• સોમવાર, 29 જૂન, 2026

કાસેઝથી કંડલા પોર્ટને જોડતા રસ્તાને છ માર્ગીય બનાવાશે

ગાંધીધામ, તા. 28 : માળખાંકીય સુવિધાનાં વિસ્તરણની દિશામાં કચ્છનું પ્રથમ મહાનગર આગળ ધપી રહ્યંy છે, ત્યારે કંડલા વિશેષ આર્થિક ક્ષેત્રથી કંડલા પોર્ટને  જોડવા માટે મહત્ત્વપૂર્ણ રસ્તાને ચારમાંથી છ માર્ગીય  બનાવવાની દિશામાં ગતિવિધિ હાથ ધરાઈ છે, જેને કારણે  વાહનચાલકોને દેશના અગ્ર હરોળનાં બંદર સુધી અવરજવર કરવામાં અનેક વાહનચાલકોને ફાયદો થશે. છેલ્લા એક દાયકામાં  બંદરીય વિકાસની સુનામી આવી હતી. હાલમાં પણ હજુ અનેક મહત્ત્વાકાંક્ષી પ્રકલ્પ ગતિમાં છે. કંડલા અને મુંદરા પોર્ટના ભવિષ્યના ટ્રાફિકને ધ્યાનમાં રાખીને સુદૃઢ વાહનવ્યવહારની દિશામાં સરકાર અને વહીવટી તંત્ર દ્વારા મનોમથંન હાથ ધર્યું છે. વર્તમાન સમયમાં કચ્છના પ્રવેશદ્વાર એવા સામખિયાળીથી ગાંધીધામ સુધી છ માર્ગીય રસ્તો  બનાવાયો છે. હવે આ રસ્તાને  છેક કંડલા પોર્ટના તિલક ગેટ સુધીના માર્ગને છ માર્ગીય બનાવવાની દિશામાં કાર્ય આરંભાયું છે. માહિતગારોએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, અંદાજિત 77 કરોડના આ પ્રકલ્પ માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાઈ છે, જેમાં ત્રણ એજન્સીએ કામ કરવાની તૈયારી દર્શાવી છે.  ટેન્ડર પ્રક્રિયાના અંતે સંબંધિત એજન્સીઓને સત્તાવાર રીતે વર્ક ઓર્ડર આપવાના બાકી છે. મોટાભાગની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે. સંબંધિત એજન્સીએ  18 મહિનાની સમયમર્યાદામાં  કામ પૂર્ણ કરવાનું રહેશે, તેવું  જાણકારોએ ઉમેર્યું હતું.  કાસેઝ વળાંકથી કંડલા પોર્ટ સુધીના માર્ગમાં ભૂતકાળના સમયમાં અનેક અકસ્માતો સર્જાય છે, જેમાં માનવ જિંદગી હોમાઈ છે. આ માર્ગ વિસ્તરણ સાથે માર્ગ સુરક્ષા અને સલામતીમાં વધારો થશે તેવો આશાવાદ સેવાઈ રહ્યો છે. આ  કામ પૂર્ણ થવાનાં કારણે જટિલ ટ્રાફિક સમસ્યામાંથી પણ વાહનચાલકોને રાહત મળશે. અત્રે ઉલ્લેખનીય છે કે, સામખિયાળી - ગાંધીધામ માર્ગ છ માર્ગીય બન્યા બાદ ખારીરોહર-કંડલા માર્ગને પણ છ માર્ગીય બનાવવામાં આવી રહ્યો છે, તેવામાં આ એક માર્ગ ચાર માર્ગીય હતો. આ પ્રકલ્પ સાથે પોર્ટને જોડતા તમામ માર્ગ છ માર્ગીય બની જશે. અંદાજિત 8.45 કિલોમીટર માર્ગ ઉપર  ઓવરબ્રિજ, વ્હીકલ અન્ડરપાસ, ટ્રકો માટે લે બાય સહિતની બાબતોનો સમાવેશ કરવામાં આવશે.આ અંગે ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા વખતોવખત સંબંધિતો સમક્ષ ભારપૂર્વક રજૂઆત કરાઈ હતી. ચેમ્બર પ્રમુખ તેજાભાઈ કાનગડે જણાવ્યું હતું કે, કાસેઝથી કંડલા પોર્ટને જોડતો રસ્તો છ માર્ગીય બનાવાને કારણે માળખાંકીય સુવિધામાં વધારો થશે. કંડલા આવતા અને જતા કાર્ગો ઝડપભેર પરિવહન કરી શકશે. અનેક વાહનચાલકો સહિતનાને નોંધપાત્ર ફાયદો થશે. આગામી ભવિષ્યના વિકાસને કેન્દ્રમાં રાખીને કંડલાથી માળિયા સુધીના છ માર્ગીય એક્સપ્રેસ માર્ગનું ઝડપભેર કામ શરૂ કરવા પણ તેમણે માંગ કરી હતી. 

Panchang

dd