ભુજ, તા. 13 : કચ્છના વિકાસની રફતાર વધી છે, ત્યારે તેને નવી ઉડાન પર લઈ જવા ભુજ હવાઈ મથકની
કાયાપલટ થઈ રહી છે. આ નવીનીકરણ જુલાઈના અંત સુધીમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક આજે જાહેર
થયો હતો. કાલે 15મી જૂને યાત્રી
સુવિધા દિવસ ઊજવવામાં આવશે, ત્યારે તેના
ઉપલક્ષ્યમાં ભુજ એરપોર્ટ ખાતે અહીં થતાં નવીનીકરણ અને પ્રવાસીઓની સુવિધાનાં કાર્યોની
માહિતી એરપોર્ટના ડાયરેક્ટર નવીનકુમાર સાગરે પત્રકારોને આપી હતી. આ નવીનીકરણથી પ્રવાસીઓની
ક્ષમતા 500થી વધીને 1200 થશે. ત્રણ મોટા અને બે નાના વિમાન રન-વે પાસે પાર્ક થઈ શકે તેવી
સુવિધા તૈયાર થઈ ચૂકી છે. વર્ષ 2024, એપ્રિલથી
શરૂ થયેલું આ વિસ્તૃતિ-નવીનીકરણ આગામી જુલાઈના અંત સુધીમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક
હોવાનું તેમણે જણાવ્યું હતું. - વીઆઈપી લોન્જમાં
કચ્છી સંસ્કૃતિ : ભુજના એરપોર્ટ
પર ડિપાર્ચર અને અરાઈવલ ક્ષેત્રમાં વીઆઈપી લોન્જની તૈયારીનોય તખતો ઘડાઈ ચૂક્યો છે.
આ લોન્જમાં કચ્છની સંસ્કૃતિની ઝલક જોવા મળશે. ભાતીગળ મડવર્ક અને વિવિધ કલાકૃતિ પ્રવાસીઓ
માટે આકર્ષણરૂપ રહેશે. - ચેકઈન કાઉન્ટર
વધશે : વિમાનો તથા પ્રવાસીઓની સંખ્યામાં સતત વધારો
થઈ રહ્યો હોવાથી ચેકઈન કાઉન્ટર પણ વધી જશે. એરપોર્ટ પર યાત્રીઓનાં આવાગમન અર્થે ગેટ
મોટા થશે અને સંખ્યા વધી જશે. - એકના બદલે
બે સિફટની દરખાસ્ત : વિમાની સેવાઓ
અને પ્રવાસીઓની સંખ્યા વધતાં હાલ એક સિફટમાં કામગીરી ચાલી રહી છે, ત્યારે અહીંના કર્મચારીઓ તથા સુરક્ષા તંત્રની
ડબલ સિફ્ટની દરખાસ્ત ઉચ્ચ કક્ષાએ મોકલી દેવાઈ છે. - રાત્રિ વિમાની સેવા માટે આશાવાદ
: સુરક્ષાને ધ્યાને લઈ ભારતીય વાયુસેના સાથે
થયેલી ઉચ્ચ સ્તરીય ચર્ચામાં હાલ એરપોર્ટ ઓપરેશનનો સમય વહેલી સવાર અને સાંજ સુધીનો છે.
રાત્રિના 8થી 9 સુધી લંબાવવા વાયુસેના સહમત થઈ છે. પ્રથમ રાત્રિની વિમાની સેવાની
દરખાસ્ત આવ્યેથી તેમાં શું થઈ શકે અને સહકાર આપવાની ખાતરી વાયુસેનાએ આપી હોવાની વાત
ડાયરેક્ટર નવીનકુમારે કરી હતી.