અર્પિત ગંગર દ્વારા : મુંબઈ, તા. 24 : જ્યાં મોટી સંખ્યામાં કચ્છીઓ
વસે છે તે મુંબઈ અને કચ્છ વચ્ચે ટ્રેન કનેક્ટિવિટી સુવિધાને બહેતર બનાવવા માટે દાયકાઓથી
કાર્યરત કચ્છ પેસેન્જર્સ એસોસિયેશન (કેપીએ) દ્વારા 2024થી લોકદરબારની અસરકારક પહેલ શરૂ કરાઈ છે. તાજેતરમાં યોજાયેલા
બીજા લોકદરબારમાં કચ્છના મુસાફરોને લગતા વિવિધ પ્રશ્નો ચર્ચાયા હતા. પહેલો લોકદરબાર
2024માં યોજાયો હતો અને બીજો લોકદરબાર
તાજેતરમાં 21 જૂનના નારાયણજી શામજી વાડી
ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમનું આયોજન કરવાનો હેતુ કચ્છી સમુદાયને એક છત નીચે એકસાથે
લાવવાનો હતો, જ્યાં લોકો સીધા જ રેલવે
અધિકારીઓ અને મંત્રીઓ સાથે તેમના પ્રશ્નો અને ચિંતાઓ ઉઠાવી શકે, જેમને લોકદરબારમાં ભાગ લેવા માટે આમંત્રિત કરવામાં આવે છે. - કચ્છ એક્સપ્રેસ એ કેપીએના પ્રયાસોનું
પરિણામ : એક સમય હતો, જ્યારે મુંબઈ અને કચ્છ વચ્ચે મુસાફરી કરવામાં
લગભગ 23 કલાક લાગતા હતા. આજે મુસાફરી
લગભગ 14 કલાક સુધી ઘટી ગઈ છે અને આ
સુધારો કેપીએના સતત પ્રયાસો, સમર્પણ
અને સંઘર્ષને કારણે શક્ય બન્યો છે. કચ્છ એક્સપ્રેસ, સયાજીનગરી
અને સ્પેશિયલ ટ્રેનો કેપીએના પ્રયાસોનું પરિણામ છે. આ કાર્યક્રમમાં 600થી વધુ લોકો હાજર રહ્યા, જ્યારે 2,200થી વધુ લોકોએ તેને યુટયુબ પર
લાઇવ જોયું હતું. - સૌરાષ્ટ્ર
ટ્રસ્ટ મુસાફરોના પ્રશ્નો ઉકેલવા તત્પર : હાર્દિકભાઈ મામણિયા (સૌરાષ્ટ્ર ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી અને
જૈન યૂથ ફોરમના સ્થાપક), જે કચ્છી સમુદાયના
કલ્યાણ માટે વિવિધ પ્રવૃત્તિઓ શરૂ કરીને કચ્છ માટે જબરદસ્ત કાર્ય કરી રહ્યા છે,
તેઓ આ કાર્યક્રમના મુખ્ય વક્તાઓમાંના એક હતા. તેમના ઊર્જાવાન અને પ્રભાવશાળી
ભાષણે દરેકનું ધ્યાન ખેંચ્યું હતું. સભાને સંબોધતાં તેમણે કહ્યું હતું કે, ભારતનો જીડીપી વૃદ્ધિ દર 7.7 ટકા છે, જ્યારે
ગુજરાત અને મહારાષ્ટ્રનો જીડીપી વૃદ્ધિ દર 7.8 ટકાની આસપાસ છે. જો કે, છેલ્લા આઠ ત્રિમાસિક ગાળાથી કચ્છની જીડીપી વૃદ્ધિ દર 9.1 ટકાની આસપાસ રહ્યો છે, જે આપણા બધા માટે ગર્વની વાત છે. કચ્છમાં 3 એરપોર્ટ છે, પરંતુ ફક્ત 2 નિયમિત ટ્રેન સેવાઓ છે. 1 ઓગસ્ટથી એસી સુપરફાસ્ટ ટ્રેન ભચાઉમાં પણ
રોકાશે, જે આપણા માટે સારા સમાચાર છે. - ઓનલાઈન બુકિંગ માટે વર્કશોપનું
કરાશે આયોજન : કચ્છમિત્ર
અને કેપીએ ઓનલાઈન ટિકિટ બાકિંગ અંગે લોકોને માર્ગદર્શન આપવા માટે બે દિવસીય ઓનલાઈન
વર્કશોપ યોજવા માટે સહયોગ કરશે તેમ જણાવી હાર્દિકભાઈએ ઉમેર્યું હતું કે, મુંબઈથી કચ્છ સુધીની બસ સેવાઓ માટે કચ્છમિત્ર
બસ ઓપરેટરો સાથે મળીને કામ કરશે, જેથી રેલવે માટે વૈકલ્પિક મુસાફરી
વિકલ્પ બનાવવામાં આવે. પહેલ કચ્છમિત્ર અને કેપીએ દ્વારા સંયુક્ત રીતે હાથ ધરવામાં આવશે.
