• શનિવાર, 13 જૂન, 2026

કચ્છના ગામડાંઓની સર્વાંગી કાયાપલટનો ઘડાતો તખ્તો

ભુજ, તા. 11 : રાજ્ય સરકારે ગામડાંને પણ શહેરોની માફક આધુનિક ઢબે વિકસાવી કાયાપલટ કરવા માટેનો તખ્તો ઘડયો છે. સક્ષમ ગામ-સમૃદ્ધ ગામ હેઠળ રાજ્યના 1000 ગામને આધુનિક ઢબે વિકસાવવાનું આયોજન ઘડાઈ રહ્યું છે. આ યોજના અંતર્ગત કચ્છના 30થી વધુ ગામની કાયાપલટ કરવા તરફની દિશામાં ડગ માંડવાની કામગીરી આરંભાઈ છે. વિલેજ ડેવલપમેન્ટ પ્લાન તૈયાર કરી આગામી પાંચ વર્ષમાં ગામડાઓનો સુચારુ વિકાસ થાય તે પ્રકારનું આયોજન ઘડાઈ રહ્યું છે. - માળખાકીય સુવિધા વિકસશે : સક્ષમ ગામ-સમૃદ્ધ ગામ યોજના અંતર્ગત જે ગામોની પસંદગી કરવામાં આવશે ત્યાં પાણી, રસ્તા, લાઈટ, ગટર જેવી આંતર માળખાકીય સુવિધાનો સુનિયોજિત વિકાસ કરવામાં આવશે. તો ડિજિટલ ભારત અભિયાનને વેગ મળે તેવા હેતુ સાથે આ ગામોમાં સુદૃઢ ઈન્ટરનેટ કનેક્ટિવિટી મળે અને લોકો તેનો મહત્તમ લાભ લે તેવા પ્રયાસો કરવાને અગ્રતા આપવામાં આવશે. - વિશેષ બજેટની ફાળવણી : રાજ્યના પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગ દ્વારા આ મહત્ત્વની વિકાસલક્ષી કામગીરી હાથ ધરવામાં આવનારી છે. સક્ષમ ગામ-સમૃદ્ધ ગામ યોજના માટે રાજ્ય સરકારે 267 કરોડનું ભંડોળ ફાળવ્યું છે. દરેક જિલ્લામાં 10 કરોડ સુધીનો ખર્ચ કરવામાં આવનારો છે. - ગ્રામિણ વિકાસને વેગ મળશે : રાજ્ય સરકારની આ યોજનાનો હેતુ ગ્રામીણ વિસ્તારના વિકાસને સર્વાંગી રીતે વેગ આપવાનો છે. જે ગામો સર્વાંગી કાયાપલટ માટે પસંદ કરવામાં આવશે, તેમાં મૂળભૂત સુવિધાઓનું 100 ટકા સંતૃપ્તિકરણ કરવામાં આવશે. આ યોજના લાંબાગાળાની હોતાં 2031ના વર્ષ સુધી નિર્ધારિત કામો પૂર્ણ થાય તે દિશામાં લક્ષ્ય નિર્ધારિત કરાયો છે. યોજનાના અમલીકરણ માટે જિલ્લા કક્ષાએ જિલ્લા વિકાસ અધિકારીને નોડલ અધિકારીની જવાબદારી સોંપવામાં આવી છે. તેમના માર્ગદર્શનમાં વિલેજ ડેવલપમેન્ટ પ્લાન તૈયાર કરી જરૂરિયાત અનુસારના વિકાસ કામોની રૂપરેખા તૈયાર કરવામાં આવશે. - તબક્કાવાર તમામ ગામોને  આવરી લેવાશે : વહિવટી તંત્રના સત્તાવાર સુત્રોમાંથી જાણવા મળેલી વિગત અનુસાર પ્રથમ ચરણમાં દરેક જિલ્લામાંથી 30થી 40 લેખે 1000 ગામને સમાવવાના છે. આ યોજના હેઠળ તબક્કાવાર અન્ય ગામોને જોડવાનું આયોજન વિચારણાધીન રખાયું છે. 

Panchang

dd