• સોમવાર, 08 જૂન, 2026

કચ્છમાં માસાંતે થશે ચોમાસાંનું વિધિવત મંડાણ

ભુજ, તા. 6 : નેઋઍત્યનાં ચોમાસાંએ કેરળમાં આગમન કર્યા બાદ ઝડપભેર પોતાની ગતિ આગળ વધારી છે. આ વખતે અલ નીનોના પ્રભાવથી ચોમાસું સામાન્યથી નબળું રહે તેવા હવામાન વિભાગનાં અનુમાન વચ્ચે કચ્છમાં જૂનના અંતિમ સપ્તાહમાં ચોમાસું વિવિધત રીતે પોતાનાં મંડાણ કરે તેવી શક્યતાઓ હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે. ચોમાસાંનાં સત્તાવાર આગમન પૂર્વે અસહ્ય બફારાથી કચ્છી માડુઓ આકુળવ્યાકુળ બન્યા છે. પવનની ઝડપ મંદ પડતાં ઉકળાટ તેની પરાકાષ્ઠાએ પહોંચ્યો છે. હવામાન વિભાગે ચોમાસાંનાં આગમનનો જે નકશો જાહેર કર્યો હતો તેમાં પણ કચ્છમાં 25થી 29 જૂન વચ્ચે ચોમાસું બેસે તેવી શક્યતા દેખાડવામાં આવી હતી. અંજાર-ગાંધીધામમાં મહત્તમ તાપમાન ફરી 40 ડિગ્રીને પાર થતાં તાપની આકરી આણ અનુભવાઈ હતી. કંડલા પોર્ટમાં 39 અને જિલ્લા મથક ભુજમાં 38 ડિગ્રી મહત્તમ સામે લઘુતમ પારો 28થી 29 ડિગ્રી નોંધાતાં બફારા-ઉકળાટથી જીનજીવન પરસેવે રેબઝેબ થયું હતું. રાજ્યમાં સૌથી વધુ ગરમી અમદાવાદમાં અનુભવાઈ હતી. છેલ્લા કેટલાક વર્ષોથી સતત સારો વરસાદ મેળવતા કચ્છમાં આ વર્ષે નબળાં ચોમાસાંનાં અનુમાનથી થોડી ચિંતા જોવા મળી રહી છે. જો કે, પ્રાચીન વર્ષા વિજ્ઞાન મુજબ ચોમાસું નબળું પણ સારું રહે તેવી પ્રબળ સંભાવના દેખાડવામાં આવી છે. આ વખતે તાપ-ઉકળાટનો પ્રભાવ રાજ્યની સાથે કચ્છમાં પણ અતિ તીવ્ર રીતે અનુભવાયો છે. ગરમી-ઉકળાટનો અનુભવ જે રીતે થયો છે તે જોતાં આ વખતે વરસાદ વધુ પડે તેવી શક્યતાઓને સાવ નકારાતી નથી. 

Panchang

dd