- પ્રવાસીઓની વિવિધ સમસ્યાઓનો
ઉકેલ જરૂરી : કચ્છ માટે
દિવસ-રાત કાર્યરત અને કચ્છમાં રેલવે સેવાઓના સુધારણા માટે સતત પ્રયત્નશીલ રહેલા એડવોકેટ
કાંતિભાઈ સંગોઈ (કેપીએના પ્રમુખ)એ સભાને સંબોધન કરતાં કહ્યું હતું કે, અમે વિનંતી કરી હતી કે, એસી વીકલી સુપરફાસ્ટ ટ્રેનનો પ્રસ્થાન સમય રાત્રે 11:45થી બદલીને રાત્રે 10:00 વાગ્યા કરવામાં આવે. લોકપ્રિય
ટ્રેનોને હંમેશાં પ્રાધાન્ય આપવામાં આવે છે અને વધુ પડતા રાજકીય દબાણને કારણે સામાન્ય
મુસાફરોનો અવાજ ઘણીવાર સાંભળવામાં આવતો નથી. સામાન્ય પાસધારકોને રિઝર્વ્ડ કોચમાં મુસાફરી
કરવાની મંજૂરી ન હોવી જોઈએ. - પ્રશ્નોના
નિરાકરણ માટે સતત લડત ચાલુ રખાશે : ચંપકભાઈ ગંગર (કેપીએના ચેરમેન)એ અમારી સાથે વાત કરતાં કહ્યું
હતું કે, કેપીએ રેલવે અધિકારીઓને વિવિધ ચિંતાઓ અને સૂચનો
પહોંચાડવા અને કચ્છ માટે ટ્રેન સેવાઓમાં જરૂરી ફેરફારો લાવવા માટે અથાક મહેનત કરી રહ્યું
છે. આ લોકદરબાર દરમિયાન ચર્ચા કરાયેલા તમામ મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ અમે વ્યક્તિગત રીતે
રેલવે અધિકારીઓને પહોંચાડીશું. - બેઠક ગોઠવાશે : ધારાસભ્ય સંજય ઉપાધ્યાયે ખાતરી આપી હતી
કે, તેઓ કેપીએ પ્રતિનિધિઓ અને રેલવે મંત્રી વચ્ચે
બેઠકનું આયોજન કરશે. - મુલુંડથી
કચ્છ માટે ટ્રેન જરૂરી : કચ્છી સમુદાય
પ્રત્યે પોતાની ઊંડી ચિંતા અને પ્રેમ વ્યક્ત કરતાં ધારાસભ્ય મિહિર કોટેચાએ કહ્યું હતું
કે, હું ઈચ્છું છું કે, રેલવે
અધિકારીઓ મુલુંડથી કચ્છ માટે ટ્રેન સેવા શરૂ કરે. મુલુંડમાં કચ્છી લોકોની વસ્તી સૌથી
વધુ છે અને મુલુંડથી ટ્રેન શરૂ કરવાથી સેન્ટ્રલ લાઇનથી મુસાફરી કરતા લોકોને મોટી રાહત
અને સુવિધા મળશે. - કચ્છી સમુદાય
વતનને બાળકની જેમ પ્રેમ કરે છે : ધારાસભ્ય યોગેશ સાગરે પોતાના વિચારો વ્યક્ત કરતાં કહ્યું હતું
કે, જે લોકો પોતાના વતનને પોતાના બાળકની જેમ પ્રેમ
