ભુજ, તા. 11 : કચ્છમાં સ્વચ્છતા સપ્તાહ અભિયાનનો ભુજ તાલુકાના
સુખપર ગામેથી પ્રારંભ કરવામાં આવ્યો હતો. જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયાના હસ્તે સ્વચ્છતા રેલીને પ્રસ્થાન
કરાવી અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો હતો. જિલ્લા કલેક્ટરે સ્વચ્છતા જાળવવામાં જનભાગીદારીનાં
મહત્ત્વ પર ભાર મૂકતા જણાવ્યું હતું કે, સ્વચ્છ ગામ અને સ્વસ્થ સમાજનાં નિર્માણ માટે દરેક નાગરિકની સક્રિય ભાગીદારી
જરૂરી છે. રેલી બાદ ગામમાં સામૂહિક સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું,
જેમાં તમામ ઉપસ્થિતોએ શ્રમદાન કરી જાહેર સ્થળો, રસ્તાઓ તથા આસપાસના વિસ્તારોની સફાઈ કરી હતી. સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સમગ્ર
સપ્તાહ દરમિયાન જિલ્લાનાં વિવિધ ગામોમાં સ્વચ્છતા, ઘન અને પ્રવાહી
કચરા વ્યવસ્થાપન, પ્લાસ્ટિકમુક્તિ, વૃક્ષારોપણ
તથા જનજાગૃતિના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના
નિયામક નિકુંજ પરીખ, તાલુકા પંચાયત પ્રમુખ, જિલ્લા તથા તાલુકા પંચાયતના સદસ્ય, તાલુકા વિકાસ અધિકારી,
સ્વચ્છ ભારત મિશનના જિલ્લા તથા તાલુકા કક્ષાના અધિકારીઓ અને કર્મચારીઓ
ઉપસ્થિત રહ્યા હતા. ગામના સરપંચ, આગેવાનો, શાળાના વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો
પણ કાર્યક્રમમાં જોડાયા હતા. આ તરફ નખત્રાણા તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા નખત્રાણામાં
સફાઇ અભિયાન હાથ ધરાયું હતું. નગરપાલિકા દ્વારા યોજાયેલ અભિયાનમાં પ્રમુખ વસંતભાઇ વાઘેલા,
ઉપપ્રમુખ દમયંતીબેન સેંઘાણી, કારોબારી ચેરમેન ચંદનસિંહ
રાઠોડ, દંડક જાગૃતિબેન પલણ સહિત નવનિર્વાચિત નગરસેવકો તથા કર્મચારીઓ
જેડાયા હતા. રોહા (સુમરી)માં નખત્રાણા તાલુકા પંચાયતના પ્રમુખ ભારતીબેન, નીતિનગિરિ ગુસાઇ, ઉપસરપંચ હુશેન ભજીર, આંગણવાડી વર્કર બહેનોએ સફાઇ ઝુંબેશ આદરી હતી.