• સોમવાર, 29 જૂન, 2026

શિક્ષણની ચિંતા છોડો, વસ્તીગણતરી કરો

ભુજ, તા. 28 : કચ્છમાં મહત્તમ શિક્ષકોને વસ્તીગણતરીના ઓર્ડર થોપી દેવાતાં ખૂલતા સત્રે જ મોટાભાગની નિશાળો રામભરોસે બનતાં વર્ગ રેઢા રહેતાં તોફાન મસ્તીનું પ્રમાણ વધ્યું છે, તો પાઠયપુસ્તકો પણ પહોંચ્યા નથી. સમગ્ર દેશની સાથે ગુજરાતમાં વસ્તીગણતરીની પ્રક્રિયા આરંભાઈ છે. પ્રથમ તબક્કે ઘર ગણતરી કરવાની છે, જેને બ્લોકની ફાળવણી છે તે નકશા બનાવી રહ્યા છે. સીમ-ખેતરોમાં કપરી કામગીરી માટે ફરતા શિક્ષકો શાળામાં ન પહોંચે તે સ્વભાવિક છે, પરંતુ જેનું કાર્ય થઈ ગયું છે તે પણ `ઓનડયુટી' ગણાવી રહ્યા છે. આડેધડ કરાયેલા હુકમો એટલી તીવ્રતાથી અપાય છે કે, આ રાષ્ટ્રીય કામગીરી છે. અગ્રતા આપો, શિક્ષક આલમ કહે છે કે, વસ્તીગણતરી રાષ્ટ્રીય કામગીરી છે તો વિદ્યાર્થીઓને ભણાવવું તે રાષ્ટ્રીય કાર્ય નથી? નિશાળોના અનેક વર્ગ ખાલી છે. તોફાનોની ફરિયાદો વધી છે. આખી નિશાળમાં એક કે બે શિક્ષકો 150થી 300 જેટલી સંખ્યાને સંભાળે કેમ, હાજરી ઓફ - ઓનલાઈન, મધ્યાહ્ન ભોજન એન્ટ્રી સહિત અનેક રોજિંદા કાર્યો ટલ્લે ચડયાં છે. પાઠયપુસ્તક વિતરણ, સત્ર શરૂઆતી કાર્યો ખોરંભાયાં છે. વાલીઓની ફરિયાદો વધી છે. `માસ્તર નિશાળ નતા અચેં' જેવા વાક્યો સંભળાય છે. વાસ્તવિક્તા  સામે આંખ આડા કાન કરતું જિલ્લાનું તંત્ર કલેકટરથી ગ્રામ્ય શિક્ષક સુધી વસ્તીગણતરીમાં છે. વધુ કંઈ કહે તો જવાબ એટલો જ મળે છે કે `િશક્ષણની ચિંતા છોડો, વસ્તીગણતરી કરો.' માસ્તરો બિચારા બની ગયા છે. બાળકોનું શિક્ષણ ઠપ છે. તા. 30/6 સુધી પ્રથમ તબક્કો ચાલવાનો છે, પછી લંબાય પણ ખરો, જેને 200થી વધુ સંખ્યા છે તેને ભાગ કરી અપાય છે એટલે હજી ગણતરીદારો વધશે અને નિશાળો રખડશે તે નક્કી છે તેવું જાણવા મળ્યું હતું. 

Panchang

dd