• સોમવાર, 29 જૂન, 2026

યુદ્ધ વકર્યું; ઇરાનનો કુવૈત, બહેરીન પર વળતો વાર

દુબઇ, તા. 28 : અમેરિકા અને ઇરાને નવેસરથી સામસામા હુમલા શરૂ કરીને માત્ર 10 દિવસમાં જ શાંતિ સમજૂતી અને યુદ્ધ વિરામના લીરા ઉડાવી દીધા છે. અમેરિકી હવાઇ હુમલાઓના વળતા જવાબમાં ઇરાને બહેરીન અને કુવૈત પર નિશાન સાધતાં હુમલા કર્યા હતા. ઇસ્લામી ગણરાજ્યએ રવિવારે આ હુમલા કરવા સાથે એવી ચેતવણી આપી દીધી હતી કે, અમેરિકા આક્રમકતા જારી રાખશે તો યુદ્ધ ખતમ કરવા માટેની વાટાઘાટો `પૂર્ણપણે' રોકી દેવાશે. અમેરિકી સેન્ટ્રલ કમાન્ડ (સેન્ટકોમ)એ જણાવ્યું હતું કે, તેનાં નૌકાદળે ઇરાનનાં 10 સૈન્ય ઠેકાણાં પર હુમલા કર્યા હતા. આ તમામ હુમલા હોર્મુઝ પાસે કરાયા હતા. બીજી તરફ ઇરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ (આઇઆરજીસી)એ કુવૈતના અલ સલેમ એરબેઝ અને બહેરીનમાં અમેરિકી નૌકાદળના બેઝ પર મિસાઇલ અને ડ્રોનથી હુમલા કર્યા હતા. દરમ્યાન બગદાદમાં ઇરાકના વિદેશમંત્રી કુઆદ હુસેન સાથે મુલાકાત કરતાં ઇરાનના વિદેશમંત્રી અબ્બાસ અરાઘચીએ રવિવારે ફરીવાર કહ્યું હતું કે, હોર્મુઝનો દોરીસંચાર માત્ર ઇરાનના હાથમાં જ રહેશે. તહેરાનના વળતા પ્રહારથી ગુસ્સે ભરાયેલા અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચેતવણી આપી હતી કે, ઇરાન હવે જો નહીં સુધરે તો તેનું અસ્તિત્વ જ નહીં રહે. ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ (આઇઆરજીસી)એ કહ્યું હતું કે, આવનારા દિવસોમાં અમેરિકી સૈન્ય ઠેકાણાંઓને મોટું નુકસાન સહન કરવું પડશે. તપાસ એજન્સીઓ અને સૈન્ય સૂત્રોના જણાવ્યા મુજબ, શનિવારે સવારે ઇરાનની સેનાએ હોર્મુઝ પાસે પસાર થઇ રહેલા પનામાના ધ્વજવાળા કીકુ નામના ઓઇલ ટેન્કર પર એક તરફી ડ્રોન હુમલો કર્યો હતો. આ ટેન્કરમાં 20 લાખ બેરલ કરતાં વધુ કાચું તેલ (ક્રૂડ ઓઇલ) ભરેલું હતું. બીજી તરફ, લેબેનોનમાં પણ સ્થિતિ વણસી રહી છે. અહેવાલ મુજબ, ઇઝરાયલે શનિવારે દક્ષિણ લેબેનોનના નબાતીયેહ વિસ્તારમાં ડ્રોન હુમલા ચાલુ રાખ્યા છે. હિઝબુલ્લાહના વડા નઇમ કાસીમે અમેરિકાની મધ્યસ્થતાવાળા યુદ્ધ વિરામના પ્રસ્તાવને લેબેનોનનું આત્મસમર્પણ ગણાવીને ફગાવી દીધો છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે, જ્યાં સુધી ઇઝરાયલી સેના દક્ષિણ લેબેનોનમાંથી સંપૂર્ણપણે પાછી નહીં હટે ત્યાં સુધી તેઓ કોઇ સહયોગ નહીં આપે. જો કે, આ કરાર હેઠળ ઇઝરાયલે દક્ષિણ લેબેનોના બે વિસ્તારોને `પાઈલટ ઝોન' બનાવીને ત્યાંનો કંટ્રોલ લેબેનોનની સેનાને સોંપવાની યોજના બનાવી હતી. આ દરમ્યાન ગાઝાના મુવાસી વિસ્તારમાં ઇઝરાયલી ડ્રોન હુમલામાં શરણાર્થીઓની છાવણીઓને નિશાન બનાવવામાં આવતાં બે સગા ભાઇ-બહેનના મોત થયાં છે અને અન્ય સાત લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. 

Panchang

dd