• ગુરુવાર, 25 જૂન, 2026

ભુજ તાલુકા શિક્ષક મંડળી દ્વારા સભાસદોના તેજસ્વી છાત્ર-છાત્રાઓનું સન્માન

ભુજ તા. 24 : અહીંની ભુજ તાલુકા પંચાયતી પ્રાથમિક શિક્ષક કર્મચારી ધિરાણ સહકારી મંડળીની વાર્ષિક સાધારણ સભા પિથોરાપીર મંદિર હોલ, ખાતે યોજાઈ હતી. પ્રમુખ નીલેશ ગોરના અધ્યક્ષસ્થાને યોજાયેલી સાધારણ સભામાં પ્રારંભે મંચસ્થોના હસ્તે દીપ પ્રાગટય બાદ મંડળીના ઉપપ્રમુખ ભાવેશ મોતાએ સૌને આવકાર્યા હતા. સંસ્થાના માનદમંત્રી હરાસિંહ જાડેજાએ ગત સાધારણ સભાની કાર્યવાહીના વાંચન સાથે વાર્ષિક હિસાબો અને મંડળીનો પ્રગતિ રિપોર્ટ રજૂ કર્યો હતો, પ્રમુખ નીલેશ ગોરે સભાસદો માટે મહત્તમ ધિરાણ મર્યાદા વધારી રૂા. 10 લાખ કરવા, વિદ્યાસહાયકોને પણ રૂા. બે લાખ સુધીની લોન આપવા સહિતના મહત્ત્વના નિર્ણયોની જાહેરાત કરી હતી. આ સાથે મંડળીની 11 સભ્યની વર્તમાન કારોબારીની પુન: આગામી 5ાંચ વર્ષ માટે બિનહરીફ વરણી કરવામાં આવી હતી. સભાસદોના સંતાનો કે, જે ધોરણ 10 અને 12ની પરીક્ષામાં 60 ટકા કે તેથી વધારે ગુણથી ઉત્તીર્ણ થયેલા 33 જેટલા તેજસ્વી છાત્ર-છાત્રાઓનું મીનાબેન પ્રવીણ ભદ્રા પરિવાર તથા તાલુકા મંડળી વતી મંચસ્થ મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. મંડળીને ભેટ આપનારા દાતાઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા બંને શિક્ષણ અધિકારીઓએ બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા.તાલુકા વિકાસ અધિકારી દીક્ષિતકુમાર ઠક્કર, બી.આર.સી. કો-ઓર્ડિનેટર ભરત પટોડિયા, જિલ્લા કેળવણી નિરીક્ષક ઉમેશ રૂગાણી સહિતનાઓએ મંડળીને શુભકામનાઓ પાઠવી હતી. જિલ્લા સંઘના પ્રમુખ નયનાસિંહ જાડેજા, જિલ્લા મંડળીના પ્રમુખ રાજેશ ગોર,તાલુકા શિક્ષક સંઘના પ્રમુખ ઘનશ્યામાસિંહ જાડેજા સહિતનાઓએ મંડળીની કાર્યશૈલીને બિરદાવી હતી. દાતા ભદ્રા પરિવારની દીકરી કુ. નિધિ ભદ્રાનું વિશિષ્ટ સિદ્ધિ બદલ મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.  આ પ્રસંગે જિલ્લા શિક્ષણાધિકારી સંજય પરમાર, પૂર્વ ઇન્ચાર્જ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી પૃથ્વીરાજસિંહ ઝાલા, જિલ્લા સંઘના ખજાનચી ધર્મેન્દ્રસિંહ જાડેજા, જિતેન્દ્ર ઠક્કર, રાજ્યસંઘના ઉપપ્રમુખ વિલાસબા જાડેજા, ધીરજ ઠક્કર, રશ્મિકાંત પંડયા, કાંતિભાઈ સુથાર, કેળવણી નિરીક્ષકો દિલીપાસિંહ જાડેજા, યોગેશ જરદોશ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા મંડળીના અશોક જાટિયા, ઉમંગ પરમાર, ધીરજબા વાઘેલા, કિશોર ડાભી, ઉત્તમ મોતા, આશુતોષ પંડયા, દિનેશ મહેશ્વરી વગેરેએ જહેમત ઉઠાવી હતી તો હિતેશ મહેશ્વરી, કરસન ચૌધરી, અમિત વૈષ્ણવ, વિક્રમ ગણાત્રા, સંદીપ બોડા, નીતિન પટેલ, વિપિન પ્રજાપતિ સહિતનાઓએ વ્યવસ્થામાં સહયોગી બન્યા હતા. સંચાલન મંડળીના કારોબારી સભ્યો જયેન્દ્રાસિંહ ઝાલા અને કૃપા નાકરે, જ્યારે આભારવિધિ પરેશ મોતાએ કરી હતી. 

Panchang

dd