• શુક્રવાર, 26 જૂન, 2026

કચ્છે વરસાદનાં આગમન માટે હજુ એકાદ સપ્તાહ રાહ જોવી પડશે

ભુજ, તા 24 : દક્ષિણ ગુજરાતમાં ચોમાસાંએ વિધિવત પ્રવેશ કરી દીધો છે અને હવે રાજ્યના અન્ય વિસ્તારમાં ચોમાસું આગળ ધપે તેવી આશા જાગી છે. જો કે, કચ્છે ચોમાસાંનાં આગમન માટે હજુ એકાદ સપ્તાહ રાહ જોવી પડશે તેવું હવામાન વિભાગે જણાવ્યું છે. હવામાન વિભાગે જારી કરેલા વર્તારામાં આ માસના અંત સુધી કચ્છમાં વરસાદ વરસે તેવી શક્યતા ઓછી દેખાડી છે. વરસાદનાં આગમનની જોવાતી વાટ વચ્ચે આજે સવારથી જિલ્લામાં ધૂપછાંવનો માહોલ છવાયો હતો. વાદળો અને તડકાની સંતાકુકડી વચ્ચે સવારના ભાગે માંડવીના કોડાય પુલ વિસ્તારમાં સામાન્ય ઝાપટાં પડયાં હતાં. જિલ્લામાં સરેરાશ 10થી 1પ કિ.મી.ની ઝડપે પવન ફુંકાતાં ખાસ કરીને સવારના સમયે ધૂળની ડમરીઓ ઊડી હતી. ભુજમાં 37, કંડલા પોર્ટ અને કંડલા એરપોર્ટમાં 38 ડિગ્રી તાપમાને બપોરના સમયે ગરમી ઊકળાટ અનુભવાયા હતા. કચ્છમાં જૂન મહિનામાં અત્યાર સુધી સરેરાશ 32 મિ.મી. વરસાદ પડવો જોઈએ, તેના બદલે ઝરમર વરસાદ પણ પડયો નથી અને અત્યારની સ્થિતિએ કચ્છમાં વરસાદની 99 ટકાની ઘટ છે. જો કે, કચ્છમાં આષાઢી બીજને વરસાદના આગમનની શુભ ઘડી માનવામાં આવે છે. એટલે કે, કચ્છે ખાસ ચિંતા કરવાની  એટલા માટે જરૂર નથી કે, જૂન માસમાં ક્યારેક ઓછો વરસાદ પડયો હોય તેની સરભર બીજા મહિનામાં થઈ જતી હોય છે. હાલ તો ચામાસું આગળ વધવાની ગતિ  ધીમી છે, પણ કોઈ સક્રિય સિસ્ટમ સર્જાય તો ચોમાસું ધારણા કરતાં થોડું વહેલું પ્રવેશી શકે છે.  

Panchang

dd