• સોમવાર, 29 જૂન, 2026

વાયોરથી લખપત વાયા કોટેશ્વર નવી બ્રોડગેજ લાઇન

વિશ્વનાથ જોશી દ્વારા : દયાપર (તા. લખપત), તા. 28 : ભારત સરકારના રેલવે મંત્રાલય દ્વારા જી.એસ.આર. 497 (અ) કેન્દ્ર સરકારે રેલવે અધિનિયમ 1989 (1989નો 24) -અધિનિયમની કલમ 20, એની પેટા કલમ (1) દ્વારા કચ્છ જિલ્લામાં નવી બ્રોડગેજ લાઇન વાયોરથી લખપત વાયા કોટેશ્વર 66.70 કિ.મી.નાં કામ માટે જમીન સંપાદન અંતર્ગત જાહેરનામું બહાર પાડયું છે અને આ બાબતે વાંધો હોય તો પ્રાંત અધિકારી નખત્રાણાને લેખિતમાં રજૂ કરવા અનુરોધ કરાયો છે. કચ્છમાં 3375 કરોડના ખર્ચે નવી રેલવે લાઇનની મંજૂરી મળી ગઇ છે ત્યારે 15 રેલવે સ્ટેશન, 91 રોડ અંડરબ્રિજ, 39 મોટા પુલ, 74 નાના પુલ અને કુલ્લ 690 હેક્ટર જમીન સંપાદન કરાશે, જેમાંથી વાયોર-લખપત વાયા કોટેશ્વર લાઈનનું કામ 437 કરોડના ખર્ચે થશે, જેમાં વાયોર, હરૂડી, બરંદા, બુધા, નારાયણ સરોવર, કપુરાશી, છેર મોટી અને લખપત એમ કુલ આઠ રેલવે સ્ટેશન બનશે. લખપતથી હાજીપીર રેલવે લાઈનનું કામ પણ થશે. હાલમાં લખપત તાલુકાના પુનરાજપર, શિણાપર, છેર નાની, છેર મોટી, કોરિયાણી, કપુરાશી, શેહ, બુધા, બરંદા, નરેડો, હરૂડી, ખારઈ, કનોજ, ફતેહપુર, ગોધાતડ, કૈયારી અને લખપત એમ કુલ્લ 17 ગામની જમીન જે કુલ્લ 217 સર્વે નંબરો થાય છે તેનું જાહેરનામું બહાર પડાયું છે. જમીન માલિકોના વાંધા અંતર્ગત સુનાવણીની તક અપાશે. પ્રાંત અધિકારીને સક્ષમ અધિકારી તરીકે ગણાતાં તેમનો હુકમ આખરી ગણાશે. કચેરીમાં સ્થળ નકશા જોઈ શકાશે અને વાંધો હોય તો લેખિતમાં પ્રાંત અધિકારીને રજૂ કરવા અનુરોધ જાહેરનામાંમાં કરાયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, 1975માં કંડલાથી લખપત રેલવે લાઈનનો સર્વે કરાયો હતો. તેના ખૂંટા-નિશાન પણ લગાવાયા હતા. હવે રેલવેનું સ્વપ્ન સાચું પડે પરંતુ પેસેન્જર ટ્રેન અંતર્ગત હજુ કોઈ ચર્ચા નથી. 

Panchang

dd