાબત સામે આવી હતી, તો બાદરગઢમાં આવેલી આંગણવાડી પણ બંધ હાલતમાં જણાઈ હતી. કુંભારિયા ખાતે મેડિકલ ઓફિસર, એમપીએચએસ, એફએચએસ સહિતનો સમગ્ર સ્ટાફ ગેરહાજર જોવા મળ્યો હતો અને આરોગ્ય કેન્દ્ર ધોળા દિવસે તાળાંબંધ હાલતમાં જોવા મળ્યું હતું, તો થોરિયારી ગામનાં આયુષ્માન આરોગ્ય મંદિરમાં પણ એ જ સ્થિતિ જણાઈ હતી. થોરિયારી પ્રાથમિક શાળાની મુલાકાત દરમિયાન સવારે સમય પહેલાં જ શાળા છૂટી ગયેલી જોવા મળી હતી. વિદ્યાર્થીઓના શિક્ષણ સાથે સંકળાયેલી આ ગંભીર બાબત અંગે તાલુકા શિક્ષણ અધિકારીને જાણ કરવામાં આવી છે અને જવાબદાર વ્યક્તિઓ સામે તપાસ કરીને જરૂરી કાર્યવાહી કરવા રજૂઆત કરવામાં આવી હતી. આ અંગે નારાજગી દર્શાવી તાલુકા પંચાયત પ્રમુખ રાજેશભાઈ આહીરે સ્પષ્ટ જણાવ્યું છે કે, હવે ગમે ત્યારે અને ગમે ત્યાં સરકારી સમય દરમિયાન સરકારી કચેરીઓ, આરોગ્ય કેન્દ્રો, શાળાઓ, પંચાયતો તથા અન્ય વિભાગોની અચાનક મુલાકાત લેવામાં આવશે અને ગેરહાજર અથવા બેદરકારી દાખવનાર કર્મચારીઓ સામે નિયમોનુસાર નોટિસ, ખુલાસા તેમજ શિક્ષાત્મક કાર્યવાહી કરવા માટે સંબંધિત વિભાગોને જાણ કરવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રાપર તાલુકામાં આ પ્રકારની અચાનક તપાસની કાર્યવાહી હવે સતત ચાલુ રહેશે અને પ્રજાનાં હિતને અસર કરતી કોઈ પણ બેદરકારી સામે કડક વલણ અપનાવવામાં આવશે. આ બાબતે જિલ્લા આરોગ્ય અધિકારી મિતેશ ભંડેરીને ફરિયાદ કરવામાં આવી હોવાનું તાલુકા પંચાયત પ્રમુખે જણાવ્યું હતું. લોકો મોઘમમાં તાલુકા હેલ્થ કચેરીની પણ એકાદ સરપ્રાઈઝ વિઝિટ લેવાનું જણાવી રહ્યા છે.

Panchang

dd