કરે છે તે કચ્છી છે. કચ્છી સમુદાયની એકતા ખરેખર પ્રશંસનીય છે. - પ્રવાસ દરમિયાનની મુશ્કેલીઓ
: શૈલેષ લાલન (કેપીએના માનદ્ મંત્રી)એ મુસાફરોની
મૂળભૂત ચિંતાઓ અને મુદ્દાઓની ચર્ચા કરતાં કહ્યું હતું કે, મુસાફરો દ્વારા સામનો કરવામાં આવતી ઘણી સામાન્ય
સમસ્યાઓ છે. જેમ કે, પાણીની ઉપલબ્ધતા નહીં, વપરાયેલા ઓશિકા, વપરાયેલા ધાબળા, વપરાયેલા ટુવાલ અને નેપકિન્સ, સ્વચ્છતાનો અભાવ,
સામાનની ચોરી, તમારી અનામત સીટ પર કોઈ અન્ય વ્યક્તિનો
કબજો અથવા મોડી રાતના સમયે મુસાફરો દ્વારા વધુ અવાજમાં મોબાઇલ ફોનનો ઉપયોગ. આવી બધી
ફરિયાદો માટે એકમાત્ર ઉકેલ 139 પર કોલ કરવાનો છે. - ભુજ માટે વંદે ભારત ટ્રેન શરૂ કરવામાં આવે : કચ્છ યુવક સંઘના સ્થાપક કોમલભાઈ છેડા, જેમણે અનેક વિરોધ પ્રદર્શનોનું નેતૃત્વ કર્યું
છે અને મુસાફરોના હક્કો માટે લડતી વખતે પડકારોનો સામનો કર્યો છે, તેમણે સભાને સંબોધતાં કહ્યું હતું કે, અધિકારીઓને મારી
અપીલ છે કે, ભુજ માટે વંદે ભારત ટ્રેન શરૂ કરવામાં આવે. એસી સ્પેશિયલ
ટ્રેનોના સમય સુધારવા જોઈએ. કારણ કે, તેમના મોડા પ્રસ્થાનથી મુસાફરોમાં
મુસાફરીની તારીખો અંગે મૂંઝવણ ઊભી થાય છે. ઘણા લોકો રાત્રે 11થી 11 વાગ્યાની વચ્ચે મૂંઝવણમાં મુકાય છે, જેના કારણે તેઓ તેમની ટ્રેન ચૂકી જાય છે. આ
એસી સ્પેશિયલ ટ્રેન દરરોજ ચાલવી જોઈએ. ધર્મેશ ભૂપતગિરિ (ઘાટકોપરના કોર્પોરેટર)એ કહ્યું
હતું કે, રેલવે સ્ટેશનો પર આપણે જે બેટરીથી ચાલતી કાર જોઈએ છીએ
તે પહેલા ગાંધીધામ અને પછી મુંબઈમાં શરૂ કરવામાં આવી હતી અને આ પહેલનું શ્રેય કેપીએને
જાય છે. - વધુ સૂચનો
: હેતલબેન ગાલા (સાન્તાક્રુઝના કોર્પોરેટર)એ
જણાવ્યું હતું કે, કચ્છ જતી ટ્રેનો
માટે વિરારમાં એક સ્ટોપ પણ ઉમેરવો જોઈએ. પ્રવિણ છેડા (કોર્પોરેટર), ડૉ. હેતલ ગાલા મોરવેકર (મુલુંડના કોર્પોરેટર), કલ્પેશાબેન
કોઠારી (કોર્પોરેટર) અને મોહનભાઈ માનશી (અચલગચ્છ ચાણક્ય ચેરમેન માતુંગા ક.મૂ.શ્વે.
