• રવિવાર, 14 જૂન, 2026

વાયુદળનું વિમાન તૂટયું; પાંચ શહીદ

ગુવાહાટી, તા. 13 : એક દુ:ખદ ઘટનાક્રમમાં આસામનાં જોરહાટમાં શનિવારની સવારે 10 વાગ્યે ભારતીય વાયુદળનું પરિવહન વિમાન ઊતરાણ વખતે દુર્ઘટનાગ્રસ્ત થતાં વાયુદળના બે અધિકારી અને ત્રણ જવાન શહીદ થઇ ગયા હતા. આ ઘટનાથી ભારે અફરાતફરી મચી ગઇ હતી. સ્ક્વોડ્રન લીડર પ્રભાતસિંહ ફલાઇટ લેફટનન્ટ શુભમ કુમાર, સાર્જન્ટ જિતેન્દ્ર શર્મા, અગ્નિવીર ખેમારામ કુમાવત અને દાનિશ આલમનાં લોહિયાળ દુર્ઘટનામાં મોત થયાં હતાં. આ મૃતકોમાં બે અધિકારી, એક સાર્જન્ટ અને બે અગ્નિવીર સામેલ છે. આસામ કોંગ્રેસના અધ્યક્ષ ગૌરવ ગોગોઇએ આ દુર્ઘટનાની યોગ્ય તપાસ કરાવવાની અપીલ કરી હતી. ઊતરાણ બાદ તરત વિમાનમાં આગ લાગી ગઇ હતી અને બે ટુકડા થઇ ગયા હતા. દુર્ઘટનાનું કારણ તરત જાણવા મળ્યું નહોતું. વાયુદળ તરફથી કોર્ટ ઓફ ઇન્ક્વાયરીનો આદેશ અપાયો હતો. પ્રારંભિક અહેવાલ અનુસાર, વિમાન રન-વે પર ઊતરવાના સ્થાને બાજુની ઊબડખાબડ જમીન પર ઊતરીને ઢસડાતાં આગ લાગી ગઇ હતી. ભારતીય વાયુદળે જણાવ્યું હતું કે, પરિવહન વિમાન એએન-32 નિયમિત ઉડાન પર હતું, ત્યારે સવારે 10 વાગ્યે દુર્ઘટના સર્જાઇ હતી. વાયુદળે જીવ ખોનાર જવાનોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. વર્ષ 1986થી આજ સુધી એએમ-32 વિમાનો ભારતમાં 22 દુર્ઘટનાનાં શિકાર બની ચૂક્યાં છે. ઊતરાણ વખતે વિમાનમાં ધડાકો થયા બાદ આગ લાગતાં રૌરિયા એરબેઝ પર અફરાતફરી મચી ગઇ હતી. વાયુદળ પાસે આવાં 100થી વધુ વિમાન છે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે આ દુર્ઘટના બદલ શોકની લાગણી વ્યક્ત કરતાં કહ્યું હતું કે, આ દુ:ખની ઘડીમાં જવાનોના પરિવારો સાથે છે. - ફ્રી થઇશ ત્યારે મારી માતા સાથે વાત કરીશ : લેફ્ટનન્ટ શુભમ કુમાર એક કલાક પછી જ શહીદ : નવી દિલ્હી, તા. 13 : આસામમાં જોરહાટમાં ભારતીય  વાયુસેનાના વિમાન દુર્ઘટનામાં શહીદ થયેલા ફ્લાઇટ લેફ્ટનન્ટ શુભમ કુમારે અકસ્માતના એક કલાક પહેલાં જ બિહારના જહાનાબાદમાં તેમની માતા સાથે વીડિયો કોલ પર વાત કરી હતી. જોરહાટ એરફોર્સ સ્ટેશન પર લેન્ડિંગ કરતી વખતે ભારતીય વાયુસેનાનું ટ્રાન્સપોર્ટ વિમાન એએન-32 ક્રેશ થયું હતું. આ અકસ્માતમાં પાંચ વાયુસેનાના જવાનો શહીદ થયા હતા, જેમાં બિહારના જહાનાબાદના વતની ફ્લાઇટ લેફ્ટનન્ટ શુભમ કુમારનો પણ સમાવેશ થાય છે. શુભમે અકસ્માતના એક કલાક પહેલાં જ તેની માતા સાથે વીડિયો કોલ પર વાત કરી હતી. પુત્રની શહાદતના સમાચાર મળતાં પરિવાર શોકમાં ડૂબી ગયો હતો. 26 વર્ષીય શુભમ હુલાસગંજ બ્લોકના બનવરિયાણ ગામનો રહેવાસી હતો. શુભમ કુમારે તેની માતાને ફક્ત એટલું જ કહ્યું કે, તે ઉતાવળમાં છે અને જ્યારે તે ફ્રી થશે ત્યારે વાત કરશે. માતાને ખબર નહોતી કે આ તેના પુત્રનો છેલ્લો વીડિયો કોલ હશે. 

Panchang

dd