લંડન, તા. 28 : ઇંગ્લેન્ડના સ્ટાર ઓલરાઉન્ડર
અને ટેસ્ટ ટીમના કેપ્ટન બેન સ્ટોક્સે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરીને
ક્રિકેટ જગતને આશ્ચર્યચકિત કર્યું હતું. ન્યૂઝીલેન્ડ સામે ટ્રેન્ટ બ્રિજ ખાતે રમાઈ
રહેલી ટેસ્ટ મેચ આ દિગ્ગજ ખેલાડીની કારકિર્દીની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ રહેશે. આ
મેચ સાથે તેની શાનદાર કારકિર્દીનો અંત આવશે. ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડના
અધ્યક્ષ રિચર્ડ થોમ્પસને સ્ટોક્સને ઇંગ્લેન્ડના ઇતિહાસના મહાન ક્રિકેટરોમાંના એક ગણાવ્યો
અને કહ્યું હતું કે, તેણે પોતાની
રમત, નેતૃત્વ અને લડાયક સ્વભાવથી સમગ્ર વિશ્વના ક્રિકેટપ્રેમીઓને
પ્રેરણા આપી છે. બેન સ્ટોક્સે વર્ષ 2011માં વ્હાઇટ બોલ ક્રિકેટથી ઇન્ટરનેશનલ કારકિર્દીની શરૂઆત કરી
હતી, જ્યારે ડિસેમ્બર 2013માં એશિઝ શ્રેણી દરમિયાન એડિલેડમાં
ટેસ્ટ પદાર્પણ કર્યું હતું. એપ્રિલ 2022થી તે ઇંગ્લેન્ડની ટેસ્ટ ટીમના કેપ્ટન તરીકે જવાબદારી સંભાળી
રહ્યો હતો અને તેની આગેવાનીમાં ટીમે અનેક યાદગાર જીત નોંધાવી હતી. સ્ટોક્સની કારકિર્દીની સૌથી યાદગાર પળ 2019ના વનડે વર્લ્ડ કપ ફાઇનલમાં
આવી હતી, જ્યારે તેણે અણનમ 84 રનની મેચ વિજેતા ઇનિંગ્સ રમીને
ઇંગ્લેન્ડને પ્રથમ વખત વર્લ્ડ ચેમ્પિયન બનાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તે
જ વર્ષે હાડિંગ્લે ટેસ્ટમાં અણનમ 135 રનની ઐતિહાસિક ઇનિંગ્સ રમી તેણે એશિઝમાં ઇંગ્લેન્ડને અવિસ્મરણીય
જીત અપાવી હતી. ઉપરાંત 2016માં દક્ષિણ
આફ્રિકા સામે કેપટાઉનમાં રમેલી 258 રનની ઇનિંગ્સ
તેના ટેસ્ટ કરિયરનો સર્વોચ્ચ વ્યક્તિગત સ્કોર છે. નોંધનીય છે કે, સ્ટોક્સે 121 ટેસ્ટ, 114 વન-ડે અને
43 ટી-20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે.
ટેસ્ટ ક્રિકેટમાં તેણે 7,228 રન અને 246 વિકેટ મેળવી છે. વન-ડેમાં તેના
નામે 3,463 રન અને 74 વિકેટ છે, જ્યારે ટી-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેણે
585 રન સાથે 26 વિકેટ ઝડપી છે. તેની નિવૃત્તિ
સાથે ઇંગ્લેન્ડ ક્રિકેટના એક સુવર્ણ અધ્યાયનો અંત આવ્યો છે.