એટલાંટા/ડલાસ, તા. 28 : ફૂટબોલ વર્લ્ડકપના
લીગ રાઉન્ડના અંતે દિગ્ગજ ખેલાડી લિયોનેલ મેસ્સીએ વર્લ્ડકપની સળંગ સાત મેચમાં ગોલ ફટકારવાનો
વધુ એક રેકોર્ડ બનાવ્યો હતો, જ્યારે
પૂર્વ વિજેતા ટીમ ઉરૂગ્વે ટીમ નબળા દેખાવ સાથે વિશ્વકપની બહાર થઇ હતી. બીજી તરફ રોનાલ્ડોની
ટીમ પોર્ટુગલે ગ્રુપ કેની તેની આખરી લીગ મેચમાં કોલંબિયા સામે 0-0થી ડ્રો કરી રાઉન્ડ-32માં જગ્યા બનાવી હતી. 39 વર્ષીય મેસ્સીએ ફિફા વર્લ્ડકપની
સતત સાતમી મેચમાં ગોલ કરીને નવો રેકોર્ડ બનાવ્યો છે. ગ્રુપ જેની આખરી લીગ મેચમાં આર્જેન્ટિનાનો
3-1થી વિજય થયો હતો. આ મેચમાં
મેસ્સી 60મી મિનિટે સબસ્ટીટયુટ તરીકે મેદાનમાં ઊતર્યો
હતો અને મેચની 80મી મિનિટે ડી એરિયાએ બહારથી ફ્રી કિકથી
અદ્ભુત ગોલ કર્યો હતો, જે વર્તમાન
ટૂર્નામેન્ટમાં તેનો છઠ્ઠો ગોલ છે. મેસ્સીની જાદૂઇ સફર 2022 કતર વર્લ્ડકપથી શરૂ થઇ છે, ત્યારે તેણે નોકઆઉટ રાઉન્ડમાં ઓસ્ટ્રેલિયા,
નેધરલેન્ડ અને ક્રોએશિયા સામે 1-1 ગોલ કર્યા હતા, જ્યારે ફાઇનલમાં ફ્રાંસ સામે બે ગોલ કર્યા હતા.
આ પછી વર્તમાન વિશ્વકપમાં અલ્જીરિયા સામે 3 અને ઓસ્ટ્રિયા સામે 2 અને હવે જોર્ડન સામે 1 ગોલ કર્યો હતો. આમ તે ફિફા વર્લ્ડકપની સળંગ સાત મેચમાં ગોલ કરનારો
પહેલો ખેલાડી બન્યો છે. મેસ્સી પહેલા ફ્રાંસના જસ્ટ ફોંટેને 19પ8માં 6 મેચમાં 11, બ્રાઝિલના જાઇરજિન્હોએ 1970માં 6 મેચમાં 7 ગોલ કર્યા હતા. મેસ્સીએ સળંગ 7 મેચમાં 11 ગોલ કર્યા છે. તે આ સૂચિમાં સતત 7 મેચમાં ગોલ કરી પહેલાં સ્થાને છે. ગઇકાલની
અન્ય એક મેચમાં રોનાલ્ડો કમાલ કરી શકયો ન હતો અને પોર્ટુગલની કોલંબિયા સામેની મેચ 0-0થી ડ્રો રહી હતી. કોલંબિયા
ગ્રુપ કેમાં ટોચ પર રહી અને પોર્ટુગલ બીજા સ્થાને રહી નોકઆઉટમાં પહોંચ્યા છે. આ જ ગ્રુપની
આખરી લીગ મેચમાં ડીઆર કોંગોએ જબરદસ્ત વાપસી કરીને ઉઝબેકિસ્તાનને 3-1થી હાર આપી નોકઆઉટ રાઉન્ડમાં
જગ્યા બનાવી હતી. કોંગો ટીમ પહેલીવાર રાઉન્ડ-32માં પહોંચી છે. ગ્રુપ
જેના એક મેચમાં અલ્જીરિયા અને ઓસ્ટ્રિયા 3-3 ગોલની બરાબરી પર રહ્યા હતા. ગ્રુપમાં બીજા-ત્રીજા સ્થાને રહી
નોકઆઉટ રાઉન્ડમાં પહોંચ્યા હતા, જ્યારે
ગ્રુપ એલની મેચમાં મજબૂત ઈંગ્લેન્ડનો પનામા સામે 2-0થી વિજય થયો હતો. પનામાની સફર
સમાપ્ત થઇ હતી. ઈંગ્લેન્ડ ટોચ પર રહી આગળ વધ્યું હતું. જ્યારે ઉરૂગ્વેનો સ્પેન સામે
0-1થી પરાજય થયો હતો અને વિશ્વકપની
બહાર થયું હતું.