• રવિવાર, 14 જૂન, 2026

સાપેડા પાસે હીટ એન્ડ રનમાં પગપાળા જતા શ્રમિકે જીવ ગુમાવ્યો

ગાંધીધામ, તા. 13 : અંજાર તાલુકાના સાપેડા પાસે  હીટ એન્ડ રનના બનાવમાં અજાણ્યાં વાહન હડફેટે 36 વર્ષીય મનોજ લાખાભાઈ  મહેશ્વરીનું તત્કાળ મોત નીપજ્યું હતું, તો ભચાઉ તાલુકાનાં લાકડિયા પાસે ટ્રેઈલર-ડમ્પર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં અશરફ શકુર સમેજા (ઉ.વ.24)નું  મોત નિપજ્યું હતું પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ  માર્ગ અકસ્માતનો બનાવ ગત તા. 11ના  સવારે 5.30 વાગ્યાના અરસામાં સુગારિયા ગામના બસ સ્ટેશન પાસે બન્યો હતો. હતભાગી યુવાન મજૂરી કામ માટે પગપાળા જતો હતો. આ દરમ્યાન અજાણ્યાં વાહનના ચાલકે તેને હડફેટે લીધો હતો. માથાં સહિતના ભાગમાં ગંભીર પ્રકારની  ઈજાઓથી તેનું તત્કાળ  મોત નીપજ્યું હતું.   સામખિયાળી રાધનપુર હાઈ-વે ઉપર ગેલ કંપની પાસે અકસ્માતનો બનાવ ગત તા. 12ના સવારે 6.30 વાગ્યાના અરસામાં બન્યો હતો. આરજે-07-જીસી-9684 નંબરના ટ્રેઈલરના આરોપી ચાલકે સિગ્નલ આપ્યા વિના ટ્રેઈલરની સ્પીડ ઘટાડી હતી, જેના કારણે પાછળ આવતું ડમ્પર સાથે ધડાકાભેર અથડાયું હતું.  ડમ્પરચાલકને શરીરમાં આંતરિક ઈજાઓ થતાં સારવાર પૂર્વે જ તેના પ્રાણપંખેરુ ઉડી ગયા હતા. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. 

Panchang

dd