ભુજ, તા. 13 : આગામી ચોમાસાંની ઋતુને ધ્યાને
રાખીને શહેરના વિવિધ વિસ્તારોમાં શરૂ કરાયેલી નાળાં સફાઈની ભુજ નગરપાલિકાના પદાધિકારીઓ
પ્રમુખ શીતલભાઈ શાહ, કારોબારી ચેરમેન
કમલભાઈ ગઢવી તેમજ શાસકપક્ષના નેતા ધર્મેશભાઈ ગોર, નગરપાલિકાના
સેનિટેશન શાખાની ટીમ તેમજ નાળાં સફાઈના કોન્ટ્રાક્ટર સાથે જ્યાં જ્યાં નાળાં સફાઈ ચાલુ
છે, ત્યાંની સ્થળ મુલાકાત લઈ થઈ રહેલાં કામોની સમીક્ષા કરી હતી,
તો કોમર્સ કોલેજથી ત્રિમંદિર સુધીની મુખ્ય ગટરલાઈનનાં કામની પણ સમીક્ષા
કરાઈ હતી. ભુજ નગરપાલિકા પ્રમુખ શીતલભાઈ શાહે
જણાવ્યું કે, પ્રિ-મોન્સૂન નાળાં સફાઈની કામગીરી શરૂ કરવામાં
આવી છે, ત્યારે એજન્સીને ચોમાસાંના આગમન પહેલાં કામગીરી સત્વરે
ચોક્સાઈપૂર્વક પૂર્ણ કરવા ટકોર કરી છે. ભાડાની ગ્રાન્ટમાંથી કોમર્સ કોલેજ પાસે ગણેશનગરથી
ત્રિમંદિર સુધી ગ્રેવિટી ડ્રેનજલાઈન પાથરવાનું કામ ચાલુમાં છે, જેની પણ નગરપાલિકા ડ્રેનેજ શાખાના એન્જિનીયર તેમજ આ કામની એજન્સીના કોન્ટ્રાક્ટર
સાથે સ્થળ પર જઈ સમીક્ષા કરાઈ હતી. આ અંદાજિત બે કિ.મી.ની લાઈનની સંપૂર્ણ કામગીરી થયા
બાદ ડ્રેનેજ પાણી વચ્ચેથી પસાર થાય છે તેને બદલે સીધું અમૃત યોજના અંતર્ગત એરપોર્ટ
રોડ પર બનેલી મુખ્યલાઈનમાં જોડાણ કરવામાં આવશે, જેનાથી વોર્ડ
નં. 1 અને 7મા ડ્રેનેજનું પાણી સીધું એરપોર્ટ રોડ પર બનેલી મુખ્યાલાઈનમાં
સમાઈ જશે. આગામી ચોમાસાંની ઋતુને ધ્યાને રાખીને આ થઈ રહેલાં કામોને સત્વરે પૂર્ણ કરવા
કોન્ટ્રાક્ટરને ટકોર કરવામાં આવી હતી. આ ડ્રેનજલાઈનનું કામ થઈ ગયા બાદ માર્ગ અને મકાન
વિભાગ દ્વારા નવા રોડ બનાવાની કામગીરી હાથ ધરવામાં આવશે.