• સોમવાર, 29 જૂન, 2026

કરબલાના શહીદો સત્ય અને આઝાદીના રાહબર

માંડવી, તા. 28 : શહેરનાં નદીવાળા નાકા પાસે કોમીએકતા અને ભાઈચારા સાથે હજારો લોકો તાજિયાના સરઘસોમાં જોડાયા હતા. આ વિસ્તારના સલાયા ભડાલા જમાતના, ભડાલા પોળના અને કાંઠા વિસ્તારના તાજિયા ભેગા થયા હતા. કરબલાના શહીદોને યાદ કરતાં સમગ્ર વિસ્તાર ગમગીન બન્યો હતો. કરબલાના શહીદોની યાદમાં કોમીએકતાના પ્રતીક પીર સૈયદ હાજીમખદુમઅલી હાજીતકીશા બાપુ રહેમતુલ્લાહ અલય્હેનાં માર્ગદર્શન હેઠળ છેલ્લાં 57 વર્ષથી થતી માનસ મોહબ્બત મજલિસનું આયોજન આ વર્ષે અખિલ કચ્છ મોહરમ અને તાજિયા કમિટી દ્વારા ગુજરાતની સૌપ્રથમ નંદીશાળાના અધ્યક્ષ અને સચ્ચિદાનંદ સંપ્રદાયના મહંત ત્રિકમદાસજી મહારાજના અધ્યક્ષસ્થાને કરાયું હતું, જેમાં ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. માંડવી વિસ્તારના પૂજારીઓ, મામલતદાર, શહેર પી.આઈ.  સી.વાય. બારોટ, મરીન પી.આઈ. એચ.આર. બારોટ, પીર સૈયદ અબ્દુલ્લાહશા અ. રસુલશા તેમજ મુખ્ય સંતો-મહંતો, અગ્રણીઓ હાજર રહ્યા હતા, જેમાં કરબલાના અમર શહીદો અને દેશની રક્ષા માટે શહીદ થયેલા વીર જવાનોની શહીદીને યાદ કરાઈ હતી. અખિલ કચ્છ મોહરમ અને તાજિયા કમિટીના પ્રમુખ પીર સૈયદ કૌશરઅલીશા હાજીમખદુમઅલીએ જણાવ્યું હતું કે, શહાદતને વરેલા ઇમામ હુસૈને બદીઓ ડામવા, મહિલાઓની આબરૂની રક્ષા કરવા, અસત્ય સામે સત્યની જીત માટે શહાદતને વહોર્યા હતા. કરબલાના શહીદો સત્યતા અને આઝાદીના રાહબર છે.  કાર્યક્રમના અધ્યક્ષસ્થાનેથી મહંત ત્રિકમદાસજી મહારાજે જણાવ્યું કે, કચ્છમાં હંમેશાં કોમીએકતા અને ભાઈચારાની ભાવના જળવાઈ રહેશે. ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેએ આવા આયોજન બદલ પીર કૌશરઅલી બાપુ તેમજ જમાતના તમામ આગેવાનોને અભિનંદન પાઠવ્યા હતા. સ્વામિનારાયણ સંપ્રદાયના સંત સ્વામી અક્ષરપ્રકાશદાસજીએ સંત સમુદાયને પણ આવા કોમી એખલાસ ભરેલાં વાતાવરણને ઉત્તેજન આપવું જોઈએ તેવું જણાવ્યું હતું. રામસખી મંદિરના મહંત કીર્તિચંદ મહારાજે શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો. પૂર્વ રાજ્યમંત્રી વાસણભાઈ આહીરે જણાવ્યું કે, પીર સૈયદ હાજીમખદુમઅલી બાપુએ 50 વર્ષ સુધી કોમીએકતા અને ભાઈચારા માટેની મિશાલ સમગ્ર કચ્છભરમાં ફેલાવી હતી. સાંસદ વિનોદભાઈ ચાવડા, જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયા, કચ્છ બોર્ડર રેન્જના આઈ.જી.પી. ચિરાગ કોરડિયા, એસ.પી. વિકાસ સુંડા વગેરેએ આવા ઐતિહાસિક કાર્યક્રમ બદલ શુભેચ્છાઓ પાઠવી હતી. સમગ્ર આયોજનમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માંડવી પી.આઇ. શ્રી બારોટ તથા મરીન પી.આઇ. શ્રી બારોટના માર્ગદર્શન હેઠળ પોલીસ તંત્ર 24 કલાક સજ્જ રહ્યું હતું. અખિલ કચ્છ મોહરમ અને તાજિયા કમિટી દ્વારા બંને અધિકારીને સન્માનપત્ર અર્પણ કરી વિશેષ સન્માનિત કરાયા હતા. આ પ્રસંગે પીર સૈયદ અસગરહુસૈન બાપુ, હાજીઅહમદ હાજીહસન જુણેજા, હાજી આધમ હાજીસિધિક થૈમ, હાજીઈશા (પટ્ટા શેઠ), હાજીહસન માડવાણી, કાંઠા વિસ્તાર તાજિયા કમિટીના પ્રમુખ અલ્તાફભાઈ કકલ, ઉંમરભાઈ ભટ્ટી, બાવાભાઈ વાઘેર, ઈબ્રાહીમભાઈ માડવાણી, ઈશા માડવાણી, અધાભા માડવાણી, હાજીશકુર થૈમ, સૌકતભાઈ ખત્રી, રઝાકભાઈ (ભડાલાપોર માતમી), મોટા સલાયા સેવા સમિતિના સભ્યો, કીર્તિભાઇ ગોર, નગરસેવકો, તા.પં. હોદ્દેદારો તેમજ હિન્દુ-મુસ્લિમ ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં ઉપસ્થિત સૌનું સન્માન કરાયું હતું. કાર્યક્રમને સફળ બનાવવા કમિટીના સભ્યો, સુન્ની મુસ્લિમ ભડાલા જમાતના સભ્યો, હુસૈની તાજિયા કમિટીના સભ્યો તેમજ માંડવી શહેર મોહરમ અને તાજિયા કમિટીના સભ્યો વિગેરેએ જહેમત ઉઠાવી હતી. 

Panchang

dd