• રવિવાર, 07 જૂન, 2026

રાપર તાલુકામાં આજે પણ પેયજળ પ્રાણ પ્રશ્ન

રાપર, તા. 6 : તાલુકાની સંકલન બેઠકમાં  રાપરનાં એક ગામમાં દૂર દૂરથી પાણી ભરીને આવતી નાની બાળકીઓને જોઈને પોતાનાં પરિવારનાં બાળકોને પાણીનું મૂલ્ય સમજાવાતું  હોવાનું જણાવી તાલુકામાં પીવાનાં પાણીની અછત અંગે અધિકારીએ ચિંતા વ્યક્ત કરી હતી. જ્યાં પેયજળની કટોકટી હોય ત્યાં સ્થાનિક સ્ત્રોતથી અથવા નજીકનાં સ્ત્રોતથી કે વાંઢ વિસ્તારમાં ટેન્કરથી પાણી પુરું પાડવા પાણી પુરવઠા વિભાગને મામલતદાર એચ બી વાઘેલાએ સૂચના આપી હતી. સંકલન સમિતિની બેઠકમાં અનેક ગામોમાં દિવસો સુધી પાણી ન આવતું હોવાની ફરીયાદો સૌથી વધુ હતી. ઉપરાંત ભીમાસર, આડેસર, પ્રાગપર, રવ સહિત અનેક ગામોમાં લૉ વોલ્ટેજ નિવારવા, વર્ષોથી તૈયાર આડેસર 66 કેવી સબસ્ટેશન શરૂ કરવા, નાની રવમાં પાણીનાં વહેણ પર ઊભા કરેલા થાંભલા ખસેડવા, ખેડૂતોને પેન્ડીંગ નવા વીજ કનેકશન તાત્કાલિક આપવા, આડેસર-ફતેહગઢ-રાપર રોડ નવો બનાવવા, ગત ચોમાસે ધોવાઈ ગયેલા તમામ રસ્તાઓ રીપેરીંગ કરવા, રસ્તાઓ પરનું ઝાડી કાટિંગ કરવા, પીએમ આવાસ યોજનાના બાકી હપ્તા ચૂકવવા, કીડીયાનગર સહિત અનેક ગામોમાં વર્ક ઓર્ડર અપાઈ ગયા બાદ પણ અનેક ગ્રામ પંચાયત ભવનનું કામ શરૂ થયું ન હોવા, નાની હમીરપર, સઈ, ખડીર, પલાંસવા સહિત અનેક ગામોમાં પાણી ન મળવું, વાંઢ વિસ્તારમાં ટેન્કરથી પાણી પુરું પાડવા, ભીમાસરમાં કેડીસીસી બેંકમાં ફસાઈ ગયેલા ખેડૂતોનાં નાણાં વ્યાજ સહિત પરત આપવા, ટગા, લખાગઢ, વરણુમાં શાળાનાં ઓરડા બનાવવા સહિતની રજૂઆતો કરવામાં આવી હતી આ અંગે જે તે વિભાગના અધિકારીઓને આ ફરિયાદોનું નિરાકરણ લાવવા મામલતદાર દ્વારા સૂચના આપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે આમાંની મોટાભાગની ફરિયાદો દરેક સંકલન બેઠકમાં રીપીટ થતી હોય છે જે અંગે મામલતદાર દ્વારા આવી ફરિયાદોનો ઝડપી ઉકેલ લાવવા તાકીદ કરવામાં આવી હતી. બેઠકમાં તાલુકા  પંચાયત પ્રમુખ રાજેશભાઈ ઢીલા, તાલુકા ભાજપ પ્રમુખ નશાભાઈ દૈયા, નગરપાલિકા પ્રમુખ ચાંદ ઠક્કર, વિનુભાઈ થાનકી, મદદનીશ ટીડીઓ હુસેનભાઈ જીએજા, માર્ગ અને મકાન વિભાગનાં અધિકારીઓ એસ. પી. રામજીયાણી, જે.એમ.ટાંક, વન વિભાગનાં અરાવિંદ ભાટિયા, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી સામત વશરા, પીજીવીસીએલ, આરોગ્ય સહિત વિવિધ વિભાગોનાં અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.  

Panchang

dd