ગાંધીધામ, તા. 28 : ગ્રાહકો વધારવાની લાલચમાં ધીમું
ઝેર એટલે કે નશાકારક પાઉડરની ભેળસેળ કરીને ખાદ્ય પદાર્થો ખવડાવીને યુવાધનને બરબાદ કરવાનો
કારસો ચાલતો હોવાના કચ્છમિત્રના અખબારી અહેવાલ બાદ ભુજ ફૂડ અને ડ્રગ્સ વિભાગ તંત્ર
સફાળું જાગ્યું છે અને કોર્પોરેશન સાથે મળીને ગાંધીધામમાંથી ખાદ્ય પદાર્થના 17 નમૂના લેવામાં આવ્યા હતા. હાઈ-વે હોટેલો અને ઢાબા ઉપરથી ચિકન ફ્રાઈડરાઈસ, મટન, ચિકન, કોફી, પાસ્તા, ભુરજી, ફાસ્ટફૂડ ભુરજી મસાલો સ્પેશિયલ ગ્રેવી સહિત કુલ 17 નમૂના લેવામાં આવ્યા છે અને
તેને પૃથક્કરણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવશે,
પરંતુ રિપોર્ટ જલ્દી આવશે તો કાર્યવાહી લેખે લાગશે નહીંતર ત્યાં સુધીમાં હજારો લોકો તે
ખોરાક આરોગી ચુક્યા હોય છે. ફૂડ વિભાગ દ્વારા નમૂના લઈને પૃથક્કરણ માટે લેબોરેટરીમાં
મોકલવામાં આવે છે, પરંતુ રિપોર્ટ ઝડપથી આવતા નથી. ગત વર્ષે લેવાયેલા
નમૂનાના પૈકી ઘણા નમૂનાના રિપોર્ટ હજુ સુધી આવ્યા નથી, પરિણામે
જે હેતુ માટે સેમ્પલ લેવાય છે તે હેતુ સાર્થક થતો નથી એટલા માટે જ ઘણા લાંબા સમયથી
ગાંધીધામમાં ફૂડ ટેસ્ટિંગ લેબોરેટરી શરૂ કરવાની માંગ ઉઠી છે, હવે તો કોર્પોરેશન બની ગયું છે તેવામાં રાજ્ય સરકાર દ્વારા પંચરંગી ઔદ્યોગિક
શહેરમાં ફૂડ લેબોરેટરી શરૂ કરવામાં આવે તે જરૂરી છે. - પાણીપૂરીના
મસાલાનાં સેમ્પલ લેવાયાં : તંત્રએ ટાગોર રોડ તેમજ અલગ અલગ જગ્યાઓ પરથી
પાણીપૂરીનાં પાણીના ત્રણ નમૂના અને પૂરીના મસાલાના ત્રણ નમૂના લીધા હતા. મસાલામાં નશાકારક
પાઉડર ભેળવીને પાણીપૂરી ખવડાવવામાં આવતી હોવાના ગંભીર આક્ષેપો થઈ રહ્યા હતા તેવામાં
તંત્રએ રોડના કાંઠા ઉપર પાણીપૂરીની લારીઓ ઉપરથી પાણીના તેમજ મસાલાના નમૂના લીધા હતા.
- નશાનો કારોબાર
રાત્રે, નમૂના દિવસના લેવાયા : નાસ્તામાં નશાકારક પાઉડરની ભેળસેળ કરીને યુવાધનને બરબાદ કરવાનું
ષડયંત્ર રાત્રિના થઈ રહ્યું છે અને ફૂડ વિભાગ દ્વારા જે નમૂના લેવામાં આવ્યા છે તે
દિવસના 11 વાગ્યાથી રાત્રિના 8થી
8.30 વાગ્યા દરમિયાન લેવામાં આવ્યા
છે. જો ખરેખર નશાના કારોબારથી યુવાધનને બરબાદ
થતું અટકાવવુ હોય, તો રાત્રિના
8 વાગ્યાથી 11 વાગ્યા દરમિયાન તપાસ સાથે નમૂનાઓ લેવામાં આવે, તો સત્ય બહાર આવે તેવી સંભાવના છે તેમજ અમુક
ચોક્કસ વિસ્તારમાં ઊભી રહેતી નુડલ્સની લારીઓ ઉપર ખાસ ઝૂંબેશ હાથ ધરાય તે ઇચ્છનીય છે.
પાલિકા અને ફૂડ વિભાગ અમુક કાર્યવાહી કરે છે, ત્યારે પોલીસ પોતાની
આળસ ક્યારે ખંખેરશે અને નાસ્તામાં કે માવા (ફાકી)માં માદક પદાર્થો ભેળવતા આ કાળા કારોબારનો
ક્યારે પર્દાફાશ કરશે તેવું જાણકાર લોકો પૂછી રહ્યા છે.