જૈન સંઘ) પણ લોકદરબારમાં હાજર હતા. - રેલવે અધિકારીની હાજરી : આ કાર્યક્રમમાં ડો. સુમંત વી. દેઉલકર (સીએમ પેસેન્જર માર્કાટિંગ
- સેન્ટ્રલ રેલવે) અને રાઘવેન્દ્ર કુમાર રાય (સહાયક ઓપરેશનલ મેનેજર, વેસ્ટર્ન રેલવે - મુંબઈ સેન્ટ્રલ) સહિત ટોચના
રેલવે અધિકારીઓ પણ હાજર હતા. તેમની હાજરીમાં બધી ચિંતાઓ અને મુદ્દાઓ પર ચર્ચા કરવામાં
આવી હતી, અને તેમણે જનતા દ્વારા ઉઠાવવામાં આવેલી સમસ્યાઓનું નિરાકરણ
કર્યું હતું. તેમણે દરેકને ખાતરી આપી હતી કે, સામાન્ય મુસાફરોની
ચિંતાઓ અને સૂચનો ઉચ્ચ રેલવે અધિકારીઓ સુધી પહોંચાડવામાં આવશે અને શક્ય હોય ત્યાં જરૂરી
ફેરફારો ધ્યાનમાં લેવામાં આવશે અને અમલમાં મૂકવામાં આવશે. આ કાર્યક્રમ દરમિયાન ત્રણ
મહત્વપૂર્ણ અગ્રણીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. તેમાં નરેન્દ્ર વાસનજી ફુરિયાનો
સમાવેશ થાય છે, જેઓ તેમનું કાર્યાલય... છેલ્લા 50 વર્ષથી તેની બેઠકોનું સંચાલન
કરવા બદલ કપીએ; સીએ એલ.એન. મારુ,
જેઓ ઘણા વર્ષોથી કેપીએ ના ઓડિટ મફતમાં કરી રહ્યા છે; અને રાયચંદ ગોગરી, જેઓ ચૂંટણી અધિકારી તરીકે સેવા આપી
રહ્યા છે. - 1971થી કાર્યરત કેપીએ : કચ્છ પેસેન્જર્સ
એસોસિએશન (કેપીએ) મહત્ત્વપૂર્ણ સંગઠનોમાંનું એક છે. તેની રચના 1971માં થઈ હતી. શરૂઆતમાં 4 વ્યક્તિઓ રેલવે સુવિધાઓ સુધારવા તથા મુંબઈ
અને કચ્છ, તેમજ કચ્છ અને મુંબઈ વચ્ચે વધુ સારી ટ્રેન કનેક્ટિવિટીની
માગણી સાથે એકત્ર થયા હતા. આ સંગઠનની રચનામાં વાસનજી ધનજી ફુરિયા અને શ્યામ શાહે ખૂબ
જ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. - લોક દરબારમાં અપાયેલાં સૂચનો
: મુલુંડથી કચ્છ ટ્રેન સેવા
શરૂ કરાય. - એ.સી. વિકલી સુપરફાસ્ટ ટ્રેનનો સમય રાત્રે
11.45ના બદલે રાત્રે 10.00 કરાય. - સામાન્ય પાસધારકોને રિઝર્વ્ડ
કોચમાં મુસાફરીની મંજૂરી ન અપાય .-સીએસટીથી
ભુજ સુધી ટ્રેનસેવા શરૂ કરાય. - કચ્છ અને
સયાજીનગરી એક્સપ્રેસ દાદરથી જ ચલાવાય. - ટ્રેનમાં પાણીની ઉપલબ્ધતા,
ઓશિકા, ધાબળા, ટુવાલ,
નેપકિન્સ સ્વચ્છ રખાય. - અનામત સીટ પર અન્ય વ્યક્તિ કબજો ન કરે તેની તકેદારી રખાય. - ભુજ માટે વંદે ભારત ટ્રેન શરૂ કરવામાં આવે.
- એ.સી. સ્પેશિયલ ટ્રેન દૈનિક ધોરણે ચલાવાય.
- કચ્છ જતી ટ્રેનો માટે વિરારમાં સ્ટોપ અપાય.