• શનિવાર, 13 જૂન, 2026

સરહદી ગામો અંતિમ નહીં, પણ દેશના પ્રથમ

ગાંધીધામ / ભુજતા. 11 : કચ્છના સરહદી અને છેવાડાના વિસ્તારોની સુરક્ષા તેમજ સ્થાનિક પ્રજા સાથે સુમેળભર્યા સંબંધો મજબૂત કરવાના હેતુથી રાજ્યના વરિષ્ઠ પોલીસ અધિકારીઓ બે દિવસીય કચ્છની મુલાકાતે છે.  રાજ્યના એ.ડી.જી.પી. અજયકુમાર ચૌધરીએ પૂર્વ કચ્છ વાગડ વિસ્તારના રાપર તાલુકાના જાટાવાડા અને શિરાની વાંઢની મુલાકાત લઈ છેવાડાના વિસ્તારમાં રહેતા લોકો અંતિમ નહીં પણ દેશના પ્રથમ ગામના લોકો અને તેઓ સરહદના સાચા સંત્રી હોવાનું કહ્યું હતું. શ્રી ચૌધરીની સાથે પૂર્વ કચ્છ પોલીસ અધીક્ષક સાગર બાગમાર, મામલતદાર એચ.બી. વાઘેલા, તાલુકા વિકાસ અધિકારી ખોડુભા વાઘેલા સહિતનો કાફલો જાટાવાડા ગામે પહોંચ્યો ત્યારે ગ્રામજનો દ્વારા તેમનું ઉષ્માભેર સન્માન કરાયું હતું. નાનકડાં ગામમાં ગાંધીનગરથી અધિકારી આવતાં લોકો-બાળકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. ગામના રામદેવપીર મંદિરનાં પ્રાંગણમાં લોકસંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સ્થાનિક લોકો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા. ગ્રામજનોએ પોતાની દૈનિક મુશ્કેલીઓ અને ગામની પરિસ્થિતિ તંત્ર સમક્ષ રજૂ કરી હતી જેમાં પીવાનાં પાણીની તકલીફ, બિસ્માર માર્ગ, આરોગ્ય સુવિધાઓનો અભાવ, સ્થાનિક શાળામાં અપૂરતા શિક્ષકો અંગે રજૂઆત કરાઈ હતી. પોલીસ અધિકારીએ સરહદી ગામોના લોકો અંતિમ નહીં પણ દેશના પ્રથમ નાગરિક હોવાનું કહ્યું હતું. બીજી તરફ આજે સવારે ભુજ તાલુકાના ખાવડા બાજુના મોટા દિનારા ગામે ડીઆઈજી સુધા પાંડે પહોંચ્યા હતા, જ્યાં ગ્રામજનો અને આગેવાનોએ તેમનું સન્માન કર્યું હતું, ત્યાં યોજાયેલા કાર્યક્રમમાં વિસ્તારની પરિસ્થિતિ જાણી હતી. પોલીસ અધિકારીએ ઉદ્બોધનમાં પોલીસની કામગીરીની છણાવટ કરી અને સરહદી વિસ્તારના લોકોની પડખે હોવાની ધરપત આપી હતી. તમે જ્યારે સીમાને અડીને રહો છો ત્યારે કોઈ પણ શંકાસ્પદ ગતિવિધિ ધ્યાને આવે તો પોલીસનો સંપર્ક કરવા અપીલ કરી હતી. અહીંના કાર્યક્રમમાં આગેવાનો મો. ભલાલ જોમઈ, ઈબ્રાહિમ હાજી ભલાલ સમા, અ. રસીદ માસ્તર, સિધિકભાઈ સમા, અન્ય ગ્રામજનો તથા ખાવડા-હાજીપીર પોલીસ સ્ટાફ હાજર રહ્યો હતો. બપોર બાદ ગાંધીનગર સીઆઈડી ક્રાઈમના ડીઆઈજી કે. એન. ડામોરે દેઢિયાની મુલાકાત  લીધી હતી. તેઓ જુણાનીય વિઝિટ કરશે. પોલીસ અકાદમી કરાઈના ડીઆઈજી લીના પાટિલ ધોરડો બાજુના ઉધમો અને પટગાર, જ્યારે અમદાવાદ સ્પેશિયલ બ્રાન્ચના એડિશનલ સી.પી. આર.ટી. સુસરા દયાપર ક્ષેત્રના પુનરાજપુર અને ગુનાઉની મુલાકાતે આવી પહોંચી ગ્રામજનો સાથે સંવાદ કર્યો હતો. રાજ્યના વરિષ્ઠ પોલીસ અધિકારીઓ સાથે પશ્ચિમ કચ્છ જિલ્લાના પોલીસ અધીક્ષક વિકાસ સુંડા પણ સાથે રહ્યા હતા. આ ઉપરાંત જે-તે પોલીસ વિસ્તારના અધિકારીઓ પણ જોડાયા હતા. પોલીસ અધિકારી સ્થાનિક નાગરિકનાં ઘરે રાત્રિ રોકાણ કરશે તેમજ એજન્સીઓ સાથે રિવ્યૂ બેઠક, સરહદી સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા, પોલીસ જવાનો સાથે આંતરિક સંવાદ, રાત્રિ સભાનું આયોજન કરીને પોલીસ પ્રજાનો મિત્ર છે તે ઉક્તિને સાર્થક કરવાની યોજના ઘડાઈ હતી. 

Panchang

dd